Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મધ્ય- ઉત્તરી ભારતમાં લૂ નું એલર્ટઃ ૧૦ રાજયોમાં ધૂળભરી આંધીની શકયતાઃ રાજસ્થાનના બુંદીમાં ૪૮ ડિગ્રીઃ વિશ્વનું સૌથી ગરમ શહેર

ગુરૂત્તમ- લઘુત્તમ તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રીનો વધારો : નિયમિત ગતિથી આગળ ધપતુ ચોમાસુ : દક્ષિણ- પૂર્વોત્તર રાજયોમાં આજે પણ વરસાદ પડશે

નવી દિલ્હી, તા.૨૩: ઉત્તર ભારતમાં ગરમી તેની ચરમ સીમાએ છે અને કેટલાય શહેરોમાં પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન તથા મહારાષ્ટ્રનું વિદર્ભ ગરમીથી વધુ પ્રભાવીત છે અને અહીં લૂ વરસી રહી છે.

ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તારોમાં મંગળવારે સૂર્યનો પ્રકોપ ખુબ જ જોવા મળેલ. કાનપુર, અલ્હાબાદ, બાંદા અને ઉરઈમાં ગુરૂત્તમ તાપમાન ૪૬ ડિગ્રી આસપાસ રહેલ. હરિયાણા અને પંજાબના અંધીકાંશ ભાગો પણ મંગળવારે ભયાનક લૂ ની ચપેટમાં રહેલ અને અહીં કેટલાય વિસ્તારોમાં પારો મંગળવારે લૂ ની ચપેટમાં રહેલ અને અહીં કેટલાય વિસ્તારોમાં પારો ૪૪- ૪૫ ડિગ્રીએ પહોંચી ગયેલ. આ જ હાલ રાજસ્થાનમાં પણ રહેલ, અહીં સોમવારની સરખામણીએ મંગળવારે ગુરૂતમ તાપમાનમાં એક થી બે ડીગ્રીનો વધારો નોંધવામાં આવેલ. જયારે દિલ્હી માટે પણ મંગળવાર ૪૪ ડિગ્રી સાથે સૌથી ગરમ દિવસ રહેલ. ૨૮મી સુધી આ ગરમી ચાલુ રહેશેનું હવામાન વૈજ્ઞાનિકોએ જણાવેલ.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ સહીત રાજયના અન્ય ભાગોમાં પણ મંગળવારે મૌસમનો મીજાજ સખ્ત રહેલ. ખરગોનમાં ગુરૂત્તમ તાપમાન ૪૬ ડિગ્રી નોંધવામાં આવેલ. મહારાષ્ટ્રના નાગપુરમાં પણ ગરમી ૪૫ ડિગ્રી રહેલ.

જયારે મધ્યપ્રદેશનું શ્યોપુર દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ. જયાં ૪૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયેલ. અલ્હાબાદ ૪૬.૨ ડિગ્રી તાપમાન સાથે યુપીનું સૌથી ગરમમ શહેર રહ્યું હતું. અલ્હાબાદ યુનિર્વસીટીના પ્રોફેસર એસએસ ઓઝાએ કહ્યું કે શહેરમાં ભીષણ ગરમી પડવાનું કારણ કર્ક રેખાથી નજીક હોવું અને ગંગા- યમુનાની રેતી છે. વૃક્ષો ઓછા હોવાથી તાપ વધુ લાગે છે.

હવામાન ખાતા મુજબ ૪૮ કલાક સુધી હજી ગરમીથી છુટકારો મળે તેમ નથી. પરંતુ ગુરૂત્તમ તથા લઘુત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રીની વૃધ્ધી થઈ શકે છે અને તેનાથી બપોરે લૂ વરસશે અને હવામાન શુષ્ક રહેશે.

મંગવારે મોડી સાંજે હવામાન ખાતા દ્વારા અપાયેલ પૂર્વાનુમાન મુજબ પૂર્વી ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પ.બંગાળ, સિક્કીમ, ઓડીશા, દક્ષીણ આંતરિક કર્ણાટક તામીલનાડુ અને કેરાલાના કેટલાક વિસ્તારોમાં આજે બુધવારે ધૂળની આંધી આવી શકે છે.

