Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

માર્ચના પ્રથમ અઠવાડીયા સુધી દેશના ઉત્તર-મધ્ય ભાગોમાં બરફના કરા-વરસાદની સંભાવના

નવી દિલ્હી તા. ર૩ :.. દેશમાં ચાલુ મહિનાની શરૂઆતમાં બગડેલા વાતાવરણને કારણે માવઠું અને કરા પડતાં દેશનાં અનેક રાજયોમાં ઊભા પાકને અસર પહોંચી હતી ત્યારે આગામી દિવસોમાં ફરી આવું વાતાવરણ જોવા મળે એવી સંભાવના છે.

ભારતીય હવામાન ખાતાએ જણાવ્યા પ્રમાણે ર૩ થી ર૬ ફેબ્રુઆરી દરમ્યાન કમોસમી વરસાદ અને બરફના કરા પડી શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતની સાથે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ કરા પડવાની સંભાવના છે. પ્રાઇવેટ વેધર એજન્સી સ્કાયમેટે પણ આ વાતને સમર્થન આપ્યું હતું અને તેમણે તો છેક માર્ચના પહેલા સપ્તાહ સુધી આવું જ વાતાવરણ રહેવાની આગાહી કરી છે.

મધ્ય મહારાષ્ટ્રમાં ર૩ ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડશે જે ર૪ ફેબ્રુઆરી સુધીમાં સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં પહોંચી જશે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સાથે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં ર૪ થી ર૬ મી વચ્ચે ખાસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં હજી ૧૦ દિવસ પહેલાં જ કમોસમી વરસાદ અને બરફના કરા પડવાથી મોટું નુકસાન થયું હતું. મધ્ય પ્રદેશાં આશરે ૧૦૦ જેટલાં ગામોમાં તો ચણા અને ઘઉંનો પાક સાવ નાશ પામ્યો છે. જયારે મહારાષ્ટ્રમાં બે લાખ હેકટરમાં પાકને નુકસાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં ૧પ જિલ્લામાં નુકસાન ભરપાઇ કરવા માટે રાજય સરકારે કુલ પ૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે જો સતત બીજી વાર માવઠું અને કરા પડે તો પાકને મોટું નુકસાન થાય એવી ંભાવના છે. અને ઘઉં જેવી કોમોડીટીમાં તેજી ફાટી નીકળે એવી પણ સંભાવના છે. જયારે ચણાની બજારમાં મંદીને બ્રેક લાગી શકે છે અને હાલમાં વિક્રમી ઉત્પાદનના અંદાજ મુકાઇ રહ્યા છે, જેમાં કાપ મુકાય એવી ધારણા છે. ચાલુ વર્ષે સરકારે ઘઉં અને  ચણા બન્ને કોમોડીટીનું વિક્રમી ઉત્પાદન થવાના અંદાજ મુકયા છે ત્યારે સરકારના આયોજનમાં પણ વિક્ષેપ પડે એવી સંભાવના છે.

(11:15 am IST)