Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

બિહાર વિધાનસભા ચૂંટણીનો જામતો માહોલઃ એનડીએમાં ડખ્‍ખા બાદ લોકજન શક્‍તિ પાર્ટી મેદાનમાં આવતા રોમાંચક જંગઃ નરેન્‍દ્રભાઇ મોદી અને રાહુલ ગાંધી જાહેર સભાઓ ગજવશે

પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય હલચલ વધતી જોવા મળી રહી છે. NDAમાં ડખ્ખા બાદ લોકજન શક્તિ પાર્ટી (LJP) મેદાનમાં આવી જવાથી મહાગઠબંધન અને NDA વચ્ચેની જંગ વધારે રસપ્રદ બની ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યમાં NDA ગઠબંધનના ઉમેદવારો માટે ત્રણ રેલીઓને  સંબોધન કરવાના છે. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 2 ચૂંટણી સભાને સંબોધવાના છે. આ સિવાય બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતી કૈમુરમાં ચૂંટણી પ્રચાર કરવા જવાના છે. આમ દિગ્ગજ નેતાઓ બિહારમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના હોવાથી સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

PM મોદી રાજ્યમાં મુખ્યમંત્રી નીતિશ કુમારનું નેતૃત્વ ધરાવતી NDA માટે વોટ માંગવા માટે ડેહરી-ઑન સોન, ગયા અને ભાગલપુરમાં ત્રણ રેલીઓને સંબોધિત કરશે. મીડિયા રિપોર્ટ મુજબ, નીતિશ કુમાર ડેહરી અને ભાગલપુરની રેલીઓમાં PM મોદી સાથે એક મંચ પર જોવા મળશે.

બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બિહાર ચૂંટણીના પ્રચાર માટે આજથી મેદાનમાં ઉતરવાના છે. તેઓ ભાગલપુરના કહલગાંવ અને નવાદાના હિસુઆમાં બે અલગ-અલગ રેલીઓને સંબોધિત કરશે.

હિસુઆની જનસભામાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ રાહુલ ગાંધી સાથે એક મંચ પર જોવા મળશે.

ભાજપે પહેલાથી જ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતારી દીધા છે.

LJP પર મોદી શું બોલશે? તેના પર રહેશે નજર

આજની રેલીમાં PM મોદી LJP પર કેવું વલણ દાખવે છે અને કેવા પ્રકારનો રાજનીતિક સંદેશ આપવાનો પ્રયત્ન કરશે? કે પછી કોઈ વચ્ચેનો માર્ગ નીકાળવાનો પ્રયત્ન કરશે, તે જોવું રસપ્રદ રહેશે. કારણ કે, લોકજનશક્તિ પાર્ટી NDAથી અલગ થઈને ચૂંટણીના મેદાનમાં ઉતરી રહી છે.

ચિરાગ પાસવાને JDU વિરુદ્ધ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતાર્યાં છે. તેઓ નીતિશ કુમાર પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. આટલું જ નહીં, સીટ શેયરિંગમાં જે ભાજપ નેતાઓની ટિકિટ JDUના ફાળે ગઈ છે, તેમને પણ પાસવારે પોતાની પાર્ટીની ટિકિટ આપીને LJP ઉમેદવાર બનાવી દીધા છે. આવી જ રીતે અંદાજે 15 સીટો પર JDUના બળવાખોર નેતાઓ પણ ચૂંટણીના મેદાનમાં છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે બિહાર ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. જેમાં લોકોને નિ:શુલ્ક કોરોના વૅક્સીન આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ સિવાય જનતા દળ યુનાઈટેડ (JDU) ચીફ નીતિશ કુમાર દરરોજ ચારથી પાંચ રેલીઓને સંબોધિત કરી રહ્યાં છે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે તેઓ ડિજિટલ રેલીઓની મદદ પણ લઈ રહ્યાં છે.

(4:47 pm IST)