Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

નાણાવટીમાં દાખલ અમિતાભનો રિપોર્ટ અંતે નેગેટિવ અભિષેક, ઐશ્વર્યા,આરાધ્યાની તબિયતમાં પણ સુધારો

અમિતાભ અને અભિષેકને એક સાથે ડિસ્ચાર્જ કરાશે: ઐશ્વર્યા-આરાધ્યાને હજુ હોસ્પિટલમાં રહેવું પડી શકે

મુંબઇઃ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન  છેલ્લા 12 દિવસથી અત્રેની નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે ત્યારે હવે બિગ બીનો કોરોના રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. કોરોના વાઇરસથી સંક્રમિત થતા અમિતાભ 11 જુલાઇએ હોસ્પિટલમાં દાખલ થયા હતા. હવે તેમની આરોગ્ય સુધારા પર છે. જ્યારે તેમના પુત્ર અભિષેક બચ્ચન , પુત્રવધુ ઐશ્વર્યા રાય  અને દોહિત્રી આરાધ્યાહજુ હોસ્પિટલમાં દાખલ છે. તેમના રિપોર્ટ અંગે જાણા શકાયું નથી.

હોસ્પિટલ સૂત્રના જણાવ્યા મુજબ અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ ઉપરાંત બ્લડ ટેસ્ટ, સિટી સ્કેન પણ કરવામાં આવ્યું હતું. જેના તમામ ટેસ્ટ રિપોર્ટ્સ પણ સામાન્ય આવ્યા છે.

અમિતાભ બચ્ચનને 11 જુલાઇએ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તે દિવસે જ નાણાવટીમાં દાખલ કરવમાં આવ્યા હતા. તે દિવસે જ અભિષેક બચ્ચનને પણ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. હવે એવું જાણવા મળ્યું છે કે તેની સ્થિતિ પણ સામાન્ય હોવાથી બંને પિતા-પુત્રને સાથે જ હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. જો કે આ અંગે હજુ હોસ્પિટલ કે અન્ય કોઇ રીતે તેની પુષ્ટિ થઇ નથી. પણ એટલું કહેવાય છે કે બંનેને સાથે જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાશે.

નોંધનીય છે કે અમિતાભ અને અભિષેકને કોરોનાના સામાન્ય લક્ષણો બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સાથે કોરોનાનો શિકાર થયેલી ઐશ્વર્યા અને 8 વર્ષની આરાધ્યાને તેમના જલસા બંગલોમાં હોમ ક્વોરન્ટાઇન કરી દેવાયા હતા. પરંતુ તાવ, શ્વાસ લેવામાંથી તકલીફ અને ગળામાં દુઃખાવાને કારણે ઐશ્વર્યા પણ પુત્રી આરાધ્યા સાથે નાણાવટીમાં દાખલ થઇ ગઇ હતી.
રિપોર્ટ મુજબ ઐશ્વર્યા અને આરાધ્યાની સ્થિતિ પણ સુધારા પર છે. પરંતુ બંનેને પણ અમિતાભ અને અભિષેક સાથે જ હોસ્પિટલમાંથી રજા અપાશે કે નહીં, તે કહી શકાય નહીં. બની શકે છે કે બંનેને હજુ વધુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડી શકે છે.

(7:06 pm IST)