Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

યેદિયુરપ્પાનો પોકાર ! કર્ણાટકની ચૂંટણીમાં ભારે ગોટાળા થયા છે

મનાગુલી ગામમાંથી મળી આવેલા ૮ વીવીપેટ બોક્ષ મશીન કે કાગળ ચૂંટણી પંચના નથીઃ કર્ણાટકના મુખ્ય નિર્વાચન અધિકારીની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા. ૨૩ :. કર્ણાટકમાં અંદાજે ૫૫ કલાક સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા બાદ રાજીનામુ આપનાર ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં મોટાપાયે કૌભાંડ થવાની વાત કહી છે. તેઓએ         ચૂંટણી પંચને ચિઠ્ઠી લખીને આ વાતનો દાવો કર્યો છે. પોતાની ચિઠ્ઠીમાં યેદિયુરપ્પાએ લખ્યુ, હું સંપૂર્ણ વિશ્વાસની સાથે કહી શકું છું કે ચૂંટણી બાદ વિજયાપુર જિલ્લાના મનાગુલી ગામમાં મજુરના ઘર પર મળી આવેલા ૮ વીવીપેટ બોક્ષવાળા મામલાને પંચે ગંભીરતાથી લીધો હશે. આ પ્રકારે વીવીપેટ મળવા એ વાત તે તરફ ઈશારો કરે છે કે વિધાનસભા ચૂંટણી દરમ્યાન મોટાપાયે કૌભાંડ થયા છે.

યેદિયુરપ્પાએ કહ્યુ કે એવુ નથી કે, આ પ્રકારની ગરબડીને પ્રથમવાર ચૂંટણી પંચની સામે અથવા રાજ્યમાં ચૂંટણી કરતા અધિકારીઓની સામે રાખવામાં આવી રહ્યા છે, પરંતુ ભાજપે ચૂંટણી થયા પહેલા પણ પંચની સામે ગરબડીના મામલાને ઉઠાવ્યો હતો પરંતુ બધુ નકામુ ગયુ.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ચૂંટણીના એક સપ્તાહ બાદ વિજયાપુરમાં ૧૯ મે ને મજુરના ઘરમાંથી બેટરી વગરના ૮ વીવીપેટ મળી આવ્યા હતા. આ મામલા અંગે આયોગે પત્ર લખ્યો છે અને ચૂંટણી દરમ્યાન કૌભાંડ થવાની આશંકા વ્યકત કરી છે.

જો કે કર્ણાટકના મુખ્ય નિર્વાચન અધિકારી સંજીવકુમારે એ સ્પષ્ટ કરી દીધુ હતુ કે મનાગુલી ગામમાંથી જે ૮ બોકસ મળ્યા છે તે ચૂંટણી પંચના નથી. તેઓએ કહ્યુ કે જે ૮ વીવીપેટ મશીન મળ્યા છે તે મશીન કે કાગળ વગર મળ્યા છે અને કોઈ પણ યુનિક ઈલેકટ્રોનિક નંબર નથી ફકત બોકસ મળ્યા છે કોઈ મશીન મળ્યા નથી.(૨-૫)

(11:44 am IST)