Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ૨૪મીથી કોવિન પોર્ટલ પર રજીસ્ટ્રેશનનો પ્રારંભ થશે

કોવિડ - ૧૯ વેકસીનેશન માટે લાભાર્થી આરોગ્ય સેતુ એપની મદદ થી રજીસ્ટ્રેશન કરાવી શકશે : કોવિન પોર્ટલ પર લાભાર્થીએ રજીસ્ટ્રેશન માટે "યોર સેલ્ફ" પર ક્લિક કરવાથી મોબાઈલ પર ઓટીપી નંબર મળ્યા બાદ રજીસ્ટ્રેશન પ્રક્રિયા આગળ વધશે

નવી દિલ્હી: દેશભરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઈરસના સંક્રમણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના વૅક્સિનેશન અભિયાન અંતર્ગત 24 એપ્રિલથી 18 વર્ષથી વધુ વયના લોકોને વૅક્સિન આપવા માટેનું રજિસ્ટ્રેશન શરૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને આ અંગે જાહેરાત કરતા જણાવ્યું છે કે, CoWin વેબ સાઈટ તેમજ આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

જણાવી દઈએ કે, વૅક્સિનેશનના ત્રીજા તબક્કા અંતર્ગત 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકોને પણ કોરોના વિરોધી રસી આપવામાં આવશે. હાલ દેશમાં વ‌ૅક્સિનેશન અભિયાન અંતર્ગત 45 વર્ષ કે તેથી વધુ વયના લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી રહી છે.

કોરોના વૅક્સિનેશનના ત્રીજા તબક્કા સંદર્ભે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને ટ્વીટ કરીને જણાવ્યું કે, 18 વર્ષથી વધુ વયના લોકોને કોવિડ વૅક્સિનેશન માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. જો તમે 18 વર્ષથી વધુ વયના હોવ, તો તૈયાર થઈ જાવ, કારણ કે તમારા વૅક્સિનેશન માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ જલ્દી શરૂ થવા જઈ રહી છે.

કોરોના વાઈરસની બીજી લહેરનો પ્રકોપ વધારે છે, પરંતુ આશા છે કે આ મોટા પડકારને દેશ એકજૂટ થઈને પાર પાડશે. ટેસ્ટિંગથી લઈને વૅક્સિનેશન દરેક તબક્કે તેજી લાવવામાં આવી રહી છે. મંત્રીએ દાવો કર્યો છે કે, ભારત લગભગ 12 કરોડ વૅક્સિન ડોઝ સૌથી ઝડપથી આપનારો દેશ છે.

વૅક્સિનેશનને લઈને આવેલા સરકારના નવા નિર્ણય બાદ આગામી 1 મેથી વૅક્સિન ડ્રાઈવનો નવો તબક્કો શરૂ થઈ જશે. જો કે એ પહેલા 24 એપ્રિલથી લોકો રજિસ્ટ્રેશન કરાવીને પોતાના વૅક્સિનના ડોઝની તારીખ અને સમય નક્કી કરી શકશે. જે લોકો આ તબક્કામાં વૅક્સન લેવા માંગે છે, તેઓ શનિવારથી કો-વિન CoWin એપ્લિકેશન પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

કેન્દ્ર સરકાર તરફથી સોમવારે વૅક્સિનેશનના નવા તબક્કાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત 1 મેંથી 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોના વિરોધી રસી આપવાની મંજૂરી મળી ગઈ છે.

ખાસ વાત એ છે કે, કોરોના સંક્રમિતોની વધતી જતી સંખ્યા વચ્ચે યુવા વર્ગને વ‌‌ૅક્સિન આપવાની માંગ પણ થઈ રહી હતી. જો કે અત્યાર સુધી જે તબક્કામાં વૅક્સિન લગાવવામાં આવી રહી છે, તેમાં પણ અનેક રાજ્યોમાં રસી ખૂટી પડી હોવાના સમાચારો સામે આવ્યા છે. જો કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે, વૅક્સિનની તંગી નથી અને દરેક રાજ્યોને જરૂરિયાત મુજબ વૅક્સિન પૂરી પડવામાં આવી રહી છે.

કોવિડ-19 વૅક્સિનેશન માટે રજિસ્ટ્રેશનની રીત
ત્રીજા તબક્કાની પ્રક્રિયા શરૂ થયા બાદ યુઝર્સ CoWin પોર્ટલ અને આરોગ્ય સેતુ એપની મદદથી ખુદ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

→ CoWin પોર્ટલ પર કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
સૌ પ્રથમ તમારે CoWinની વેબસાઈટ https://www.cowin.gov.in/home પર જવાનું રહેશે. જ્યાં તમારે Register/Sign in Yourself પર ક્લિક કરવાનું રહેશે
અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને Get OTP પર ક્લિક કરશો એટલે તમામ ફોનમાં એક ઓટીપી આવેશે. જેને એન્ટર કરીને તમારે વેરીફાય પર ક્લિક કરવું પડશે.

વૅક્સિનેશન રજિસ્ટ્રેશન માટે યુઝર્સે પોતાની તમામ વિગતો (જેમ કે ફોટો આઈડી પ્રૂફ, નામ, જાતિ, જન્મતારીખ વગેરે) ભરવાની રહેશે. જે બાદ રજિસ્ટર બટન પર ક્લિક કરવાથી તમારે એક એપોઈનમેન્ટ શિડ્યૂલ કરવાનું રહેશે. આ માટે શિડ્યૂલ પર ક્લિક કરવું પડશે.

તમારો પિન કોડ નાંખીને સર્ચ પર ક્લિક કરશો એટલે તમારા દર્શાવેલા પિન કોડ પર આવેલા સેન્ટરનું લિસ્ટ આવી જશે. એક તારીખ, નામ અને સેન્ટર સિલેક્ટ કરીને કન્ફોર્મ કરો. અહીં જણાવી દઈએ કે, તમે એક લોગઈનથી 4 લોકોને જોડી શકો છો. આ સાથે જ તમે એપોઈનમેન્ટ રિશિડ્યૂલ પણ કરી શકો છો.

આરોગ્ય સેતુ એપ પર કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
સૌ પ્રથમ તમારે આરોગ્ય સેતુ એપ ઓપન કરવી પડશે. જ્યાં CoWin ટેબ પર ક્લિક કરશો એટલે વૅક્સિનેશન રજિસ્ટ્રેશનનું પેજ આવશે. તેના પર ક્લિક કરીને તમારો ફોન નંબર એન્ટર કરો. જે બાદ મળેલો OTP એન્ટર કરીને વેરિફાઈ પર ક્લિક કરો. આમ કરવાથી તમે રજિસ્ટ્રેશન ઑફ વૅક્સિનેશન પેજ પર પહોંચી જશો. જે બાદ CoWin પોર્ટલમાં ઉપર જણાવ્યા મુજબના સ્ટેપ ફૉલો કરવાના રહેશે.

(12:00 am IST)