Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

હવે ૧૨ વર્ષ સુધીના બાળકની હવાઇ મુસાફરીને લઇને બદલાયો નિયમ

DGCA ની નવી ગાઇડલાઇનઃહવેથી ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવાઈ મુસાફરી દરમિયાન તેમના માતા-પિતાની બાજુમાં સીટ આપવી પડશે

નવી દિલ્હી, તા.૨૩

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તમામ એરલાઇન્સ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. એવિએશન રેગ્યુલેટરે કહ્યું છે કે હવેથી ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવાઈ મુસાફરી દરમિયાન તેમના માતા-પિતાની બાજુમાં સીટ આપવી પડશે. DGCAએ મંગળવારે આ સંબંધમાં એક પરિપત્ર જાહેર કરીને તમામ એરલાઈન્સને આ નિયમને ફરજિયાતપણે લાગુ કરવા સ્પષ્ટપણે જણાવ્યું છે.

DGCA દ્વારા હવાઈ મુસાફરી દરમિયાન બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના પરિપત્રમાં નિયમનકારે જણાવ્યું હતું કે હવેથી તમામ એરલાઈન્સે એ સુનિશ્ચિત કરવું પડશે કે ૧૨ વર્ષ સુધીના બાળકોને તેમના માતાપિતા/વાલીઓમાંથી ઓછામાં ઓછા એકની સાથે બેઠકો ફાળવવામાં આવે, જેઓ એક જ પરિવારમાં હોય. આ સાથે તેનો સંપૂર્ણ રેકોર્ડ પણ રાખવામાં આવશે.

ઉડ્ડયન નિયમનકારે આ પગલું એક ફરિયાદ બાદ ઉઠાવ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે બાળકને તેના માતા-પિતા સાથે બેસવા દેવામાં આવતું નથી. હવે ડીજીસીએ દ્વારા જાહેર કરાયેલા ૨૦૨૪ના એર ટ્રાન્સપોર્ટ સર્ક્યુલર (ATC)-01 મુજબ, ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકને તેના માતા-પિતાની બાજુમાં સીટ મળશે અને ખાસ વાત એ છે કે પેસેન્જર પાસેથી આ માટે કોઈપણ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં.

ડીજીસીએના મતે એરલાઈન્સ બાળકની સીટ માટે માતા-પિતા પર દબાણ ન લાવી શકે. જો વાલીઓએ ફ્રી સીટ અથવા ઓટો એલોકેશનનો વિકલ્પ પસંદ કર્યો હોય તો બાળક માટે બાજુની સીટની વ્યવસ્થા કરવી પડશે.

બાળકોને તેમના પરિવારના સભ્યોની બાજુમાં સીટ આપવાના આદેશ સાથે ડ્ઢય્ઝ્રછ એ એરલાઇન્સને ઝીરો બેગેજ, પસંદગીની સીટ શેરિંગ, ભોજન, પીણાં અને સંગીતનાં સાધનો લઇ જવાની મંજૂરી પણ આપી છે. DGCA એ સ્પષ્ટતા કરી છે કે આ સુવિધાઓ પસંદ કરવામાં આવી છે એટલે કે તે ફરજિયાત નથી. ઓટો સીટની સુવિધા પણ ઉમેરવામાં આવી છે, જેમાં એરલાઈન આપમેળે સીટો અસાઇન કરે છે અને જે પેસેન્જરોએ વેબ ચેક-ઈન દરમિયાન સીટ લીધી નથી તેઓને આપમેળે સીટો ફાળવવામાં આવશે.

(7:40 pm IST)