Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

'વેટ'માં મળતી ઇનપુટ ટેકસ ક્રેડિટ GSTમાં કેરી ફોરવર્ડ થતી નથી

ગુજરાત GST કાયદાની જોગવાઇઓને ગેરબંધારણીય જાહેર કરવા હાઇકોર્ટમાં રિટઃ એડવોકેટ જનરલને નોટિસ પાઠવી

અમદાવાદ તા. ૨૩ : GST (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ)ના મુદ્દે વેપારીઓને અનેક પ્રકારની અસુવિધાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વેપારીઓને તેમની ઇનપુટ ટેકસ ક્રેડિટ કે જે VAT(વેલ્યૂ એડેડ ટેકસ)ના કાયદામાં મળતી હતી તે GSTના નવા કાયદામાં કેરી ફોરવર્ડ થતી નથી. ગુજરાત સ્ટેટ GSTના નવા કાયદામાં આ જોગવાઇનો છેદ ઉડાડી દેવામાં આવ્યો હોવાથી GSTની કાયદાકીય જોગવાઇને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ બી.એન. કારિયાની ખંડપીઠે એડવોકેટ જનરલને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી ૧૯મી એપ્રિલના રોજ મુકરર કરી છે.

આ સમગ્ર મામમલે મેસર્સ વીલવુડ કેમિકલ પ્રા. લિ. તરફથી એડવોકેટ વિનય શરાફ, એડવોકેટ વિશાલ જે. દવે અને એડવોકેટ નિપુન સિંઘવીએ રિટ પિટિશન કરીને ગુજરાત સ્ટેટ GSTને ગેરબંધારણીય જાહે કરવાની માંગ કરી છે. તેમણે રિટમાં એવી રજૂઆત કરી છે કે, 'વેટના કાયદામાં કોઇ વેપારી કે ડીલરને ઇનપુટ ટેકસ ક્રેડિટ કેરી ફોરવર્ડ મળતી હોવાની કાયદાકીય જોગવાઇ હતી. ત્યારબાદ હવે જયારે GSTનો નવો કાયદો અમલ આવ્યો છે ત્યારે આ જૂના કાયદાની જોગવાઇનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. તેથી વેપારી-ડીલરની કરોડો રૂપિયાની ક્રેડિટ બોલતી હોય તો પણ તે તેને કેરી ફોરવર્ડ મળતી નથી. GSTના ટ્રાન-વનના ફોર્મમાં આ માટેની કોઇ જોગવાઇ જ કરવામાં આવી નથી. અરજદારની રૂ.૧ કરોડની ક્રેડિટ બોલે છે, પરંતુ તેને તેને GSTમાં કેરી ફોરવર્ડ મળતી નથી. તેથી તેને ભારે નુકસાન થઇ રહ્યું છે.

 ઇનપુટ ટેકસ ક્રેડિટ એ જેતે કરદાતાનો હક છે અને તેનાથી ઇન્કાર કરી શકાય નહીં. પરંતુ ગુજરાત GST એકટની ધારા ૧૪૦(૧)ના ઓઠા હેઠળ સરકાર કરદાતાની ક્રેડિટને કેરી ફોરવર્ડ નહીં કરીને તેની કર જવાબદારીઓ વધારવાનું કામ કરી રહી છે. તેથી કાયદાની આ જોગવાઇને બંધારણના આર્ટિકલ 279Aથી વિપરીત જાહેર કરીને ગેરબંધારણીય ઠેરવવામાં આવે.લૃ.

જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટસ કારિયા ખંડપીઠે આ કેસના આદેશમાં નોંધ્યું હતું કે,  'અરજદાર દ્વારા ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસની ધારા ૧૪૦(૧)ને પડકારી છે. અગાઉ વેલ્યુ એડેડ ટેકસ(VAT)ના કાયદા હેઠળ ડીલર દ્વારા જે ટેકસ ભરાયો હોય તેની સામે જે ટેકસ ક્રેડિટ મળતી હતી, તેમાં આ GSTના કાયદા અન્વયે કેટલીક પ્રકારની રોક લગાવવામાં આવી છે. અરજદારના વકીલનું કહેવું છે કે GSTના કાયદાની આ જોગવાઇ અરજદારને મળેલા બંધારણીય અધિકારો પર તરાપ મારે છે અને ગેરવ્યાજબી રોક પણ લગાવે છે. રિટમાં કાયદાની જોગવાઇને ગેરબંધારણીય ઠેરવવાની દાદ માંગી હોઇ એડવોકેટ જનરલને નોટિસ પાઠવવામાં આવે છે.'(૨૧.૭)

(10:08 am IST)