Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મુંબઇના લોકો કરે છે સૌથી વધુ ડેઇલી અપડાઉન

કામ પર જવા સરેરાશ ૧૨.૩ કિમી જાય છે : સુરતના લોકો ૪.૫ કિમી ટ્રાવેલ કરે છે

મુંબઇ તા. ૨૩ : દેશના ૩૫ મોટા શહેરના એક સર્વેના આંકડા અનુસાર, કામ પર જવા માટે સુરતીઓ સરેરાશ ૫.૫ કિલોમીટર ટ્રાવેલ કરે છે, અને ૩૫ શહેરોમાં આ સૌથી ઓછો આંકડો છે. જયારે સુરતથી માત્ર ૪ જ કલાક દૂર આવેલા મુંબઈનો આંકડો ૩૫ શહેરોમાં સૌથી વધારે છે. મુંબઈમાં સરેરાશ અવરજવરનો સમય ૧૨.૩ કિલોમીટર છે.

CEPT યૂનિવર્સિટીના સેન્ટર ફોર એકસલન્સ ફોર અર્બન ટ્રાન્સપોર્ટ(CEPT)ના નિષ્ણાંતોએ જણાવ્યું કે, જે શહેરોમાં અવરજવરમાં લોકો સમય ઓછો પસાર કરે છે તે રહેવા માટે વધારે યોગ્ય હોય છે, કારણકે લોકો રોડ પર ઓછો સમય પસાર કરે છે અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ ઘટે છે અને પ્રદૂષણનું પ્રમાણ પણ ઓછું હોય છે.

જો દરરોજ ઓફિસ જતા એક મુંબઈકરની વાત કરીએ તો તે સરેરાશ ૧૨.૫ કિલોમીટર ટ્રાવેલ કરે છે, જયારે સુરતી ૪.૫ કિલોમીટર ટ્રાવેલ કરે છે. જો મહિલાઓની વાત કરીએ તો, ધનબાદની મહિલાઓ સૌથી ઓછું ૪.૩ કિલોમીટર અપડાઉન કરે છે, ત્યારપછી બીજા ક્રમાંકે સુરતની મહિલાઓ ૪.૫ કિલોમીટર સાથે આવે છે.

CEPTના એકિઝકયુટીવ ડિરેકટર શિવાનંદ સ્વામી જણાવે છે કે, અમારા રિસર્ચ પરથી જાણવા મળે છે કે મોટા શહેરોમાં મહિલાઓ ટ્રાવેલિંગ નથી કરતી અથવા તો ઘણું ઓછું કરે છે અને તે ચાલીને અવરજવર કરવા પર વધારે નિર્ભર છે. શહેરોમાં મહિલાઓ માટે સુરક્ષિત અને અફોર્ડેબલ પબ્લિક ટ્રાન્સપોર્ટની જરૂર છે.

૨૦૧૧ના વસતી ગણતરીના ડેટાના આધારે CEPTએ શહેરીજનોના એવરેજ અવરજવરના અંતરનો ડેટા મેળવ્યો. અમદાવાદમાં આ અંતર ૭.૭ કિલોમીટર છે જયારે રાજકોટમાં ૬ કિલોમીટર છે. વડોદરામાં એવરેજ ૮.૫ કિલોમીટર છે. પુરુષો અને મહિલાઓની ટ્રિપ વચ્ચેનું સૌથી મોટું અંતર બેંગ્લોર અને કોઈમ્બતુરમાં જોવા મળ્યું છે.

શિવાનંદ સ્વામીએ ધ્યાન દોર્યું કે, મોટાભાગના કેસમાં મોટા શહેરોની સરખામણીમાં નાના શહેરોમાં ટ્રિપની લંબાઈ વધારે હોય છે. ૧૬.૫ લાખ વસ્તી ધરાવતા ગાઝિયાબાદમાં ૧૧ કિલોમીટર જયારે ૧૪ લાખ વસતી ધરાવતા ફરીદાબાદમાં ૧૦ કિલોમીટર એવરેજ અપડાઉન થાય છે.

(3:39 pm IST)