Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

ડોલરમાં વિશ્વવ્યાપી અછતઃ પાઉન્ડમાં ૩૫ વર્ષનો લો, રૂપિયો ઓલટાઇમ લો

નવી દિલ્હી, તા.૨૩: કોરોના ક્રાઇસિસ વકરતાં અને સઉદી અરેબિયાએ પ્રાઇસ-વોર છેડ્યા પછી સંખ્યાબંધ ઓઇલ કંપનીઓ નાદાર થવાની ભીતિ અને અધૂરામાં પૂરું, મોટા હેજફન્ડો અને બેંકોના રિસ્ક પેરિટી ટ્રેડ, રિલેટિવ વેલ્યુ ટ્રેડ ( સરખા જેવી બે એસેટ જેમાં એક મોંદ્યી અને બીજી સસ્તી હોય) અવળા પડતાં અમેરિકન નાણાપ્રણાલીમાં ગંભીર સંકટ ઊભું થતાં સેન્ટ્રલ બેંકને દરમ્યાન થવું પડ્યું છે. હાલના ટ્રિપલ શોકથી અર્થવ્યવસ્થાને મોટો માર પડ્યો છે. ચીનમાં તો કોરોનાની મહામારી કાબૂમાં આવી છે, પણ યુરોપ અને અમેરિકામાં કેસ વધતાં લોકડાઉન જેવી સ્થિતિ છે. ભારતમાં પણ દ્યણાંખરાં શહેરોમાં સેમી લોકડાઉન છે. હેલ્થ ક્રાઇસિસ ઓસરે પછી આર્થિક ક્રાઇસિસને તો સરકાર પહોંચી વળશે. રોકડ સહાય, નાના વેપારીઓને લોનચુકવણીમાં રાહત, દેવાં માંડવાળી, કરવેરામાં રાહત એવાં અનેક પગલાં આવશે. ૨૦૦૮ની તુલનાએ અમેરિકી કંપનીઓ પાસે કેશ ઘણી મોટી છે. અમેરિકન અર્થતંત્ર દ્યણું મજબૂત છે અને જો ધારે તો આખી દુનિયાનો ભાર લઈ શકે એમ છે.

શેરબજારોમાં ડાઉ જોન્સ એક માસમાં ૩૫ ટકા, બેંક નિફ્ટી ૪૦ ટકા અને સેન્સેકસ અંદાજે ૩૩ ટકા તૂટયો છે. મની માર્કેટમાં ઘણો ગભરાટ હોવાથી તેમ જ શેરો, કોમોડિટી, ઇમર્જિંગ ફોરેકસ. જંક બોન્ડ એમ અનેક બજારોમાં માર્જિન કોલ, કોલેટરલ ફન્ડિંગ માટે ફન્ડો, બેંક મેંનેજરોને ડોલરની જરૂર પડવાથી બધે બધું વેચવાનો વારો આવ્યો છે. જો આજે ડાઉ ૫ ટકા તૂટે તો શોર્ટ સેલ પર બેન આવી જવાની પ્રબળ સંભાવના છે. એમ છતાં મંદી અટકે નહીં તો નછૂટકે શેરબજારોને કામચલાઉ બંધ કરવા પડે. ભારતમાં શઙ્ખર અને કોમોડિટી બજારો બંધ કરવા એક વર્ગ દ્યણા સમયથી માગ કરી રહ્યો છે.

કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયામાં ૭૫.૪૦નો નવો નીચો ભાવ થયો હતો. ડોલર ઇન્ડેકસ ૧૦૩ થઈ જતા અને ડોલરમાં જંગી શોર્ટેજ થતાં તમામ કરન્સી તૂટી છે. પાઉન્ડ તો ૩૫ વર્ષની નીચી સપાટી ૧.૧૪૮૦ થઈ ગયો છે. યુરોમાં પણ ધીમી અને કાતિલ મંદી છે. રશિયન રૂબલ, બ્રાઝિલ રિયાલ, મેકિસકન પેસો જેવી અનેક કરન્સીમાં ૩૦-૪૦ ટકા સુધીનું ગાબડું પડ્યું છે. રિઝર્વ બેંક પાસે ફોરેકસ રિઝર્વ દ્યણી સારી છે એટલે રૂપિયામાં મોટી અને ઝડપી મંદી થઈ નથી, પણ જો ભારતમાં મહામારી વધે તો રૂપિયામાં પણ નોંધપાત્ર નરમાઈ આવી શકે.

ક્રૂડ ઓઇલની વાત કરીએ તો સઉદીએ ભાવ તોડ્યા અને ઉત્પાદનની રેલમછેલ કરી દેતા ક્રૂડ ૬૫ ડોલરથી ઘટીને ૨૦ ડોલર સુધી આવી ગયું છે. સઉદી મંદી કરીને નાની કંપનીઓનો સફાયો કરવા ધારે છે. જોકે અમેરિકાની ટેકસાસ ઓઇલ લોબીને ઓછી આંકવા જેવી નથી. ટેકસાસ રેઇલ રોડ નામનું એક ઓછું જાણીતું રેગ્યુલેટર છે એને પૂછયા વિના ટેકસાસમાં ઓઇલ ડ્રિલિંગ થઈ શકે નહીં. ગયા વરસે ક્રૂડ ૪૦ ડોલર નીચે ગયું ત્યારે કેનેડામાં આલબર્ટાએ ઉત્પાદનકાપ મૂકતા ક્રૂડ ૪૨ ડોલરથી વધી ૬૫ ડોલર થયું હતું. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ક્રૂડ ક્રાઇસિસમાં દરમ્યાનગીરી કરી શકે. અત્યારે ક્રૂડ ૫-૧૦ ડોલરની વાતો ચાલી છે, પણ ૧૬-૧૮ ડોલર નીચે ભાવ ટકશે નહીં. બેન્કરોના મતે સેકન્ડ કવાર્ટરમાં જીડીપીનો દ્યટાડો ૨૦-૨૪ ટકા જેવો હશે. રિસેસન નક્કી જ છે, પણ સારી વાત એ છે કે અમેરિકન અર્થતંત્ર અગાઉની કટોકટીઓ કરતાં મજબૂત છે. હાલની મંદીને ૧૯૯૭ની કરન્સી કટોકટી, ૨૦૧૨ની યુરોપિયન દેવાં કટોકટી અને ૨૦૦૦ની ડોટકોમ કટોકટીનું મિશ્ર રૂપ કહી શકાય. સારા સમાચાર છે કે સરકારો અગાઉની મંદીમાંથી દ્યણું શીખી છે અને સરકારના ભાથામાં ફિસ્કલ અને મોનિટરી એમ દ્યણાં શસ્ત્રો છે.

(4:34 pm IST)