Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ભાજપના રાજસ્થાન CM ઉમેદવાર ફરીથી વસુંધરા રાજે

અમિત શાહે કરી જાહેરાત

જયપુર તા. ૨૩ : રાજસ્થાનમાં CM ઉમેદવાર પર ચાલી રહેલી ચર્ચાનો આખરે અંત આવી ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે રાજસ્થાન CM ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. અમિત શાહે કહ્યું કે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે જ પાર્ટીનું નેતૃત્વ સંભાળશે. રાજસ્થાનમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

મહત્વનું છે કે છેલ્લી ભાજપે ૩ ટર્મથી વિધાનસભા ચૂંટણી વસુંધરા રાજેના નામ અને ચહેરા પર જ લડી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક દિવસીય સંગઠનાત્મક પ્રવાસ પર જયપુર પહોંચ્યા હતા. જયાં તેણે ભાજપની કાર્યસમિતિની બેઠકને સંબોધિત પણ કરી હતી.

શાહે નક્કી કર્યું હતું કે વસુંધરા રાજે જ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. ૨૦૦૩, ૨૦૦૮ અને ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ વસુંધરા રાજે પર વિશ્વાસ રાખ્યો હતો અને આ વખતે પણ CM પદના ઉમ્મેદવાર તે જ હશે.

વસુંધરા રાજેનો જન્મ ૮ માર્ચ, ૧૯૫૩માં મુંબઈમાં થયો હતો. વસુંધરા રાજે ગ્વાલિયરના એક રાજપરિવારની દીકરી છે. તેમના લગ્ન ધોલપુરના જાટ રાજપરિવારમાં થયા હતા. તેણે ૧૯૮૪માં ભારતીય રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. ૧૯૮૪માં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સામેલ થયા હતા. ૧૯૮૫-૮૭માં રાજે ભાજપ રાજસ્થાનના યુવા મોરચા ઉપાધ્યક્ષ રહી હતી. ૧૯૮૭માં વસુંધરા રાજે રાજસ્થાન ભાજપના ઉપાધ્યક્ષ બની હતી.

૧૯૯૮-૯૯માં અટલ બિહારી વાજપાઈના મંત્રીમંડળમાં તેને સ્થાન મળ્યું હતું. વાજપાઈ સરકારમાં રાજેને વિદેશ રાજયમંત્રી બનાવવામાં આવ્યા હતા. ૧૯૯૯માં રાજયમંત્રી તરીકે સ્વતંત્ર પ્રભાર સોંપ્યો હતો. ૨૦૦૩માં રાજસ્થાન વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. વસુંધરા રાજે પ્રથમ વખત રાજસ્થાનના CM બન્યા. ૨૦૧૩માં અશોક ગહેલોત સામે વસુંધરા રાજે હાર્યા હતા.(૨૧.૫)

(12:02 pm IST)