પશ્ચિમોત્તર ભારત સુરજની ગરમીથી પરેશાન છે પણ દક્ષીણ ભારતના કેટલાય વિસ્તારો અને પૂર્વોત્તર ભારત ચોમાસા પૂર્વે વરસાદથી તરબોળ છે. મૌસમ વિભાગ મુજબ બુધવારે પણ આ બન્ને ભાગોમાં વરસાદ થશે. અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મીઝોરમ અને ત્રિપુરામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દર્શાવામાં આવી છે. દક્ષીણ આંતરિક કર્ણાટક, તામીલનાડુ, પોંડીચેરી અને કેરાલામાં પણ પ્રિ-મોનસુન વરસાદ પડશે.

ગરમીના માર વચ્ચે રાહતના સમાચારએ છે કે ચોમાસુ પોતાની સામાન્ય ગતિથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવનાર બે- ત્રણ દિવસમાં દક્ષીણ પશ્ચિમી ચોમાસુ દક્ષીણ અંડમાન અને તેની આસપાસના વિસ્તારો સુધી પહોંચી જવાની પુરી શકયતા છે.

રાજસ્થાન, દિલ્હી, એનસીઆર અને મધ્યપ્રદેમાં હજી ૨૪ કલાક ગરમીનો પ્રકોપ રહેશે. આજે બધુવારે મધ્ય- ઉત્તરી ભારતમાં ગરમ પવન ફુંકાવાની સાથે લૂ નું એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજસ્થાનના બુંદી જીલ્લામાં મંગળવારે ગરમીનો પારો ૪૮ ડિગ્રી પહોંચી જતા વિશ્વનું સૌથી ગરમ શહેર બન્યું હતુ. આંતરરાષ્ટ્રીય વેબસાઈટ એન્ડો કન્ટ્રી વેધર મુજબ મિસ્ત્રના બહરિયામાં પણ ૪૮ ડિગ્રી તાપમાન નોંધાયેલ જેની બુંદીએ બરાબરી કરી હતી. હવામાન ખાતાના ડે.ડાયરેકટર જનરલ ડો.દેવેન્દ્ર પ્રધાનના જણાવ્યા અનુસાર પાકિસ્તાન અને રાજસ્થાનમાં છેલ્લા બે દિવસથી હીટવેવ ચાલી રહી છે. ઉપરાંત રાજસ્થાનથી ૩૦ થી ૩૫ કિ.મી.ની ઝડપે ગરમ પવન દિલ્હી પહોંચી રહ્યો છે.

હવામાન ખાતા મુજબ બુધવારે વિદર્ભ, રાજસ્થાન, દક્ષણી હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, દક્ષીણ પંજાબ, દક્ષીણ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં લૂ ના કારણે લોકોને પારવાર પરેશાની થશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ ઉત્તરી પાકીસ્તાનમાં ચાલુ છે. જેની અસર રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં નથી પણ દક્ષીણી રાજસ્થાનથી પૂર્વ રાજસ્થાન સુધી ચક્રવતી પવનનું જોર છે, પરંતુ હવામાં ભેજ ન હોવાથી તેમાં ગરમી વધી રહી છે એટલે છેલ્લા ૮- ૧૦ દિવસોથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ ઉપરાંત બુધવારે પંજાબના વીરવારના ભટીંડા, ફતેહગઢ સાહિબ, ફિરોઝપુર, લુધીયાણા, માનસા, પટીયાલા અને સંગરૂરમાં હીટવેવની ખાતેએ ચેતવણી આપી પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચશેનું જણાવેલ. હરિયાણાના હિસારમાં મંગળવારે ૪૫.૫૦ ડિગ્રી, પટણામાં લઘુતમ તાપમાન સામાન્યથી ૩ ડિગ્રી ઉપર રહેવાની સાથે બફારાથી લોકો ત્રસ્ત થયેલ જયારે છત્તીસગઢના રાયપુરમાં મંગળવારે તાપમાન ૪૨ ડિગ્રી પહોંચ્યુ હતુ. જે સોમવારથી બે ડિગ્રી વધુ હતું.

(4:08 pm IST)