Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

માયાવતી-અખિલેશ પ્રથમ વખત એક મંચ પર દેખાયા

નવા રાજકીય સમીકરણો રચાવવાના સંકેતઃ કોઇ સમયે એકબીજાના નક્કર વિરોધી તરીકે રહેલા માયા અને અખિલેશ સાથે રહ્યા : ચૂંટણી પહેલા નવી તૈયારીઓ

બેંગ્લોર,તા. ૨૩: કર્ણાટકમાં એચડી કુમારસ્વામીના શપથગ્રહણમાં તમામ ટોપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે, શપથવિધિમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી એક સાથે ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ વખત એક મંચ ઉપર આ બંને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બંને મંચ ઉપર એકબીજાની નજીક બેઠા હતા અને એકબીજાની સાથે વાતચીત કરતા પણ નજરે પડ્યા હતા. ઉત્તરપ્રદેશના બે પૂર્વ મુખ્યમંત્રીઓ થોડાક સમય પહેલા સુધી એકબીજાના નજીકના વિરોધીઓ હતા અને એકબીજાને જોઇ શકવાની સ્થિતિમાં પણ ન હતા પરંતુ ગોરખપુર અને ફુલપુર લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપને હરાવી દીધા બાદ બંનેએ રાજનીતિમાં એક નવા પ્રકરણની શરૃઆત કરી હતી. શપથવિધિમાં આ બંને ઉપરાંત અનેક ક્ષેત્રિય પક્ષોના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય પંડિતો માની રહ્યા છે કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે સીટો લાવ્યા બાદ પણ સરકાર નહીં બનાવવાની બાબત આ તમામ પક્ષો માટે એક જીવતદાન સમાન છે. આજ ક્રમમાં તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અખિલેશે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કર્ણાટકમાં વિપક્ષી એકતાને મજબૂત કરવા માટે તેઓ પહોંચ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, મોદી અને ભાજપને હરાવવા માટે તમામને સાથે આવવું પડશે. સપા અને બસપા એક સાથે આવવાના સંકેત આપી ચુક્યા છે. એક સમય સપા અને બસપના સભ્ય આમને સામને રહેતા હતા. માયાવતીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે શપથવિધિ કાર્યક્રમ દરમિયાન વાતચીત કરી હતી. રાહુલ ગાંધી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જો કે રાહુલ ગાંધી શપથવિધિ દરમિયાન વધારે વાતચીત કરતા નજરે પડ્યા ન હતા. કેજરીવાલ પણ વાતચીતમાં દેખાયા ન હતા.

(7:57 pm IST)