Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ભારતીયોને ફટકો : લોકપ્રિય વિઝા ઓસ્ટ્રેલિયામાંય ખતમ

અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયાએ પણ કડક નિયમો કર્યા : લોકપ્રિય વિઝા મેળવનારમાં ભારતીયોની ટકાવારી સૌથી વધુ હતી : વિદેશી વર્કરોને રાખવાની બાબત ખર્ચાળ હશે

નવીદિલ્હી, તા. ૨૩ : ભારતીય પ્રોફેશનલો માટે અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ નિરાશાજનક અહેવાલ આપી દીધા છે. ઓસ્ટ્રેલિયાની સરકારે કુશળ વિદેશી વર્કરો માટે જારી કરવામાં આવતા પેટાવર્ગીય ૪૫૭ વિઝા ખતમ કરીદીધા છે. અલબત્ત આ મહિનાથી ઓસ્ટ્રેલિયાએ એક નવી ટેમ્પરરી સ્કીલ સોર્ટેજ (ટીએસએસ) વિઝાની શરૂઆત કરી દીધી છે. સબક્લાક ૪૫૭ વિઝા કેટેગરી ભારતીય પ્રોફેશનલોમાં ખુબ લોકપ્રિય છે. આજ કારણ છે કે, આ વિઝાવાળા ૯૦૦૦૦ લોકોમાં મોટો હિસ્સો ભારતીયોનો રહ્યો છે. ભારતીયોનો હિસ્સો ૨૨ ટકાની આસપાસનો રહ્યો છે. એમ તો ટીએસએસ મારફતે ઓસ્ટ્રેલિયાના વિદેશી વર્કરોની નિમણૂંક થતી રહેશે પરંતુ ત્યાં સ્થાયીરીતે રહેવા માંગતા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. કારણ કે નવા નિયમોમાં અનેક પ્રકારના પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા છે. સાથે સાથે પહેલી નોકરીની તલાશ કરનારને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. કારણ કે, હવે લઘુત્તમ બે વર્ષના અનુભવને ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર ભારતીય વિદ્યાર્થીઓને પણ ફટકો પડશે. ટીએસએસની મુખ્ય બાબતો ટીએસએસના બે પ્રવાહ છે. શોર્ટટર્મ અને મિડિયમ ટર્મ તરીકે બે પ્રવાહ છે. આ બંને સ્ટ્રીમમાં જુદા જુદા પ્રકારથી કુશળતા ધરાવનાર કારોબારી સામેલ છે. નાની અવધિના ટીએસએસ વિઝા ધારકો સ્થાયી આવાસ માટે અરજી કરી શકે નહીં. વિદેશી વર્કરોને નોકરી પર રાખનાર ઓસ્ટ્રેલિયન કંપનીને સ્કીલિંગ ઓસ્ટ્રેલિયા ફંડમાં યોગદાન આપવું પડશે. નવા વર્કવિઝાના કારણે વિદેશી વર્કરોને નોકરી પર રાખવાની બાબત વધારે મોંઘી બની જશે. કારણ કે આમા નોકરી આપનાર કંપનીઓ માટે સ્કીલિંગ ફંડમાં વધારે યોગદાન કરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે સ્થાનિક લોકોને નોકરીમાં પ્રથમ પ્રાથમિકતા આપવાના હેતુથી લેબર ટેસ્ટિંગના નિયમો પણ કઠોર કરવામાં આવશે.

અલબત્ત હજુ સુધી નિયમોને આખરી સ્વરુપમાં રજૂ કરાયા નથી. ઓસ્ટ્રેલિયાની સરકાર એવા કારોબારીઓની યાદી તૈયાર કરે છે જેમાં કુશળ કાર્યબળની અછત હોય છે જેના માટે વિદેશી વર્કરોની ભરતીની મંજુરી આપવામાં આવે છે. થોડાક મહિના પહેલા માઇગ્રેશન સુધારા પ્રક્રિયા શરૂ થઇ હતી અને જાન્યુઆરી મહિનામાં નવા સ્કીલ્ડ માઇગ્રેશન વિઝા માટેની યાદી જારી કરવામાં આવી હતી. આગામી મહિનામાં વધુ એક લિસ્ટ લાવવામાં આવશે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે ખતમ થયેલા ઓસ્ટ્રેલિયાના નાણાંકીય વર્ષમાં રસોઇમાં કામ કરનાર લોકો, રેસિડેન્ટ મેડિકલ ઓફિસર અને રેસ્ટોરન્ટ મેનેજરના ટોપ ત્રણ કારોબાર માટે ૪૫૭ વિઝા આપવામાં આવશે. ૪૫૭ વિઝા મહત્તમ ચાર વર્ષ માટે માન્ય રહે છે.

(7:51 pm IST)