Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અમરનાથ શ્રદ્ધાળુને ટાર્ગેટ બનાવવાની યોજના ફલોપ

છુપાવવામાં આવેલ મોર્ટાર શેલ મળતા ચકચાર : આઇટીબીપીના સાવધાન રહેલા જવાનો દ્વારા સમયસર શેલ શોધી કઢાતા ટળેલી મોટી ઘાત : ઉંડી શોધખોળ જારી

શ્રીનગર,તા. ૨૩: વાર્ષિક અમરનાથ યાત્રામાં સામેલ થઇ રહેલા શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવવા માટેના ત્રાસવાદીઓના ખતરનાક કાવતરાને નિષ્ફળ કરી દેવાતા મોટી ઘાત ટળી ગઇ છે. આઇટીબીપીના સાવધાન રહેલા જવાનોએ ગુપ્ત રીતે છુપાવી દેવામાં આવેલા એક મોર્ટાર શેલને શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

આ મોર્ટાર શેલને યાત્રા માર્ગની બાજુથી પસાર થતી નદીના કિનારે  પથ્થરો વચ્ચે છુપાવવામાં આવ્યા બાદ તેને શોધી કાઢવામાં સફળતા મળી છે. આઇટીબીપીના જવાનોએ માહિતી આપ્યા બાદ સેનાની ખાસ ટીમ પહોંચી ગઇ હતી અને આને નિષ્ક્રિય કરી દેવામાં સફળતા મળી હતી. જમ્મુકાશ્મીરમાં હાલમાં ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામસ્વરૂપે ત્રાસવાદીઓ હચમચી ઉઠ્યા છે. જેના કારણે આ લોકો હવે હાજરી પુરવાર કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જેથી ત્રાસવાદીઓ અમરનાથ યાત્રીઓ અને સેના તેમજ સુરક્ષા જવાનોને ટાર્ગેટ બનાવવાના પ્રયાસમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારના દિવસે જ ત્રાસવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં અન્ય એક જવાન સલીમ શાહનું અપહરણ કરી લીધું હતું અને મોડેથી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. રજા ઉપર રહેલા જમ્મુ કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ સલીમ શાહ દક્ષિણ કાશ્મીરના કુલગામના નિવાસી હતા. સલીમ કુલગામ જિલ્લાના મુતારહામા વિસ્તારમાં રહેતા હતા. તેમનું તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું.

ગોળીઓથી છન્ની કરવામાં આવેલો મૃતદેહ મળી આવ્યા બાદ સુરક્ષા દળોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. જુન મહિનાથી લઇને હજુ સુધી આતંકવાદીઓ ત્રણ જવાનોનું અપહરણ કરીને તેમની હત્યા કરી ચુક્યા છે.

 આ પહેલા સેનાના જવાન ઔરંગઝેબની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. બીજી બાજુ મોદી સરકારના ચાર વર્ષના શાસનકાળમાં સુરક્ષા દળોએ ૬૯૮ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. મોદી સરકારના શાસનમાં ચલાવવામાં આવી રહેલા ઓપરેશન આલઆઉટના કારણે ત્રાસવાદીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને એક પછી એક કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારવામં આવ્યા છે.

(3:54 pm IST)