Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ઝારખંડ : માસ્ક નહીં પહેરો તો ૧ લાખનો દંડ : ૨ વર્ષની જેલ

ભીડ એકઠી થાય કે ૬ ફુટનું અંતર ન રખાય કે જાહેર સ્થળે થુંકવુ પણ ભારે પડશે : ઝારખંડ સરકારે નિયમોનું પાલન કરવા ધોકો પછાડ્યો

રાંચી તા. ૨૩ : ઝારખંડમાં કોરોના નિયમોને નજર અંદાજ કરવા અને માસ્ક ના પહેરવા પર એક લાખ રૂપિયાનો દંડ અને ૨ વર્ષની જેલ થઈ શકે છે. ઝારખંડ કેબિનેટે આજેનાં સંક્રમણ રોગ અધ્યાદેશ ૨૦૨૦ પસાર કરી દેવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કરનારા અને માસ્ક ના પહેરનારાઓને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ નવા નિયમો અંતર્ગત કોઈ નિયમોનું ઉલ્લંઘન કરે છે કે માસ્ક નથી પહેરતા તો તેણે ૨ વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે. જો કે આજે નિયમો ભંગ કરાનારાઓને રોકવા માટે રસ્તા પર કોઈ ચેકિંગ જોવા નહોતુ મળ્યું. રાજધાની રાંચીનાં રસ્તાઓ પર અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા. ઝારખંડમાં કોરોના દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. આ કારણે હવે સરકારી હોસ્પિટલોમાં જગ્યા નથી. સરકારે નિર્ણય કર્યો છે કે હવે પ્રાઇવેટ હોસ્પિટલો અને બૈંકેટ હોલનો ઉપયોગ હવે આઇસોલેશન વોર્ડ બનાવવામાં કરવામાં આવશે. જો કે સરકારનાં આ નિર્ણયનો રાંચીનાં સ્ટેશન રોડ પર રહેનારા લોકો વિરોધ કરી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે સરકાર તરફથી કોરોના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ રહેણાંક વિસ્તારોમાં બનાવવામાં આવી રહ્યા છે, આ કારણે તેમની જિંદગી ખતરામાં પડી ગઈ છે. રાંચીનાં સ્ટેશન રોડ પર રહેનારા ૨૦૦ પરિવારોએ સરકારનાં નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આઇસોલેશન વોર્ડને કયાંક બીજે બનાવવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડાઓ પ્રમાણે ઝારખંડમાં કુલ દર્દીઓની સંખ્યા ૬૪૮૫ છે, જેમાં ૬૪ લોકોનાં મોત થઈ ચુકયા છે. અત્યાર સુધી ૩૦૨૪ દર્દી ઠીક થઈ ચુકયા છે, જયારે ૩૩૯૭ એકિટવ કેસ છે. છેલ્લા કેટલાક દિવસમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે.

(3:11 pm IST)