Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કંપની ડુબવાની સ્થિતિમાં હોમ બાયર્સને હવે હરાજીમાં હિસ્સો

ઇન્સોલ્વંસી એન્ડ બેંકરપ્સી કોડમાં સુધારાને મંજુરીઃ અન્ડરક્ન્ટ્રક્શન રિયાલીટી પ્રોજેક્ટમાં જે લોકોના પૈસા ફસાયેલા છે તેવા હજારો પરિવારોને મળેલી મોટી રાહત

નવીદિલ્હી,તા. ૨૩: કેન્દ્રની મોદી સરકારે હોમ બાયર્સ અથવા તો આવાસની ખરીદી કરનાર લોકોને મોટી રાહત આપીને ઇન્સોલ્વંસી એન્ડ બેંકરપ્સી કોડમાં ફેરફારને લીલીઝંડી આપી દીધી છે. આજે સવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ ફેરફારની ભલામણોને લીલીઝંડી આપવામાં આવી હતી. હવે કોઇ રિયાલીટી કંપની ડુબી જવાની સ્થિતિમાં તેમાં હોમ બાયર્સનો પણ હિસ્સો રહેશે. કંપની ડુબી જવાની સ્થિતિમાં આવાસ ખરીદનારને પણ હરાજીમાં હિસ્સો મળી શકશે. રિયાલીટી સેક્ટરની કંપનીઓના  ડુબવાની સ્થિતિમાં હજુ સુધી સંપત્તિની હરાજીમાં બેંકનો હિસ્સો જ રહેવાની વાત થતી હતી પરંતુ હવે હરાજીમાં હોમ બાયર્સનો પણ હિસ્સો રહેશે. અત્રે નોંધનીય છે કે, ગ્રેટર નોઇડા સહિત અનેક શહેરોમાં નિર્માણ કંપનીઓના ડુબવાના મામલામાં હજારો હોમ બાયર્સના પૈસા ફસાયેલા છે. આવી સ્થિતિમાં સરકારે આ નિર્ણય કરીને આવાસની ખરીદી ચુકેલા લોકોને મોટી રાહત આપી દીધી છે. આ નિર્ણય દેશના એવા હજારો પરિવાર માટે રાહતજનક છે જેના પૈસા અન્ડર કન્ટ્રક્શન રિયાલીટી પ્રોજેક્ટમાં ફસાયેલા છે. બેંકરપ્સી કોડમાં ફેરફાર માટે રચવામાં આવેલી કમિટિની ભલામણ એવી હતી કે, ડુબી ગયેલા બિલ્ડરની સંપત્તિ વેચવાની સ્થિતિમાં એવા ઘર ખરીદનારને પણ હિસ્સો મળવો જોઇએ જે લોકોને મકાનના પઝેશન મળી શક્યા નથી. તેમને કેટલો હિસ્સો મળવો જોઇએ તે બાબત બિલ્ડર દ્વારા લોન ઉપર આધારિત રહેશે. નાણામંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, કમિટિ વિચારી રહી છે કે, બિલ્ડર દ્વારા દેવાળું ફુંકવામાં આવ્યા બાદ એવા ઘર ખરીદનારને પણ એકલા મુકી દેવાઈ નહીં. જે લોકોને પઝેશન મળ્યા નથી. આવી સ્થિતિમાં તેમના પૈસા ડુબી શકે છે. તેમને ઘર પણ મળશે નહીં. આ બાબતને ધ્યાનમાં લઇને સુધારાને લીલીઝંડી આપવામાં આવી છે. લીલીઝંડી બાદ હોમ બાયર્સને હરાજીમાં હિસ્સો મળશે. કમિટિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, દેવાળું ફુંકવાની સ્થિતિમાં બિલ્ડર અથવા તો બિલ્ડર કંપનીની સંપત્તિ વેચવા પર કેટલી રકમ મળશે તેમાં કેટલા ટકા ઘર ખરીદનારને મળશે તે બાબતનો નિર્ણય અનેક માપદંડોના આધાર પર નક્કી કરવામાં આવશે. સૌથી પહેલા તો એમ જોવામાં આવશે કે બિલ્ડર ઉપર કેટલા પૈસા બાકી છે. કેટલા મકાન ખરીદદારોને પઝેશન મળ્યા નથી અને તેમની દેવાદારી કેટલી છે. કેટલાની લોન બિલ્ડર પર બાકી છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે. સંપત્તિને વેચી દીધા બાદ તેનાથી મળનાર નાણામાં કેટલો ટકો હિસ્સો ખરીદદારને મળવો જોઇએ તે બાબત અંગે બેંકો અને અન્ય નિષ્ણાતો દ્વારા લેવામાં આવશે.

(7:56 pm IST)