Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

રાજુલા પાસે ટ્રક પુલ નીચે ખાબકતા કોળી પરિવારના ૭ ના મોત

સગાઇ પ્રસંગ પૂર્ણ કરીને પરત ફરતી વખતે અકસ્માત સર્જાયોઃ એક જ પરિવારના ર ભાઇ, બહેન અને માતાનો પણ ભોગ લેવાયો

અમરેલી-રાજૂલા : ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપરથી ટ્રક નીચે ખાબકતા ૭ વ્યકિતના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. તસ્વીરમાં પલ્ટી ખાઇ ગયેલ ટ્રક મૃતકો અને ઘટના સ્થળે લોકોના ટોળા નજરે પડે છે. (તસ્વીર અહેવાલ : અરવિંદ નિર્મળ શિવકુમાર રાજગોર, મિલાપ રૂપારેલ, અમરેલી-રાજૂલા)

અમરેલી-રાજૂલા તા. ર૩ :.. અમરેલી જીલ્લાના રાજૂલા તાલુકાનાં નીગાળા ગામ પાસેના ભાવનગર-સોમનાથ હાઇવે ઉપર આવેલા પુલ ઉપરથી ટ્રક નીચે ખાબકતા કોળી પરિવારનાં ૭ વ્યકિતના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ર ભાઇ, બહેન, અને માતાનો પણ ભોગ લેવાતા કોળી પરિવારમાં ઘેરો શોક છવાઇ ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકાના જાદરા ગામના કોળી પરિવારજનો ઉના તાલુકાના સોખડા ગામે સગાઇ પ્રસંગે ગયા હતાં. જયાંથી પરત ફરતી વખતે રાજૂલા તાલુકાના નિંગાળા ગામ પાસે ટ્રક (નં. જી. જે.-૩-વી. ૯૩૮૮) ના ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમવતા ટ્રક ૧પ ફુટ ઉપરથી પુલ ઉપરથી નીચે ખાબકતા આ અકસ્માતમાં કોળી પરિવારના ર ભાઇ, બહેન માતા સહિત ૭ ના મોત નીપજયા હતાં.

આ અકસ્માતમાં કેસરબેન શામજીભાઇ બારૈયા (ઉ.પ૦) રહે. નવા જાદરા જીલ્લો ભાવનગર, જયસુખ રમેશભાઇ સિંધવ (ઉ.૧૭), માળીયા, જીલ્લો ભાવનગર, સમજીબેન અરજણભાઇ કોળી (ઉ.પ૦) રહે. કવેરી જીલ્લો ભાવનગર, ભાનુબેન રમેશભાઇ સિંધવ (ઉ.૩૬) રહે. માળીયા જીલ્લો ભાવનગર, શોભાબેન રમેશભાઇ સિંધવ (ઉ.૧૪) રહે. માળીયા જીલ્લો ભાવનગર, હરેશ રમેશભાઇ સિંધવ (ઉ.૧૪) માળીયા જીલ્લો ભાવનગર, ભરત લાખાભાઇ કોળી (ઉ.૩૬) રહે. મોટા જાદરા જીલ્લો ભાવનગરના મોત નીપજયા હતાં.

 આ બનાવની જાણ થતા અમરેલીથી કલેકટરશ્રી આયુષકુમાર ઓકએ વહીવટી તંત્રનેે બનાવના સ્થળે મોકલ્યું હતુ તથા રાજુલા અને જાફરાબાદથી ૧૦૮ અને ખાનગી તથા સરકારી તમામ એમ્મ્યુલન્સોને મોકલવામાં આવી હતી તો અમરેલીના એસ.પી.શ્રીનિર્લિપ્ત રાયએ પોલીસ તંત્રને દોડાવ્યું છે રાજુલાથી એસ.ડી.એમ મામલતદાર તથા મ્લોક હેલ્થ ઓફીસરને સ્થળ ઉપર મોકલાયા છે અને રાજુલા તથા જાફરાબાદની ૧૦૮ ઇજાગ્રસ્તોને દવાખાને પહોંચાડી રહી છે.આ બનાવની જિલ્લાના સરકારી તંત્રને જાણ કરીને નિગાળાનાં સરપંચશ્રી હરસુરભાઇ લાખણોત્રા સેવાભાવીઓની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા અને ટ્રકને હટાવી ઘાયલોને અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી મોડી રાત સુધી ચાલુ હતી.

ઇજાગ્રસ્તોને પોતાની ત્રણ એમ્મ્યુલન્સમાં રાજુલાના સેવાભાવી શ્રીયોગેશભાઇ કાનાબારે રાજુલા દવાખાને ખસેડયા હતા અને અક અકસ્માતને પગલે પગલે મહુવા વિકટર ઉના હાઇવે પર ૧૦ કિલોમીટર ટ્રાફીક જામ થઇ ગયો હતો.આ બનાવની જાણ થતા રાજુલાનાં ધારાસભ્ય શ્રીઅંબરીશ ડેર બનાવનાં સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવારમાં  ખસેડાવાની કાર્યવાહી હાથ ધરાવી હતી. રાજુલા જાફરાબાદની અને ધારાસભ્યની તથા અલ્ટ્રાટેકની મળીકુલ આઠ એમ્બયુલન્સમાં ઘાયલોને પહોંચાડનાં ફેરા શરૂ છે રાત્રે વિકટર સહિત આસપાસનાં પાંચ સરપંચ અને સેવાભાવીઓ ઘાયલનો દવાખાને પહોંચાડવામા અને બહાર કાઢવામાં કામે લાગ્યા છે અને અહી રોડનું કામ ચાલું હોય તેના ખાડામાં ભરાયેલા ગંદકીનાં પાણીમાં ટ્રક ઉંધો વળતા તમામ પાણીમાં પડી ગયા હતા ટ્રકને ક્રેઇનની મદદથી ઉચો કરવો પડે તેવી હાલત હોય મોડી રાત્રે ક્રેઇન બોલાવાઇ છે અને ટ્રકની નીચે એક બાળકી હજુ પણ અંદર હોવાની આશંકા સેવાઇ રહી હતી તથા રાત્રે સવાબાર વાગ્યા સુધીમાં છ લાશને બહાર કઢાઇ છે અને  ઇજાગ્રસ્તોની સખ્યા ૨૫ ઉપરાંતની હોવાની અટકળો ચાલી રહી છે  અકસ્માતની જાણ થતા ૧૦૦૦ જેટલા સેવાભાવી સ્થળ ઉપર પહોંચી ગયા હતા તથા ઘાયલોને રાજુલા દવાખાને ખસેડાયા છે જયાં રજા ઉપર ગયેલા સીવીલનાં સ્ટાફને દવાખાને બોલાવી લેવાયો છે.

 

(11:10 am IST)