Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કર્ણાટકમાં ભાજપ વિરોધી તાકાતનું સર્જન : ૨૦૧૯નો પડકાર

મોટો સવાલ : આ શકિત નિર્ણાટક બનશે? : વિપક્ષી એકતા સામે અવરોધો ઓછા નથી....

બેંગલુરૂ તા. ૨૩ : કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનથી સરકાર બનવા જઈ રહી છે. જેની સાથે જ ત્યાં એકસાથે વિપક્ષનું શકિતપ્રદર્શન પણ જોવા મળશે. બેંગ્લુરૂમાં શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઘણાં પ્રાદેશિક પક્ષોના નેતા ભાગ લેવા માટે પહોંચ્યા છે. મોદી સરકારના કેન્દ્રમાં ૪ વર્ષ સમાપ્ત થવાના પહેલાં જ વિપક્ષી એકતાના પણ પાયા મજબૂત થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ૨૦૧૯ પહેલા મોદી સરકાર માટે આ એક મોટી ચેલેન્જની જાહેરાત માની શકાય તો ખોટું નથી.

જો કે કેન્દ્રની NDA સરકાર સામે આ વિપક્ષની તાકાત આગામી લોકસભા ચૂંટણી સુધી જોવા મળશે કે કેમ તે પણ એક પ્રશ્ન જ બની રહેશે. કોંગ્રેસના કર્ણાટકના શપથ ગ્રહણ કાર્યક્રમમાં એમ કે સ્ટાલિન, મમતા બેનર્જી, ચંદ્રબાબુ નાયડુ, શરદ પવાર, સુધાકર રેડ્ડી, અજિત સિંહ, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવની સાથે જે બીએસપી અને ટીઆરએસના નેતા પણ કાર્યક્રમનો ભાગ બનશે. આ ઘટના ૧૯૮૪માં એન ટી રામારાવના શપથ ગ્રહણ સમારોહની જેમ જોવામાં આવી રહી છે. જેમાં જો કે કોંગ્રેસ ન હતી એટલે તેના વિરોધી પક્ષો એક સાથે એકત્ર જોવા મળ્યા હતા.

કર્ણાટકમાં ભાજપના નેતા યેદિયુરપ્પા તરફથી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવામાં આવી હતી જે પછી તેમની પાસે બહુમતી સાબિત કરી શકાય તેટલી સંખ્યામાં મત ન હોવાથી તેમને રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું. જે પછી કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાએ કોંગ્રેસ અને જેડીએસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

જો કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા અગાઉનો જો ઈતિહાસ જોવામાં આવે તો ભાજપ વિરૂધ્ધ એકત્ર થઈ રહેલ પક્ષો ગણી વખત ચૂંટણીના પરિણામ પછી પણ પોતાનો મત બદલતા રહેતાં હોય છે. હાલમાં કોંગ્રેસ માટે જેડીએસ સાથે ગઠબંધન કરીને ૨૦૧૯ સુધી કર્ણાટકમાં પોતાની સરકાર ચલાવી એ મોટું કામ છે. કેમકે ભાજપ તરફથી બિહાર જેવી સ્થિતિ અહીં પણ ઉભી કરવામાં આવી શકે છે. આગામી સમયમાં ૨૦૧૯ની લોકસભા કરતાં કોંગ્રેસ માટે મહત્વનું એ છે કે તે પોતાની સરકાર રાજયમાં સ્થાયી જાળવી રાખે.(૨૧.૧૦)

(2:42 pm IST)