Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

ભલે જૂનાગઢ પધાર્યા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ

વડાપ્રધાનના ભવ્ય સ્વાગત માટે જૂનાગઢવાસીઓ આતુરઃ ખાતમુર્હુત અને લોકાર્પણનાં કાર્યક્રમનો પ્રારંભઃ સમગ્ર કાર્યક્રમ પર તંત્રની બાજનજરઃ લોખંડી બંદોબસ્ત

જૂનાગઢ તા. ર૩ : જુનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તે આયોજીત ખાતમુર્હૂત અને લોકાર્પણનાં કાર્યક્રમનો પ્રારંભ થઇ ચૂકયો છે.

અહીં બીલખા રોડ સ્થિત પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં ગ્રાઉન્ડ ખાતે બપોરનાં બે વાગ્યે વડાપ્રધાનનાં હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત યોજાયેલ છે. વડાપ્રધાનનાં આગમનને લઇ સમગ્ર જૂનાગઢ શહેરમાં નમો નમો થઇ રહ્યું છે.

નરેન્દ્રભાઇ મોદીના ભવ્ય સ્વાગત માટે સ્થળ પર મોટાપાયે વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સહિત પ્રધાનો મહાનુભાવો ઉપસ્થિત છે.

સમગ્ર કાર્યક્રમની સફળતા માટે કલેકટર ડો. સૌરભ પારધી સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ નજર રાખી રહ્યા છે.

શ્રી મોદીની સુરક્ષા માટે ૧૩૮ દુરબીનથી નજર રાખવામાં આવી રહી છે. ડીજીપી શિવાનંદ ઝા નાં માર્ગદર્શનમાં આઇ. જી. શ્રી સુભાષ ત્રિવેદી ઉપરાંત ૮ એસ. પી., ડીવાયએસપી સહિત વિશાળ કાફલો તેમજ એન્ટી મોર્ટાર સ્કવોડ સલામતી વ્યવસ્થા જાળવી રહ્યા છે.

સભા સ્થળે લોકો પહોંચી શકે તે માટે જૂનાગઢ ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી એસ. ટી. ની બસ સહિતના વાહનોની ગોઠવણ કરવામાં આવી છે.

વરસાદી માહોલને લઇ મહાનુભાવો અને લોકોને પરેશાન થવુ ન પડે તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી છે.

વડાપ્રધાન માટે પીટીસી ગ્રાઉન્ડ ખાતે ૩ હેલિપેડ તૈયાર કરાયા છે અને અન્ય એક હેલિપેડ પર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું હેલિકોપ્ટર ઉતરાણ કરશે.

આમ નરેન્દ્રભાઇ મોદીની જૂનાગઢ મુલાકાતને લઇ ફુલપ્રુફ વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રી નરેન્દ્રભાઇ વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ, ખાતમુર્હુત અને સભાને સંબોધન બાદ ગાંધીનગર જવા રવાના થશે. (પ.૧૭)

 

(11:29 am IST)