Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

બસ ચોરી થવાની વાત સાંભળી હશે પણ પૂણેમાં આખે આખુ બસ સ્ટોપ જ ચોરી થઈ ગયું : જાણકારી આપનારને મળશે ઈનામ

પૂણે,તા. ૨૩: મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં તથાકથિત રીતે એક આખા બસસ્ટેન્ડને ચોરી કરી જવાની ઘટના બની છે. જી હાં..બાઈક, કાર અથવા તો બસ ચોરીની ઘટના તમે સાંભળી હશે, પણ પહેલી વાર એવુ જોવા મળ્યુ છે કે, આખે આખુ બસ સ્ટેન્ડ ચોરી થયુ હોવાનો મામલો સામે આવ્યો છે.

એટલુ જ નહીં પણ અહીં ચોરી થયેલા આ બસ સ્ટેન્ડની માહિતી આપનારાને ૫૦૦૦ રૂપિયાનુ ઈનામ પણ આપવામાં આવશે. જેને લઈ શહેરમાં એક બેનર પણ લગાવામાં આવ્યુ છે. એક ઈન્ટરનેટ યુઝર્સે આ પ્રકારનો ફોટો શેર કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો આ પોસ્ટર સ્થાનિક નેતા પ્રશાંત મ્હસ્કેએ લગાવ્યુ છે.

આ પોસ્ટ મરાઠીમાં લખવામાં આવી છે. જેમાં લખ્યુ છે કે, બીટી કાવડે દેવકી પોલીસ સ્ટેશનની સામેથી બસ સ્ટોપ ચોરી થઈ ગયુ છે. જો આના વિશે કોઈ જાણકારી મળે અથવા તેના વિશે ખબર થાય તો મહેરબાની કરીને અમારો સંપર્ક કરજો, આપને ૫૦૦૦ રૂપિયા કૈશ ઈનામ તરીકે આપવામાં આવશે.

આ ઘટનાને લઈને લોકોમાં પણ ખૂબ આશ્ચર્ય છે કે, આખરે કોઈ વ્યકિત આખેઆખુ બસ સ્ટોપ કઈ રીતે ચોરી કરી જાય, ખેર જે હોય તો પણ જો તમને પણ જાણ થાય તો આ મહાશયનો સંપર્ક કરી આપ પણ ૫૦૦૦ રૂપિયાનું ઈનામ જીતી શકો છો.

(10:18 am IST)