Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

૨૦૧૭માં NRIએ ભારતમાં મોકલ્યા ૬૯ અબજ ડોલર

વર્ષ ૧૯૯૧થી ૨૨ ગણી વધી રકમ

નવી દિલ્હી તા. ૨૩ : દુનિયામાં ગમે તેવી આર્થીક હાલત હોય પરંતુ વિદેશમાં વસતા પ્રવાસી ભારતીયો પોતાની કમાણીનો મોટો હિસ્સો ભારતમાં મોકલવાનું ભુલતા નથી. વિશ્વબેન્કના રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૭માં પ્રવાસી ભારતીયોએ ૬૯ અરબ ડોલર જેટલી ભારેભરખમ રકમ સ્વદેશ મોકલી હતી. આ રકમ ભારતના સુરક્ષા બજેટથી દોઢ ગણી છે. વર્ષ ૨૦૧૬ની તુલનાએ ૨૦૧૭માં પ્રવાસી ભારતીયો દ્વારા મોકલવામાં આવતી રકમમાં ૯.૫ ટકાનો વધારો થયો છે.

રિપોર્ટ પ્રમાણે વર્ષ ૧૯૯૧થી ૨૦૧૭ના સમયગાળા દરમિયાન વિદેશમાંથી ભારતીયો દ્વારા મોકલવામાં આવતી રકમમાં ૨૨ ગણો વધારો થયો છે. ભારતીય ૧૯૯૧માં માત્ર ૩ અરબ ડોલર સ્વદેશ મોકલતા હતા. જયારે ૨૦૧૭માં આ રકમ વધીને ૬૯ અરબ ડોલર થઇ છે. જયારે વૈશ્વિક સ્તર ઉપર પ્રવાસીઓ દ્વારા સ્વદેશમાં મોકલવામાં આવતી રકમ ૬૧૩ અરબ ડોલર થઇ છે. ભારત પછી ક્રમશઃ ચીન, ફિલિફાઇન્સ, મેકિસકો, નાઇઝિરીયા અને ઇજીપ્ત દેશોના પ્રવાસી લોકો સૌથી વધારે રકમ મોકલી છે.

પ્રવાસી ભારતીયો દ્વારા સ્વદેશ મોકલવામાં આવતી રકમનો સૌથી મોટો હિસ્સો કેરળના પ્રવાસી ભારતીયોનો છે. ઇન્ડિયાસ્પેન્ડ રિપોર્ટ ૨૦૧૬ની તુલનામાં કેરળની ભાગીદારી ૪૦ ટકા રહી છે. જયારે પંજાબ ૧૨.૭ ટકા, તામિલનાડુ ૧૨.૪ ટકા, આંધ્રપ્રદેશ ૭.૭ ટકા અને ઉત્તર પ્રદેશ ૫.૪ ટકા પર છે.અત્યારના સમયે ત્રણ કરોડથી વધારે ભારતીયો વિદેશોમાં વસે છે. જેમાં સૌથી વધારે અમેરિકા, સાઉદી અરબ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

વિકાસશીલ દેશોમાં ૨૦૧૫થી લઇને ૨૦૩૦ સુધી આશરે ૬.૫ ખરબ ડોલરની રકમ પ્રવાસી ભારતીયો પાસેથી મળનાર છે. વિદેશોમાંથી મોકલનારી રકમમાં અડધાથી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં જશે જયાં ગરીબી વસે છે.

 

(3:44 pm IST)