Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

' પત્રકારો ઉપર તવાઈ ' : યુ.પી.પછી હવે એમ.પી.માં પત્રકારની હત્યા : 35 વર્ષીય સુનિલ તિવારી નામક યુવાન પત્રકાર ઉપર 7 લોકો તૂટી પડ્યા : ગોળી મારી હત્યા કરી નાસી છૂટ્યા

ભોપાલ : પત્રકારો ઉપર તવાઈ ચાલી રહી હોય તેવા એક પછી એક બનાવો બની રહ્યા છે.યુ.પી.ના ગાઝિયાબાદમાં પત્રકારની હત્યાની શાહી હજુ સુકાણી નથી ત્યાં એમ.પી.માં પણ એક યુવાન પત્રકાર 35 વર્ષીય સુનિલ તિવારીની હત્યા થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
               પોલીસ સૂત્રોના જણાવાયા મુજબ જૂની અદાવતમાં કેટલાક શખ્સોએ પુત્રી ખેરા ગામ નજીક ગોળી મારીને હત્યા કરી દીધી  છે. પત્રકાર સુનિલ અને તેનો ભાઈ મોટરસાઈકલ પર પોતાના ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે સાત લોકોએ અધવચ્ચે તેમને રોક્યા હતા. બાદમાં બદમાશોએ લાકડીઓ વડે માર માર્યો હતો અને સુનિલને ગોળી મારી હોવાનું પોલીસ અધિકારી બલરામ સિંહ પરિહરે જણાવ્યું હતું. હુમલાખોરો પૈકી અવધેશ તિવારી, નરેન્દ્ર તિવારી અને અનિલ તિવારીની ઓળખ થઈ છે. મૃતકનો ભાઈ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો તે કેટલાક લોકોને બચાવવા માટે લઈ આવ્યો ત્યાં સુધીમાં હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
પત્રકાર સુનિલને નજીકના યુપીના ઝાંસી મેડિકલ કોલેજમાં ખસેડાયો હતો પરંતુ તેણે દમ તોડી દીધો હતો. પોલીસને મતે ગામમાં વર્ચસ્વની લડાઈને લઈને જૂના વિવાદને પગલે પત્રકારની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. સાતેય હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાયો છે અને હાલમાં તેઓ ફરાર હોવાથી તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.   

(6:21 pm IST)