Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના કોંગ્રેસી નેતાઓને અંધારમાં રાખીને કરાવ્યો ગુપ્ત સર્વે : ચોંકાવનારા તારણો આવ્યા

સિનિયર નેતાઓની હવે વિદાય લગભગ નક્કી : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાપદે નવા ચહેરાને સ્થાન મળશે

નવી દિલ્હી : કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના કોંગ્રેસી નેતાઓને અંધારમાં રાખીને ગુપ્ત સર્વે કરાવ્યો હતો. આ સર્વે દ્વારા રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ચકાસાઈ છે. એ મુજબ કોંગ્રેસને મજબૂત કરવી હોય તો વર્ષોથી સિનિયર બની બેઠેલા નેતાઓને હટાવવા અત્યંત જરૃરી છે. તેની સામે પ્રતિભાશાળી અને યુવા નેતાઓને આગળ કરવાની જરૃર છે. એ વાત જાણીતી છે કે કોંગ્રેસમાં પ્રતિભાશાળી નેતાઓની કમી નથી, પરંતુ પોતાની બેઠકો પર જ હારી જતા સિનિયર કોંગ્રેસી નેતાઓ યુવાઓને આગળ આવવા નથી દેતા. માટે કોંગ્રેસ હાઈકમાન્ડે હવે રાજાશાહી વખતની ટેકનિક અપનાવી હતી. રાજાશાહી કાળમાં રાજા પ્રજાના પ્રશ્નો જાણવા માટે વેશપલટો કરીને પ્રજા વચ્ચે ફરતો હતો. હવે વેશપલટો કરવાની જરૃર નથી, તેના બદલે સર્વે કરી દેવામાં આવે એટલે લોકોની નાડ પારખવામાં સરળતા રહે છે.

2022ની ચૂંટણીમાં કોંગ્રેસે શું કરવું જોઈએ એ જાણવા માટે આ સર્વે કરાયો હતો જેમાં 8 ટીમો કામે લાગી હતી. એ સર્વેના રિઝલ્ટ પરથી હવે કોંગ્રેસ હાઈકમાન્ડ આકરા નિર્ણયો લેવાની તૈયારી કરી રહ્યું છે.

વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં ખુદ ચૂંટણી ન જીતનારાં કોંગ્રેસના સિનિયર નેતાઓની હવે વિદાય લગભગ નક્કી મનાઈ રહી છે. આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસમાં ય ભાજપવાળી થવાના એંધાણ છે.

હાઇકમાન્ડે ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવતાં અને માત્ર હોદા ભોગવી પક્ષની ઘોર ખોદનારાં સિનિયર નેતાઓને ઘર ભેગા કરી યુવાઓના હાથમાં ગુજરાત કોંગ્રેસનું સુકાન આપવા મન બનાવ્યુ છે. સૂત્રોના મતે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાપદે નવા ચહેરાને સ્થાન મળી શકે છે.

કોરોના કાળ બાદ ભાજપ સરકાર પ્રત્યે લોકોનો રોષ ભભૂક્યો હતો. ભાજપે આંતરિક સર્વે કરાવતાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં નુકશાન થવાનો અંદાજ મળ્યો હતો, જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરો સંદેશો આપી આખી રૂપાણી સરકાર જ બદલી નાંખી હતી. આ તરફ, ગુજરાત કોંગ્રેસમાં સંગઠનના ઠેકાણાં જ નથી.

 

વિધાનસભાની પેટાચૂંટણીમાં હાર મળતાં જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ ધરી દીધુ હતુ. આ ઉપરાંત કોરોનામાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવનું નિધન થયુ હતું, પણ હજુય આ ત્રણેય હોદા ખાલી રહ્યા છે, જેના કારણે કાર્યકરો મૂંઝવણ અનુભવી રહ્યાં છે. ગુજરાતમાં અત્યારે વિપક્ષ જેવુ કંઈ છે, જ નહીં તેવો જનતા અહેસાસ કરી રહી છે.

સૂત્રોના મતે, હાઇકમાન્ડે ગુજરાતના સિનિયર નેતાઓ પરથી ભરોસો ઉઠાવી લીધો છે કેમકે, હાલ જે નેતાઓ ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળીને બેઠા છે અને આગામી દિવસોમાં સરકાર રચવાના સપના જોઈ રહ્યા છે તે જ નેતા લોકસભા કે વિધાનસભાની ચૂંટણી જીતી શક્યા નથી.

કાર્યકરો જ કહી રહ્યાં છે કે, ધંધાદારી સાંઠગાંઠને લીધે કોંગ્રેસી નેતાઓ ભાજપ સાથે રાજકીય લડાઈ લડી શકે તેમ નથી. આ વાત જગજાહેર થઈ છે. એટલું જ નહીં, હાઇકમાન્ડ પણ હવે આ વાતથી વાકેફ થયુ છે. આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ બની રહેશે, કોંગ્રેસે કરો યા મરો સાથે ચૂંટણી લડવી પડશે. આ જોતાં હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળમાં ફેરફાર કરે તેવી શક્યતા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાપદે યુવા જ નહીં, નવા ચહેરાને સ્થાન મળી શકે છે. હાઈકમાન્ડ પંજાબ બાદ હવે રાજસ્થાન સરકારમાં બદલાવ ઈચ્છે છે. રાજસ્થાન સરકારમાં કેબિનેટમાં વિસ્તરણ બાદ ગુજરાત કોંગ્રેસમાં નવી નિમણૂંક થશે. ટૂંકમાં, ગુજરાત કોંગ્રેસની ભૂંડી હાલત કરનારાં સિનિયર નેતાઓને વિદાય નક્કી છે. હવે યુવાઓને કોંગ્રેસની કમાન સોંપવા નક્કી કરાયુ છે.

પાટનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની મળેલી બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરાઇ હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ એવી માંગ કરાઇ હતીકે, ગુજરાત કોંગ્રેસની બાગડોરની કમાન ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરને સોંપવી જોઇએ. આ ઉપરાંત ગુજરાતના પ્રદેશ પ્રભારીની ય જેમ બને તેમ જલદી નિમણૂંક કરવી જોઇએ.

(11:37 pm IST)