Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

દેશના ૧૧ કોરોના પ્રભાવિત શહેરોમાં થયો SERO સર્વેઃ અમદાવાદમાં સૌથી વધુ ૪૯% લોકો સંક્રમિત

સર્વેનું પરિણામ બતાવે છે કે અમદાવાદના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સૌથી વધુ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે

નવી દિલ્હી,તા.૨૩ : કેન્દ્ર સરકારે (Central government) દેશના ૧૧ સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેરોના કન્ટેન્મેન્ટ ઝોનમાં સેરો સર્વે કર્યો છે. જેનુ પરિણામ બતાવે છે કે, ગુજરાતના અમદાવાદમાં સૌથી વધુ લગભગ ૪૯ ટકા લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. દિલ્હીમાં થયેલા સેરો સર્વેનુ પરિણામ કેન્દ્ર સરકારે મંગળવારે જાહેર કર્યુ છે. જેમાં જાણવા મળ્યુ કે ૨૩.૪૮ ટકા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દિલ્હીમાં રેન્ડમ સેમ્પલિંગના આધાર પર સર્વે કરાયો હતો.

દિલ્હી સિવાય કેન્દ્ર સરકારે દેશના ૧૧ શહેરોના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સર્વે કરાયો છે. આ તે શહેરો છે જયાં કોરોનાના મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. સર્વેનું પરિણામ બતાવે છે કે, અમદાવાદના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સૌથી વધુ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. અમદાવાદ પછી મુંબઈ અને આગ્રાના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.  અમદાવાદમાં ૪૯૬ ટેસ્ટ થયા જેમાં ૪૮.૯૯ ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યુ છે. મુંબઈમાં ૪૯૫ ટેસ્ટ થયા છે. જેમાં ૩૬.૫૬% લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. આગ્રામાં ૫૦૦ ટેસ્ટ થયા જેમાં ૨૨.૮૦ ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. પૂણેમાં ૫૦૪ ટેસ્ટ થયા જેમાથી ૧૯.૮૪ ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા. સાઉથ-ઈસ્ટ દિલ્હીમાં ૫૦૧ ટેસ્ટ કરવામાં આવ્યા. જેમા ૫૨ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. એટલે કે ૧૦.૩૭ ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. જયારે સૂરત, જયપુર, ઈન્દોર, ચેન્નઈ, હૈદરાબાદ અને જોધપુરમાં ૮ ટકાથી ઓછા લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા. આ સર્વે મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં થયો હતો. કોરોનાથી થયેલા સંક્રમણનો અંદાજો લગાવવા માટે કેન્દ્ર સરકારે દેશના આ ૧૧ પ્રભાવિત શહેરોમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સેરો સર્વે કરાવ્યો હતો. જેને ઉદેશ્ય એ અંદાજો લગાવવાનો હતો કે આ જગ્યાઓની વસ્તી પર કોરોનાની કેટલી અસર થઈ છે.

(11:31 am IST)