Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

બિહારના ડીજીપી ગુપ્‍તેશ્વર પાંડે ચૂંટણી લડશે ? તેઓએ સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ લેતા અટકળો શરૂ થઇ

નવી દિલ્હી: પોતાના નિવેદનો માટે જાણીતા બિહાર પોલીસના DGP ગુપ્તેશ્વર પાંડેએ સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ (VRS) લઈ લીધી છે. 1987 બેચના IPS અધિકારી ગુપ્તેશ્વર પાંડેએ આ અગાઉ વીઆરએસ માટે અરજી કરી હતી જેને સરકારે મંજૂર કરી લીધી. બિહારના ગૃહ વિભાગ (આરક્ષી શાખા)એ આ અંગે નોટિફિકેશ બહાર પાડ્યું. ગુપ્તેશ્વર પાંડેને ગત વર્ષે બિહાર પોલીસના ડીજીપી બનાવવામાં આવ્યા હતા.

ગુપ્તેશ્વર પાંડે આગામી વર્ષ ફેબ્રુઆરીમાં સેવાનિવૃત્ત થવાના હતાં. ગૃહ વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ 22 સપ્ટેમ્બર 2020ના રોજ બપોરથી તેમને સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ આપવામાં આવી છે. તેમણે મંગળવારે જ આ અંગે અરજી કરી હતી. ગુપ્તેશ્વર પાંડેએ વીઆરએસ લીધા બાદ હવે તેમની જગ્યાએ એસ કે સિંઘલ (SK Singhal)ને બિહારના નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે.

આ બાજુ ગુપ્તેશ્વર પાંડે વિધાનસભા ચૂંટણી લડે તેવી પણ અટકળો થઈ રહી છે. જો કે હજુ સુધી પાંડે આ અંગે કોઈ જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ અભિનેતા અને પટણાના રહીશ સુશાંત સિંહ રાજપૂતના શંકાસ્પદ મોત મામલે પાંડે દેશભરમાં પોતાના નિવેદનને લઈને ખુબ ચર્ચામાં રહ્યા હતાં. ત્યારથી એવી અટકળો થઈ રહી હતી કે પાંડે બિહારમાં વિધાનસભા ચૂંટણી લડશે.

અત્રે જણાવવાનું કે મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓ પોતાના ગૃહ જિલ્લા બક્સરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. બે દિવસ પહેલા જ પાંડેએ બક્સરની મુલાકાત લીધી હતી. તેઓ ત્યાંના જનતા દળ યુનાઈટેડ જિલ્લા અધ્યક્ષને મળ્યા હતાં. જો કે તેમણે પોતાના ચિરપરિચિત અંદાજમાં ચૂંટણી અને રાજકારણમાં સામેલ થવાના અહેવાલોને માત્ર અફવા ગણાવ્યા હતાં.

(5:22 pm IST)