Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન : મધ્ય-દ.ગુજરાતમાં ૧ થી ૪II ઇંચ વરસાદ

સોમવારથી સૌરાષ્ટ્રમાં વાજતે-ગાજતે આવી પહોંચશે મેઘસવારી : પારડી ૧૧૭ મી.મી., વાપી ૮૬, વલસાડ ૬૨, કવાંટ ૮, કપરવાડા ૧૫, ડાંગ જિલ્લો ૪ ઇંચ

અમદાવાદ તા. ૨૩ : ગરમી અને બફારાથી અકળાતા ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર આવી ગયા છે. ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ચૂકયું છે. મધ્ય અને દ.ગુજરાતમાં ભારે વરસાદ પડયો હોવાના સમાચાર છે. પારડી ૧૧૭ મી.મી., વાપી ૮૬, વલસાડ ૬૨,  કવાંટ ૮, કપરવાડા ૧૫, ડાંગ જિલ્લો ૪ ઇંચ વરસાદ પડયો છે. સોમવારથી સૌરાષ્ટ્રમાં મેઘ સવારી આવી પહોંચે તેવી શકયતા છે.

મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્ય ગુજરાતને વરસાદે ભીંજવી દીધા છે. મહેસાણા જિલ્લાના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતમાં પંચમહાલના ગોધરા, મોરવાહડફ પંથક, સાબરકાંઠાના અંબાજી, પોશીના, ઈડર, ખેડબ્રહ્મા, વડાલી પંથક, બનાસકાઠાંના અમીરગઢમાં રાત્રે ૧૦ કલાકની આસપાસ ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોને ભારે રાહત થઈ છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે સોમવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્ર અને દીવમાં હળવાથી-મધ્યમ ઝાપટાં પડશે. જયારે કચ્છમાં મોડો વરસાદ શરૂ થશે. સાથે જ હવામાન વિભાગે આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વધારે વરસાદ પડવાની આગાહી કરી છે. રાજયમાં સામાન્ય રીતે ૧૫ જૂને વરસાદનું આગમન થઈ જતું હોય છે, પણ આ વર્ષે વરસાદ આવવામાં મોડું થયું છે. પહેલા એવી આગાહી હતી કે, રાજયમાં ૧૦ જૂનની આસપાસ વરસાદની એન્ટ્રી થઈ જશે. પણ, એવું થયું નથી.

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદી માહોલ જોવાં મળ્યો છે. વિજયનગર, પોશીના સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. પોશીનાની પનારી નદીમાં નવા નીર આવ્યાં છે. વરસાદને લઈને વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઇ છે.

સાબરકાંઠાનાં પોશિના શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે. પોશિના વિસ્તારમાં વરસાદનાં હળવા એવાં છાંટા પડ્યાં હતાં. વરસાદનાં છાંટા પડતાં જ વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઇ હતી. બીજી બાજુ યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદનાં અમી છાંટણા થયાં હતાં.

આ ઉપરાંત બનાસકાંઠાનાં અમીરગઢ પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદનાં પગલે આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ છવાઇ ગયાં હતાં અને પવન સાથે ચોમાસાનું પણ રમણીય વાતાવરણ જોવા મળ્યું હતું. બનાસકાંઠામાં વરસાદને લઈને લોકોને ગરમીથી પણ આંશિક રાહત મળી હતી. જયારે મેઘરાજાનાં આગમનથી જગતાતમાં ખુશીનો ભારે માહોલ જોવા મળ્યો હતો.

મહત્વનું છે કે રાજયમાં ધીમે-ધીમે હવે ચોમાસાની શરૂઆત થઈ ગઇ છે ત્યારે તાપી જીલ્લામાં પણ એકાએક વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો અને જીલ્લાનાં કેટલાંક છુટા છવાયા વિસ્તારોમાં પણ ધીમી ધારનો સારો એવો વરસાદ થયો હતો. વરસાદી વાતાવરણથી તાપી જીલ્લામાં ભારે ઠંડક પણ પ્રસરી ગઇ હતી અને વાતાવરણનું સૌદર્ય પણ સારૂ એવું ખીલી ઉઠયું હતું.

આ સાથે સાથે બીજી બાજુ અમદાવાદનાં પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થઇ ગયું છે. પૂર્વ વિસ્તારમાં આવેલ નરોડા, નારોલ, વ સ્ત્રાલ સહિતનાં અનેક વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદ પડ્યો હતો. જેથી ભારે પવન સાથે વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં એકાએક ઠંડક જોવાં મળી છે તેમજ ચારે બાજુ વાદળછાયું વાતાવરણ પણ જોવાં મળ્યું છે. શહેરમાં પણ ઠંડકનો માહોલ સર્જાઇ ગયો છે.

જો કે મહત્વની બાબત તો એ છે કે આગામી ૧૨ કલાકમાં રાજયમાં છૂટાછવાયાં વરસાદ થવાની સંભાવના છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ રાત્રે ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવાઇ રહી છે. સૌરાષ્ટ્રનાં કેટલાંક ભાગોમાં પણ આજે રાત્રે વરસાદ થવાની સંભાવના છે તેમજ ઉત્ત્।ર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠા સહિતનાં જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે નવી લોકલ સિસ્ટમ ડેવલપ થતાં વરસાદ થવાની સંભાવના દર્શાવાઇ રહી છે. કેમ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ પણ સક્રીય થઇ ગઇ છે. જો કે હજી પણ ૨૫ જૂન સુધી ગુજરાતવાસીઓએ વરસાદ માટે રાહ જોવી પડશે એવી આગાહી પણ કરવામાં આવી છે.વાતાવરણમાં એકાએક પલટો થતાં સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. સુરેન્દ્રનગર, બોટાદનાં કેટલાંક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો સાથે સાથે છોટા ઉદેપુરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયો છે.

તેજગઢમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો અને વરસાદ શરૂ થતાં જ એકાએક વિજળી પણ ગુલ થઇ ગઇ છે. સતત અડધા કલાકથી ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયો છે. પાવી જેતપુર તાલુકામાં પણ વરસાદ પડ્યો છે.

બીજી બાજુ મહેસાણાનાં વાતાવરણમાં પણ એકાએક પલટો જોવાં મળ્યો છે. જોટાણા, બહુચરાજી સહિતનાં વિસ્તારોમાં પણ હળવે હળવે વરસાદ શરૂ થયો અને કયાંક કયાંક વરસાદનાં ઝાપટાં પણ પડ્યાં હતાં.ભારે પવન સાથે વરસાદી ઝાપટાંથી રાજયમાં અનેક જગ્યાએ ઠંડક પણ પ્રસરી ગઇ છે. પંચમહાલમાં પણ વરસાદનો માહોલ સર્જાઇ ગયો છે તેમજ ગોધરા સહિત આજુબાજુનાં વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઇ ગયો છે.

(3:52 pm IST)