Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

દેશમાં રસી વહેલી આવે તો પણ સંપૂર્ણ રસીકરણને બે વર્ષ લાગશે

બધાંને રસી અસર કરશે કે કેમ તે અંગે શંકા : નિયત પ્રોટોકલ્સ અનુસાર કામ ચાલે તો હર્ડ ઈમ્યુનિટી માટે ૬૦થી ૭૦ ટકા વસતીમાં રસીકરણ થવું જરૂરી છે

નવી દિલ્હી, તા. ૨૨ : ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોનાની વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલની તૈયારીઓ ચાલી રહી છે. દેશમાં ઝડપથી કોરોના વાયરસ મહામારી ફેલાઈ રહી છે અને તેને પગલે દુનિયાના અન્ય દેશોની જેમ ભારતમાં પણ રસી વિકસાવવા પર કામ ચાલી રહ્યું છે. દેશના ચિકિત્સા નિષ્ણાતોના મતે ભારતમાં વહેલી તકે રસી વિકસાવવામાં આવશે તો પણ ભારતની ૬૦-૭૦ ટકા વસ્તીના રસીકરણમાં ઓછામાં ઓછો બે વર્ષનો સમય લાગી શકે છે. 'હર્ડ ઈમ્યુનિટીલ્લના અમલ માટે પણ દેશમાં ૬૦-૭૦ ટકા વસ્તીમાં રોગ પ્રતિકારકતા વધારવી જરૂરી છે.

        કોવિડ ૧૯ સંક્રમણને લઈને દિલ્હી સરકારની પેનલના સભ્ય મેક્સ હેલ્થકેરના ડોક્ટર સંદીપ બુદ્ધિરાજાએ જણાવ્યા મુજબ જો નિયત પ્રોટોકલ્સ મુજબ કામ ચાલે તો હર્ડ ઈમ્યુનિટી માટે ૬૦-૭૦ ટકા વસ્તીમાં રસીકરણ થવું જરૂરી છે. સપ્ટેમ્બર સુધીમાં કોરોનાની રસી બજારમાં ઉપલબ્ધ થશે તો પણ ભારતની ૬૦થી ૭૦ ટકા વસ્તીના રસીકરણમાં દોઢથી બે વર્ષ લાગી શકે છે. ડો. બુદ્ધિરાજાના મતે દેશના લોકોએ કોરોના વાયરસ સાથે એવી રીતે જીવતા શીખવું પડશે જેવી રીતે આપણે ટીબી સહિતની અન્ય બીમારીઓ સાથે જીવી રહ્યા છીએ. મેડિકલ નિષ્ણાતોના મતે ભારતમાં સાર્વભૌમિક રસીકરણ એટલે કે દરેક વ્યક્તિને રસી આપવાનું પહેલેથી જ પડકારરૂપ રહ્યું છે.

કોરોના વાયરસની એક જ રસી બધા લોકો માટે કારગર નિવડશે તેને લઈને પણ શંકા-કુશંકાઓ ઊભી થઈ છે. ભારતમાં ટેલિમેડિસિનને નવી ઓળખ આપનાર ટેલિહેલ્થના ડોક્ટર ગણપતિના મતે, ડિસેમ્બર ૨૦૧૯થી જૂન ૨૦૨૦ સુધીમાં વાયરસના વ્યવહારમાં બદલાવ જોવાયો છે. હવે વાયરસનો સ્પેનમાં કેવો વ્યવહાર રહ્યો અને ઈટાલીમાં કેવો રહ્યો તેનો તફાવત સામે આવી રહ્યો છે. ભારતમાં પણ તેનો વ્યવહાર સતત બદલાત રહ્યો છે. આપણા લોકોમાં ઈમ્યૂનિટી અલગ છે. તબીબોના મતે વર્તમાન સમયે કોરોના વાયરસના ૬ સ્ટ્રેન છે અને વેક્સીન એક સમયે એક જ સ્ટ્રેન વિરુદ્ધ કારગર નિવડશે. અન્ય સ્ટ્રેન માટે રસીમાં થોડો બદલાવ કરવાની જરૂર પડી શકે છે.

(12:00 am IST)