Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

પાકિસ્તાનના ભારે ગોળીબારથી ૪ નાગરિકોના મોત : ૭૦ હજારનું સ્થળાંતર

પાકિસ્તાનની નાલાયકીથી સીમાંત ગામડાઓ સૂમસામ : લોકોમાં ભયનો માહોલ : ગોળીબારની રેન્જ વધારી : ૧૦૦ ગામો દહેશતમાં

જમ્મુ, તા. ર૩ :  પાકિસ્તાનની નાપાક હરકત સતત ચોથા દિવસે પણ ચાલુ છેે અરનિયા અને હીરાનગર સેકટરમાં આજે પણ પાકિસ્તાનની તરફથી ગોળીબારી થઇ રહી છે. હીરાનગરમાં એક નાગરિકનું મોત થયું છે જયારે બે ને ઇજા થઇ છે. બીજી બાજુ એક નાગરિકને અરનિયામાં ગોળીબારીમાં ઇજા થઇ છે. સવારથી અત્યાર સુધીમાં પાકિસ્તાનના ભારે ગોળીબારથી ચાર નાગરિકોના મોત થયા છે.

ત્રીજા દિવસે પાકિસ્તાનના આઇબીથી માંડીને એલઓસી પર પુંછ જિલ્લાના દિગવાર સેકટર સુધી તોપમારો કરવામાં આવ્યો. આઇબી પર સાંબા, અરનિયા, રામગઢ, આરએસ પુરા તેમજ હિરાનગર સેકટરમાં પાકને ભારે ગોળીબાર કર્યો જેમાં બીએસએફના જવાન, ૭૦ વર્ષની એક વૃધ્ધ મહિલા સહિત આઠ લોકોને ઇજા પહોંચી છે.

આ પાંચ સેકટરોમાં ગોળીબારીથી ૧૦૦ થી વધુ ગામડા પ્રભાવિત થયા છે પાકે ૩૦ થી વધુ પોસ્ટોને નિશાન બનાવીને ૮૦ તેમજ ૧ર૦ એમએમનો તોપમારો કર્યો અનેક મકાનોનું નુકશાન થયું છે. ૭૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગામડામાં દહેશત ફેલાયેલી છે. પાંચ કિ.મી.ના દાયરામાં આવતી શાળાઓ બંધ છે.

રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. બીએસએફની જવાબી કાર્યવાહીમાં પાક.ના અનેક બંકરોને નુકશાનની સુચના છે. એક રેન્જર અને ચારવા ગામના ત્રણ પાક. નાગરિકોના ઘાયલ થવાના અહેવાલ છે.

ડિવકામ હેમંત શર્માએ જણાવ્યું કે આરએસપુરા તથા અરનિયા સેકટરમાં રાહત શિબિર સક્રિય કરી દેવામાં આવી છે. શિક્ષણ સંસ્થાનો તેમજ સરકારી ભવનોમાં સ્થાપિત આ શિબિરોમાં હાલમાં ઓછી સંખ્યામાં લોકો પહોંચ્યા છે વધુ પડતા સંબંધીઓ ત્યાંથી ચાલ્યા ગયા છે. કેમ્પોમાં અનેક સુવિધાઓનું પ્રબંધ કરવામાં આવ્યું છે જેથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડે નહિ.

પાકિસ્તાનની આ નાલાયક હરકતથી ૧૦૦ થી વધુ ગામડાઓ પ્રભાવિત થયા છે અને સીમતિ ગામડાઓમાં સદંતર સન્નાટો જોવા મળ્યો છે અને હજારોની જીંદગી દાવ પર લાગી છે પાક દ્વારા દાગવામાં આવેલા મોર્ટારની રેન્જ વધારવામાં આવી છે. પાકે ૬ કિ.મી. દૂર પ્રથમવાર આ ગામડાઓ સુધી મોર્ટાર દાગ્યા છે.

(2:46 pm IST)