Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

હાઉદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી : નવી હિસ્ટ્રી અને કેમિસ્ટ્રી બની ચુકી છે

ત્રાસવાદી આકાઓ ક્યાં છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વેધક પ્રશ્ન : કલમ ૩૭૦ની સાથે અનેક અડચણોને અમે ફેરવેલ આપી ચુક્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન ૧.૩ અબજ લોકોનું સન્માન છે

હ્યુસ્ટન,તા. ૨૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના શહેર ટેક્સાસ ખાતે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં  આક્રમક સંબોધનથી વિશ્વના દેશોને ભારતની તાકાતથી વાકેફ કરાવ્યા હતા. મોદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં કહ્યુ હતુ કે અમેરિકામાં હુમલા કરનાર અને ભારતમાં હુમલા કરનાર ત્રાસવાદીઓના આકાઓ ક્યાં છે તે બાબતથી આજે દુનિયાના દેશો વાકેફ છે.  પાકિસ્તાનનુ નામ લીધા વગર મોદીએ ટ્રમ્પની હાજરીમાં પાકિસ્તાન પર તેજાબી પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યુ હતુ કે પોતાના ઘરની સમસ્યાઓ ઉકેલાઇ રહી નથી અને બીજાની સમસ્યા પર કેટલાક લોકો ધ્યાન આપી રહ્યા છે. જો કે દુનિયાના દેશો હવે આવા લોકો અને દેશોને સારી રીતે ઓળખી ચુક્યા છે. મોદી ત્રાસવાદ પર વાત કરી રહ્યા હતા 

              ત્યારે ટ્રમ્પ પણ બેઠા હતા. મોદીએ કહ્યુ હતુ કે અમે અનેક જટિલ સમસ્યાને ફેરવેલ આપી ચુક્યા છીએ. જેમાં કલમ ૩૭૦નો પણ સમાવેશ થાય છે. બીજી બાજુ ટ્ર્મ્પે પણ ભારતને પોતાના સાચા મિત્ર તરીકે ગણાવીને ભરપુર પ્રશંસા કરી હતી. સાથે સાથે કહ્યુ હતુ કે ઇસ્લામિક કટ્ટરપંથી સામે ભારત અને અમેરિકા સાથે મળીને લડનાર છે. બંને દેશો પોતાની સરહદને લઇને બિલકુલ સાવધાન છે. અહીં હિસ્ટ્રી અને કેમિસ્ટ્રી રચનાઇ હોવાની વાત મોદીએ કરી હતી. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં હાઉડી મોદી કાર્યક્રમમાં મોદીએ સુપરપાવર આજે બતાવ્યો હતો. જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે હાઈ પ્રોફાઇલ અને હોઇવોલ્ટેજ હાઉડી મોદી કાર્યક્રમ શરૃ થતાં સમગ્ર હ્યુસ્ટન શહેર મોદીમય બન્યું હતું. મોદીની સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતીય સમુદાયના લોકોથી એનઆરજી સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. દુનિયાના સૌથી મોટા કાર્યક્રમ તરીકે આને જોવામાં આવે છે. એનઆરજી સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકો અને ટીવી ઉપર નિહાળી રહેલા કરોડો લોકો આ કાર્યક્રમને લઇને ગર્વથી ઝુમી ઉઠ્યા હતા. વહેલી પરોઢ સુધી આ કાર્યક્રમ ચાલનાર છે. કાર્યક્રમમાં મોદી ઘણો સમય ગાળનાર છે. ભારતીય સમુદાયના કલાકારોએ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા. મોદી કાર્યક્રમની શરૃઆત થાય તે પહેલા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની વાત કરી હતી. ઇવેન્ટ માટે ખાસરીતે ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટન પહોંચ્યા હતા. તેમના ભાષણ ઉપર પણ તમામ લોકોની નજર કેન્દ્રિત રહી છે. કાર્યક્રમની શરૃઆત થયા બાદથી જ કેન્દ્રીયમંત્રીઓએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પ્રોફાઇલ બદલ્યા હતા અને પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.

                દ્વિપક્ષીય સંબંધોમાં એક નવા યુગની શરૃઆત થઇ રહી છે. અમેરિકાના ૫૦થી વધુ સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. નિર્ધારિત સમય કરતા થોડાક મોડેથી આ કાર્યક્રમની શરૃઆત થઇ હતી. ટ્રમ્પ મેરિલેન્ડથી મોડેથી રવાના થયા બાદ સ્થળ ઉપર પહોંચ્યા હતા.   મોદીએ ટ્રમ્પનુ જોરદાર રીતે મંચ પર સ્વાગત કર્યુ હતુ. તેમની ભારે પ્રશંસા કરી હતી. સાથે સાથે તેમને પરિવાર સાથે ભારત આવવા માટે અપીલ પણ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં મોદી છવાયેલા રહ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, એનઆરજીની આ એનર્જી ભારત અને અમેરિકા વચ્ચે વધતી જતી સિનર્જીની સાક્ષી છે. પ્રમુખ ટ્રમ્પ અને અન્ય નેતાઓ તરફથી તેમનું સ્વાગત ભારતના ૧.૩ અબજ ભારતીયોનું સન્માન છે. મોદીએ ઉમેર્યું હતું કે, ૯-૧૧ અને ૨૬-૧૧ હુમલાના કાવતરાખોરો ક્યાં હતા તેનાથી સમગ્ર દુનિયા વાકેફ છે. આ લોકોએ ભારત પ્રત્યે નફરતને જ પોતાની રાજનીતિ બનાવી લીધી છે. આ એવા લોકો છે જે અશાંતિ ઇચ્છે છે. મોદી જ્યારે પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર પાકિસ્તાન પર પ્રહાર કરી રહ્યા હતા ત્યારે ચાહકોની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ પણ બેઠા હતા. અનેક વખત તાળીઓ વગાડતા પણ નજરે પડ્યા હતા.

(7:39 pm IST)