Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

કોંગ્રેસ જો ૧૧.૨ ટકા મતો મેળવી શકે તો ભાજપને ભારે પડી જાય

ગુજરાતમાં એક તરફી મુકાબલો નહિ પણ ખરાખરીનો ખેલ થવાનો છે : કોંગ્રેસે સરકાર બનાવવા જરૂરી ૯૨ બેઠકો જીતવી હોય તો આખા રાજ્યમાં તેને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મળેલા મતોની સરખામણીએ ભાજપ કરતા ૧૧.૨ ટકા મત વધુ જોઇએ

નવી દિલ્હી તા. ૨૩ : વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બચ્યા છે. ૯ ડિસેમ્બરે થનારી પહેલા તબક્કાની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા પૂર્ણ પણ થઈ ગઈ છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે, આ વખતે ગુજરાતમાં એક તરફી મુકાબલો નહીં પણ ખરાખરીનો ખેલ થવાનો છે. છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી કોંગ્રેસ માટે આ સિદ્ઘિ પણ કંઈ ઓછી નથી, કારણકે પક્ષનું પ્રદર્શન અત્યાર સુધીની ચૂંટણીમાં સાવ નબળું રહ્યું છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો ભાજપે જીતી લીધી હતી. લોકસભાની ૨૬ બેઠકોના ક્ષેત્રમાં આવતી જુદી-જુદી વિધાનસભા બેઠકોમાં ૫૯.૦૫ ટકા વોટ શેરિંગ સાથે ભાજપ ૧૬૫ બેઠકો પર કોંગ્રેસથી આગળ હતો. જયારે કોંગ્રેસ માત્ર ૧૭ બેઠકો પર આગળ હતી, પરંતુ તેનો વોટ શેરિંગ ૩૨.૮૬ ટકા હતો.

ગુજરાતમાં લોકસભાની કુલ ૨૬ બેઠકો છે, અને વિધાનસભાની ૧૮૨ બેઠકો છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ૨૬ બેઠકો માટે જે મતદાન થયું હતું, તેને અહીં જે-તે લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠકોમાં કન્વર્ટ કરી દેવાયું છે. દાખલા તરીકે, અમદાવાદ પૂર્વની એક લોકસભા બેઠક હેઠળ ૧૦ વિધાનસભા બેઠકો આવે છે. હવે આ બેઠક પર ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં જે મતદાન થયું હતું, તેને તેની હેઠળ આવતી ૧૦ બેઠકોમાં ડિવાઈડ કરી દેવાયું છે, અને તેમાં ભાજપને કેટલા ટકા મત મળ્યા, અને કોંગ્રેસને કેટલા ટકા મત મળ્યા, બંને વચ્ચે કેટલું અંતર રહ્યું તેના આધારે આ સમગ્ર ગણતરી કરાઈ છે.

આંકડા પર નજર નાખીએ તો, આવતા મહિને થઈ રહેલી ચૂંટણીમાં જો કોંગ્રેસે સરકાર બનાવવા જરુરી ૯૨ બેઠકો જીતવી હોય તો આખા રાજયમાં તેને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મળેલા મતોની સરખામણીએ ભાજપ કરતા ૧૧.૨ ટકા મત વધુ જોઈએ. જો કોંગ્રેસ આ ગણતરી પાર પાડી શકે તો તેના માટે સરકાર બનાવવાના ચાન્સ સર્જાઈ શકે છે. ૨૦૧૨માં થયેલી વિધાનસભા ચૂંટણીને બદલે જો ૨૦૧૪માં થયેલી લોકસભા ચૂંટણીમાં થયેલા વોટિંગના આધારે હાલની ચૂંટણીની સ્થિતિની સરખામણી કરીએ તો, સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને ભાજપ કરતા ૧૧.૨ ટકા મત વધુ મેળવવા પડે.

વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાજપ ૨૦૧૪માં થયેલા મતદાનના આંકડા અનુસાર આ વિસ્તારમાં આવતી વિધાનસભાની ૫૨ બેઠકો પર ભાજપ આગળ હતો, જયારે કોંગ્રેસ બે બેઠક પર આગળ હતી. કચ્છ-સૌરાષ્ટ્રમાં ભાજપને કોંગ્રેસ કરતા ૧૨ ટકા વધુ મત મળ્યા હતા. જો કોંગ્રેસ આ ગેપને પૂરો કરી શકે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં બંને પક્ષના ભાગે ૨૭-૨૭ બેઠક આવી શકે.

તેવી જ રીતે, ઉત્ત્।ર ગુજરાતની ૫૩ વિધાનસભા બેઠકોને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં થયેલા મતદાનને ધ્યાનમાં રાખી ગણતરીમાં લઈએ તો, અહીં ભાજપ ૪૮ બેઠક અને કોંગ્રેસ ૫ બેઠક પર આગળ હતા. કોંગ્રેસ જો અહીં ભાજપ કરતા ૧૦.૫ ટકા મત વધુ મેળવી શકે તો તે આ વિધાનસભા ચૂંટણીમાં ૨૭ બેઠક, જયારે ભાજપ ૨૬ બેઠક મેળવી શકે.

મધ્ય ગુજરાતમાં કુલ ૪૦ વિધાનસભા બેઠકો આવેલી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અહીં ૩૩ અને કોંગ્રેસ ૭ બેઠકો પર આગળ હતા, પરંતુ કોંગ્રેસનો વોટ શેરિંગ ભાજપથી ૧૦ ટકા ઓછો હતો. આ ગેપ જો કોંગ્રેસ પૂરવામાં સફળ થાય તો આ ચૂંટણીમાં તેને અને ભાજપને બંનેને ૨૦-૨૦ બેઠકો મળી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં કુલ ૩૫ વિધાનસભા બેઠકો આવેલી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં થયેલા મતદાનના આંકડાને ધ્યાનમાં લઈએ તો, ભાજપ અહીં વિધાનસભાની ૩૨ અને કોંગ્રેસ ૩ બેઠકો પર આગળ હતા. જોકે, કોંગ્રેસનો વોટ શેરિંગ ભાજપ કરતા ૧૪.૫ ટકા ઓછો હતો. આ ઘટને જો કોંગ્રેસ સરભર કરી શકે તો કોંગ્રેસ અહીં ૩૫માંદ્મક ૧૮ બેઠક મેળવી શકે છે.

ગુજરાતના ચારેય હિસ્સામાં ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં જે મતદાન થયું હતું, તેને જો વિધાનસભાની બેઠકોના પ્રમાણમાં વહેંચી દઈએ તો, ભાજપ ૧૬૫ બેઠકો પર અને કોંગ્રેસ ૧૭ બેઠક પર આગળ હતા. જોકે, ભાજપ કરતા કોંગ્રેસને મળેલા મતનું પ્રમાણ એવરેજ ૧૧.૨ ટકા ઓછું હતું. આ ગેપને કોંગ્રેસ સરભર કરી દેવામાં સફળ રહે, તો આ ચૂંટણીમાં તે બહુમતી માટે જરુરી ૯૨ બેઠકો જીતીને સરકાર બનાવી શકે છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ રાજયમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ મહાનગરપાલિકાઓ પર કબજો કરવામાં ભાજપ સફળ રહ્યો હતો. જોકે, ગ્રામ્ય વિસ્તારમાં પાટીદાર આંદોલનની જબરજસ્ત અસર જોવા મળી હતી. પાટીદાર આંદોલન હજુ પણ શમ્યું નથી, અને કોંગ્રેસે ઓબીસી તેમજ એસસી-એસટી વોટબેંકને પણ પોતાની સાથે લેવાની પૂરી નીતિ બનાવી લીધી છે. તેવામાં જો કોંગ્રેસ ૧૧.૨ ટકાના આ ખેલને પૂરો કરવામાં સફળ રહે તો ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.

(3:47 pm IST)