Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કેરળના કુવામાંથી ફેલાયો નિપાહ વાયરસ :આરોગ્ય ટીમે શોધ્યું કારણ

પીડિત લોકો કુવામાંથી પાણી પીતા હતા ;કેટલાક ચામાચીડિયા મૃતહાલતમાં મળ્યા :

કેરળમાં ફેલાયેલ નિપાહ વાયરસને કારણે કેરળના કેઝિકોડ અને મલ્લપુરમ જીલ્લામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 9 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.કેરળના આરોગ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું કે, નિપાહ વાયરસને પહેંચી વળવા માટે અમારી પાસે કોઈ પૂર્વ અનુભવ નથી. આવી પરિસ્થિતિ પહેલીવાર આવી છે.તેમણે જણાવ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કેરળમાં વાયરસ વધારે ન ફેલાય તે માટે સૂચના આપી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેટલાક સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલ કેટલાક 116 લોકોને અલગ-અલગ રાખ્યા છે એમાંથી 94 લોકોને તેમના ઘરમાં જ તથા 22 લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
  સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે,આ ગંભીર બિમારીનું અસલી કારણ શોધવામાં આવી રહ્યું છે. હાલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની શરૂઆતની તપાસમાં ખબર પડી છે કે, પીડિત લોકો જે કુવામાંથી પાણી પીતા હતા, ત્યાં કેટલાક ચામાચિડીયા મૃત હાલાતમાં મળી આવ્યા છે.
 જિનિવામાં હાજર કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ શૈલજાને ફોન કરી રાજ્યની પરિસ્થિતિ મુદ્દે પુછ્યું છે, સાથે કેન્દ્ર તરફથી તમામ સહાયતા આપવાનો ભરોસો પણ આપ્યો છે.
કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને કહ્યું કે, રાજ્ય સરકાર નિપાહ વાયરસની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારના પગલા ભરી રહ્યું છે. તેમણે એક ફેસબુક પોસ્ટ પર કહ્યું કે, શાંતી જાળવી સતર્ક રહેવાની જરૂર છે. અશાંત થઈ જવાની કોઈ જરૂરત નથી.

(12:14 pm IST)