Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

પૂર્વ ઓલરાઉન્ડર કપિલદેવને એટેક, એન્જિયોપ્લાસ્ટિ થઈ

ભારતને વન-ડેનો વર્લ્ડ કપ પ્રથમ વખત અપાવ્યો હતો : દિલ્હીની હોસ્પિટલમાં સર્જરી કરાયા બાદ સ્થિતિ સ્થિર

નવી દિલ્હી, તા. ૨૩ : દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની ખબર મળી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કપિલ દેવની દિલ્હીની એક હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તેઓ ગંભીર હાલતમાંથી બહાર આવી ગયા છે. તેમના હોસ્પિટલમાં એડમિટ થયા હોવાની ખબર મળતા જ ગૌતમ ગંભીર, અનિલ કુંબલે તથા સુરેશ રૈના સહિતના ક્રિકેટરોએ જલ્દીથી સાજા થવાની પ્રાર્થના કરી હતી.

જેવી કપિલદેવ વિશે આ સમાચાર સામે આવ્યા, સોશિયલ મીડિયા પર તેમના જલ્દી સાજા થવની પ્રાર્થના કરવામાં આવી રહી છે. ભારતને પોતાની કેપ્ટનશીપમાં પહેલો વર્લ્ડકપ જીતાડનારા કપિલ દેવની ગણતરી વિશ્વના દિગ્ગજ ઓલરાઉન્ડરોમાં કરવામાં આવે છે. પૂર્વ ક્રિકેટર અને રાજનેતા ગૌતમ ગંભીરે પણ કપિલ દેવના જલ્દી સાજા થવાની કામના કરતા ટ્વીટ કર્યું હતું.

કપિલ દેવને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું માલુમ પડતા જ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે તથા સુરેશ રૈનાએ પણ તેમના જલ્દીથી સાજા થવા માટે પ્રાર્થના કરી હતી. અનિલ કુંબલેએ ટ્વીટમાં લખ્યું, 'જલ્દી સાજા થઈ જાઓ પાજી...' જ્યારે સુરેશ રૈનાએ લખ્યું હતું, કપિલ દેવ સર તમે જલ્દીથી સાજા થઈ જાઓ તેવી પ્રાર્થના, ટેક કેર એન્ડ ગોડ બ્લેસ. ઉલ્લેખનીય છે કે ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ જગતના દિગ્ગજ ઓલરાઉન્ડરોમાં સામેલ કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતે ૧૯૮૩માં પહેલીવાર વર્લ્ડકપ જીત્યો હતો.

કપિલ દેવે પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં ૧૩૧ ટેસ્ટ અને ૨૨૫ વનડે મેચે રમી છે. તેમના નામે ટેસ્ટમાં ૫૨૪૮ રન અને ૪૩૪ વિકેટ છે. વન-ડે ઈન્ટરનેશનલ કરિયરમાં તેમણે ૩૭૮૩ રન બનાવવા સાથે ૨૫૩ વિકેટ લીધી છે. તેમણે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વેસ્ટ ઈન્ડીઝ સામે ફરીદાબાદમાં વર્ષ ૧૯૯૪માં રમી હતી.

(7:30 pm IST)