Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

એક સમાચારથી નારાજ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો ઉપર 'ધ ટેલીગ્રાફ'ના તંત્રીને ગાળો આપવા તથા ધમકાવવાનો આરોપ

કેન્દ્રીય મંત્રીએ અખબારના તંત્રીને 'તમે બિકાઉ છો ?' એવુ કહી આપત્તિજનક શબ્દોનો મારો ચલાવ્યાનો આરોપ

નવી દિલ્હી, તા. ૨૩ :. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા બાબુલ સુપ્રિયોએ ધ ટેલીગ્રાફના તંત્રી રાજગોપાલને 'બિકાઉ' કહ્યા છે. સુપ્રિયોનું આ નિવેદન અખબારના તંત્રી દ્વારા એક રીપોર્ટ પર માફી નહિ માગવાને લઈને આવ્યુ છે. પ.બંગાળના ટોચના અખબાર ધ ટેલીગ્રાફે જાદવપુર યુનિ.ની ઘટના પર રીપોર્ટીંગ કર્યુ હતુ જેના રીપોર્ટથી કેન્દ્રીય મંત્રી સુપ્રિયો નાખુશ હતા. તેમણે અખબારના તંત્રીને આ રીપોર્ટ પર માફી માગવા કહ્યુ હતુ. જે પર તંત્રીએ ના પાડી હતી. તંત્રીએ કેન્દ્રીય મંત્રી પર ફોન પર ધમકાવવાનો પ્રયાસ થયાનો પણ આરોપ લગાવ્યો હતો.

બાબુલ સુપ્રિયોએ ટ્વીટ કરતા લખ્યુ હતુ કે અખબારે છાપ્યુ છે કે મેં એક છાત્રને માર્યો છે જ્યારે મારી સાથે ત્યાં ધક્કામુક્કી થઈ હતી. તેમણે ટ્વીટ પર અખબાર પર કેસ કરવાની ધમકી આપી હતી. તેમણે ધ ટેલીગ્રાફને માફી માગવા માટે એક દિવસનો સમય પણ આપ્યો હતો. કેન્દ્રીય મંત્રી અખબારના તંત્રીના હેડીંગથી નારાજ હતા. સુપ્રિયોએ તંત્રીને કહ્યુ હતુ કે, તમે એક કેન્દ્રીય મંત્રી સાથે વાત કરો છો. શું તમે એક જેન્ટલમેન નથી ? જે પર તંત્રીએ કહ્યુ હતુ કે હું જેન્ટલમેન નથી પત્રકાર છું. તમે એક કેન્દ્રીય મંત્રી હોઈ શકો છો પણ હું પણ આ દેશનો એક નાગરિક છું.

ધ ટેલીગ્રાફના  આર. રાજગોપાલે કેન્દ્રીય મંત્રી-મોદી સરકાર વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે કેન્દ્રીય મંત્રી સુપ્રિયોના ધમકીભર્યા કોલ જાહેર કર્યા છે અને લોખંડી તાકાત બતાવી છે. અત્રે એ નોંધનીય છે કે ધ ટેલીગ્રાફ અખબાર સતત ચર્ચામાં રહેતુ હોય છે. ખાસ કરીને ફ્રન્ટ પેઈજ સ્ટોરીને લઈને તે ચર્ચામાં હોય છે. આ કેસમાં રાજગોપાલના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય મંત્રીએ અપશબ્દનો ઉપયોગ કરતા પૂછયુ હતુ કે બતાવો શું તમે વેચાઈ ચૂકયા છો ? અખબારના રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મંત્રીએ આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો.

 

(10:48 am IST)