Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

ચૂંટણી જંગઃ ૧૭૦૩ ઉમેદવારો મેદાનમાં: કાલે બપોર બાદ ચિત્ર સ્પષ્ટ થશે

ભાજપના ૧૯૩, કોંગ્રેસના ૧૯૬, એનસીપીના ૪૪ અને ૭૮૮ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

નવી દિલ્હી તા. ૨૩ : ૯મી, ડિસેમ્બરે યોજાનારી પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ છે અને આજે-બુધવારે ફોર્મની ચકાસણી પ્રક્રિયા પણ સમાપ્ત થઈ ચૂકી છે. પ્રથમ તબક્કામાં કુલ ૧૭૦૩ ફોર્મ ભરાયા છે. જેમાં છેલ્લા દિવસે ૧૨૧૫ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં ભાજપ તરફથી પ્રથમ તબક્કાની કુલ ૮૯ બેઠકો માટે ૧૯૩ અને કોંગ્રેસ તરફથી ૧૯૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસ સાથે ચૂંટણી ગઠબંધન ન થવાના કારણે એનસીપીએ આ વખતે તેના ૪૪ ઉમેદવારો તો પ્રથમ તબક્કામાં મેદાનમાં ઉતારી દીધા છે. જયારે બહુજન સમાજ પાર્ટીના ૮૭ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. એવી જ રીતે અપક્ષોનો પણ રાફડો ફાટ્યો છે. ૭૮૮ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

જોકે, હવે, ૨૪મી સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે એટલે રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા યેનકેન પ્રકારેન અન્ય ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવી લેશે ત્યારબાદ કઈ બેઠક ઉપરથી કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાન બાકી રહે છે, તેનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.

અહીં મહત્વની બાબત એ છે કે, કોંગ્રેસ સાથેની સમજૂતી તૂટી ગયા બાદ અને કેન્દ્ર કક્ષાએ જનતાદળ (યુ)ના ભાગલા પડી ગયા બાદ જનતાદળ (યુ)ના પણ ૨૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં સજ્જ થયા છે. શિવસેનાના ૨૭, અને બહુ ગાજેલી આમઆદમી પાર્ટીના પણ ૩૬ તથા સમાજવાદી પાર્ટીના ૫ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. કોંગ્રેસમાંથી છૂટા પડ્યા બાદ શંકરસિહં વાઘેલાના નેતૃત્વમાં આકાર પામેલી જન વિકલ્પના નામથી ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ૬૩ ઉમેદવારો જન વિકલ્પના એક -એક ઉમેદવાર મેદાનમાં છે.

એક કોમને બીજી કોમથી ભયભીત કરવાના આશયથી વાયરલ કરાયેલી એક વીડિયો કલીપીંગ સંદર્ભે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ થઈ હતી. જેની તપાસ પોલીસને સોંપવામાં આવી હતી. એવી જ રીતે તાજેતરમાં કોંગ્રેસના લેટર પેડ ઉપર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહની બોગસ સહી સાથે જાહેર કરાયેલી કોંગ્રેસના ઉમેદવારોની યાદી બાબતે પણ પંચ સમક્ષ ફરિયાદ થઈ હતી. આ બાબતે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં પંચને તેનો રિપોર્ટ સોંપાયા બાદ જવાબદારો સામે પગલાં ભરાશે એમ પોલીસ અધિકારી મોહન જહાંએ કહ્યું હતું.(૨૧.૬)

૩૫.૪૧ કરોડનો દેશી-વિદેશી દારૂ, વાહનો પકડાયા

પોલીસ અધિકારી મોહન જહાંના જણાવ્યા મુજબ, ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં રૂ. ૨૧ લાખનો દેશી દારૂ, ૨૦ કરોડનો વિદેશી દારૂ, અને વાહનો સહિત રૂ. ૩૫.૪૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.નશાબંધીના ૨૨,૦૪૩ કેસ કરીને ૧૭,૮૮૬ વ્યકિતની દરપકડ કરાઈ છે. કુલ ૧,૧૮,૮૨૪ વ્યકિત સામે અટકાયતી પગલાં ભરાયા છે. રૂ. ૫.૪૪ કરોડની કિંમતનો દારૂ, ત્યારબાદ બનાસકાંઠામાં રૂ. ૪.૨૮ કરોડનો, અરવલ્લીમાં ૩.૬૮ કરોડનો અને અમદાવાદમાંથી રૂ. ૧.૪૪ કરોડની કિંમતનો દારૂ પકડવામાં આવ્યો છે.

૧.૬૫ કરોડની રોકડ, સોનુ-ચાંદી જપ્ત

દરેક મત-વિસ્તારમાં ત્રણ સ્ટેટીક સર્વેલન્સ ટીમ હાલ કામ કરી રહી છે. રાજયમાં આવી કુલ ૬૦૪ ટીમ અને ૫૫૫ ફલાઈંગ સ્કવોડ કાર્યરત છે. આ ટીમો દ્વારા રોકડ રકમ, સોનું-ચાંદી મળીને રૂ.૧.૬૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ૧૪ કેસ કરાયા છે.

૪૦,૯૩૦ સામે વોરંટ જારી

રાજયમાં કુલ ૫૬,૪૮૭ પરવાનેદાર હથિયાર ધારકો છે. તેમાંથી ૫૦,૫૮૯ પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાં આવ્યા છે. તકેદારીના ભાગરૂપે ૪૦,૯૩૦ બિન જામીનપાત્ર વોરંટની બજવણી કરવામાં આવી છે.

 

(10:03 am IST)