Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કોરોનાનો હાહાકાર : ૨૪ કલાકમાં ૨૨૬૩ દર્દીના મોત : અધધધ ૩.૩૨ લાખ નવા કેસ

કોરોના સંક્રમિત લોકોનો સાજા થવાનો દર ઘટીને ૮૩.૯ ટકા થઇ ગયો છે

નવી દિલ્હી તા. ૨૩ : દેશ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના વાયરસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે. નવા દર્દીઓના કેસમાં આપણો દેશ અમેરિકાથી પણ આગળ નીકળી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં રેકોર્ડ ૩,૩૨,૭૩૦ કેસ નોંધાયા છે. આ આંકડો દેશમાં અત્યારસુધી એક દિવસમાં નોંધાયેલા સર્વાધિક કેસ છે. આ પહેલા ભારતમાં ગુરૂવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે ૩ લાખ ૧૫ હજાર ૫૫૨ કેસ નોંધાયા હતા. મોતનો આંકડો પણ છેલ્લા બે દિવસખી ખૂબ જ ડરાવનારા આવી રહ્યા છે. ૨૪ કલાકમાં દેશમાં ૨૨૬૩ લોકોએ કોરોનાથી દમ તોડી દીધો હતો. આખી દુનિયામાં બ્રાઝીલ પછી ભારત એકમાત્ર એવો દેશ છે જયાં કોરોનાથી એક દિવસમાં આટલા મોત થઈ રહ્યા છે.

એક જ દિવસમાં દેશમાં ૧ લાખ ૪૨ હજાર ૮૦ એકિટવ કેસ વધ્યા છે. હવે આખા દેશમાં ૨૪,૨૮,૬૧૬ એકિટવ દર્દી છે, જેમની સારવાર ચાલી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧.૯૨ લાખ દર્દીઓ સાજા પણ થયા છે. કોરોનાથી દેશમાં હવે ૧,૬૨,૬૩,૬૯૫ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે. ૧.૩૬ કરોડ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યારસુધી દેશમાં કોરોનાથી ૧૮૬૯૨૦ લાખ લોકોનાં મોત થયા છે.

દેશમાં ૨૪ કલાકમાં સૌથી વધારે ૫૬૮ મોત મહારાષ્ટ્રમાં થયા છે. જે બાદમાં દિલ્હીમાં ૩૦૬, છત્તીસગઢમાં ૨૦૭, ઉત્તર પ્રદેશમાં ૧૯૫, ગુજરાતમાં ૧૩૭, કર્ણાટકમાં ૧૨૩, પંજાબમાં ૭૫ અને મધ્ય પ્રદેશમાં ૭૫ લોકોનાં મોત થયા છે. આ આઠ રાજયમાં કુલ ૧૬૮૬ મોત થયા છે, જે કુલ ૨,૨૫૬ મોતના ૭૫ ટકા છે. કોરોના સંક્રમણથી સાજા થવાનો દર ઘટીને ૮૩.૯ ટકા થયો છે. આંકડા પ્રમાણે કોરોનાથી રાષ્ટ્રીય સ્તરે મૃત્યુદર ૧.૧ ટકા થયો છે.

(10:52 am IST)