Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

હોસ્પિટલમાં દાખલ થયાના ૧૨ કલાકમાં ૨૦%નાં મોત

દેશભરમાં કોરોનાની સ્થિતિ ખૂબજ વણસી રહી છે : દેશભરમાં ૨૪ કલાકમાં ૨૧૦૪ દર્દીઓેના મોત થયા, મતલબ કે દરેક મિનિટે એક વ્યક્તિનુ મોત થઈ રહ્યુ છે

નવી દિલ્હી, તા. ૨૩ : એક તરફ કોરોનાની બીજી લહેર પહેલા કરતા પણ વધારે ઘાતક છે અને બીજી તરફ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત અનુભવાઈ રહી છે. જેના પગલે મોતનો આંકડો વધી રહ્યો છે.

હાલત એવી થઈ રહી છે કે, ઠેર ઠેર હોસ્પિટલમાં દર્દીને લાવ્યાના ગણતરીના કલાકોમાં તેનુ મોત થઈ જાય છે. દેશમાં ૨૪ કલાકમાં ૨૧૦૪ લોકોના મોત થયા છે. મતલબ કે દરેક મિનિટે એક વ્યક્તિનુ મોત થઈ રહ્યુ છે. દેશમાં છેલ્લા ૧૫ દવસથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ, કોચિન, લખનૌ, ચંદીગઢ, રાયપુર, ભોપાલ જેવા શહેરોમાં ઓક્સિજનની માંગમાં  ૪૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલના એક રિપોર્ટમાં કહેવાયુ છે કે, કોરોનાથી થતા મોતમાં દર પાંચમો વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થયાના ૧૨ કલાકમાં જ મોતને ભેટે છે. આ પહેલા હોસ્પિટલમાં ૨૫ થી ૩૦ ટકા મોત ૪૮ કલાકમાં થતા હતા.

રિપોર્ટ પ્રમાણે મોટાભાગના શહેરોમાં સ્થિતિ એક સરખી જ છે. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોય અને રસ્તામાં મોતને ભેટયા હોય તેવા દર્દીઓની સખ્યા પણ વધી છે. નેશનલ ટાસ્ક ફોર્સના એક સૂત્રના કહેવા પ્રમાણે આ પહેલા ૪૦ ટકા મોત હોસ્પિટલમાં દર્દીને લાવ્યાના ૭૨ કલાકમાં થતી હતી પણ હવે તો આ સમયગાળો પણ ઘટી ગયો છે.

(7:52 pm IST)