Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

કોરોના ભય વચ્ચે લોકસભા અચોક્કસ મુદ્દત માટે સ્થગિત

નાણાં બિલ ચર્ચા વગર પસાર કરી દેવામાં આવ્યું : નાણાં બિલ પસાર થવાની સાથે કાર્યવાહી અચોક્કસ મુદ્દત માટે મોકૂફ : સત્રમાં કુલ ૧૩ મહત્વના બિલો પાસ કરાયા

નવી દિલ્હી, તા. ૨૩ : કોરોના વાયરસની દહેશત ચારેબાજુ દેખાઈ રહી છે ત્યારે લોકસભાની બેઠક પણ અચોક્કસ મુદ્દત માટે મોકૂફ કરી દેવામાં આવી છે. બજેટ સત્રની કામગીરી નિર્ધારિત સમય પહેલા પૂર્ણ કરી દેવામાં આવી છે. લોકસભાએ નાણાં બિલને ચર્ચા વગર આજે પસાર કરી દીધું હતું. કોરોના વાયરસના પરિણામ સ્વરુપે બજેટ સત્રને વહેલીતકે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. બજેટ સત્ર ચોથી એપ્રિલ સુધી ચાલનાર હતી પરંતુ આજે નાણા બિલ પાસ થવાની સાથે લોકસભાની કાર્યવાહી અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. ૩૧મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણની સાથે બજેટ સત્રની શરૂઆત થઇ હતી. સત્ર દરમિયાન કુલ ૩૧ બિલ પસાર કરવામાં આવ્યા હતા. સામાન્ય બજેટ ૨૦૨૦-૨૧ પસાર થવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ હતી.

         કોરોના વાયરસના પરિણામ સ્વરુપે ઉભી થયેલી સ્થિતિ વચ્ચે લોકસભાએ ચર્ચા વગર નાણા બિલને મંજુરી આપી હતી. ગાળા દરમિયાન ગૃહમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. નાણાં બિલ પાસ થતાની સાથે ગૃહની કાર્યવાહીને અચોક્કસ મુદ્દત માટે મોકૂફ કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કોરોના વાયરસ સંકટથી બહાર નિકળવા માટે આર્થિક પેકેજની જાહેરાતની માંગ કરી હતી. ગૃહમાં સરકારના સુધારાને સ્વિકાર કરીને ધ્વનિ મતથી નાણાં બિલને મંજુરી આપી દેવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારામને નાણાં બિલ પર સરકારી સુધારા રજૂ કર્યા હતા. ત્યારબાદ ગૃહની બેઠક અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. બજેટ સત્રનો બીજો તબક્કો બીજી એપ્રિલ સુધી ચાલનાર હતો પરંતુ કોરોના વાયરસના પરિણામ સ્વરુપે આને સમયથી પહેલા અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે.

         આ વખતે બજેેટ સત્ર દમરિયાન ૨૩ બેઠકોમાં ૧૦૯ કલાક ૨૩ મિનિટ સુધી કામ થયું હતું. ૧૭મી લોકસભાના ત્રીજા સત્ર અથવા તો બજેટ સત્રની શરૂઆત ૩૧મી જાન્યુઆરીના દિવસે થઇ હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, ગાળા દરમિયાન ૧૦૯ કલાક ૨૩ મિનિટ સુધી ચાલી છે. અચોક્કસ મુદ્દત માટે ગૃહને સ્થગિત કરવાની જાહેરાત કરતા સ્પીકરે કહ્યું હતું કે, ૩૧મી જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે બંને ગૃહના સભ્યોએ રાષ્ટ્રપતિના ભાષણ ઉપર આભાર પ્રસ્તાવને મંજુરી આપી હતી. પ્રસ્તાવ ૧૫ કલાક ૩૧ મિનિટ સુધી ચર્ચા બાદ મંજુર કરાયો હતો. બિરલાએ કહ્યું હતું કે, સત્રમાં મહત્વપૂર્ણ કાર્યો થયા છે. બજેટ સત્ર દરમિયાન થયેલા કામોની વાત કરતા સ્પીકરે કહ્યું હતું કે, કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧ પર ચર્ચા ૧૧ કલાક ૫૧ મિનિટ ચાલી હતી.

        બજેટ સત્ર દરમિયાન કુલ ૧૩ બિલ પસાર કરવામાં આવ્યા હતા. ૯૮ પુરક પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. સભ્યોએ પણ નિયમ ૩૭૭ હેઠળ કુલ ૩૯૯ મામલા ઉઠાવ્યા હતા. સંસદમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સરકારી કામકાજના સંબંધમાં નિવેદન આપ્યા હતા. સાથે સાથે કોરોના વાયરસના કારણે ઉભી થયેલી સ્થિતિ અંગે આરોગ્યમંત્રી હર્ષવર્ધન અને વિદેશ મંત્રી જયશંકર સહિત ૧૬ નિવેદન આપ્યા હતા. સંબંધિત મંત્રીઓએ કુલ ૧૭૬૫ પત્ર ગૃહના મંચ પર મુકવામાં આવ્યા હતા. બજેટ સત્ર દરમિયાન અનેક મહત્વનું કામ થયું હતું. બિરલાએ કહ્યું હતું કે, સંસદમાં દિલ્હીના કેટલાક ભાગોમાં કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ પર નિયમ ૧૯૩ હેઠળ નાની ચર્ચા થઇ હતી. ચાર કલાક અને ૩૭ મિનિટ ચર્ચા ચાલી હતી.

(7:58 pm IST)