Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

PNB કૌભાંડઃ ગભરાયેલા નીરવ મોદીએ પોતાની વેબસાઇટ બંધ કરી

મુંબઈ તા. ૨૩ : પંજાબ નેશનલ બેન્ક સાથે સાડા અગિયાર હજાર કરોડ રુપિયાની ઠગાઈ કરી વિદેશ ભાગી ગયેલા નીરવ મોદીની ઓફિશિયલ વેબસાઈસ હવે કામ કરી રહી નથી. તેના વેબ એડ્રેસ પર કિલક કર્યા બાદ 'વેબ પેજ ઈઝ નોટ વર્કિંગ'નો મેસેજ દેખાઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપની સાથે જોડાયેલી વિગતો વધુ સાર્વજનિક થાય નહીં તેના માટે નીવર મોદીએ પોતે જ વેબસાઈટ બંધ કરી હોઈ શકે છે.પહેલા આ વેબસાઈટ પર નીરવ મોદી બ્રાન્ડ ડાયમંડની બ્રાન્ડ એમ્બેસેડર અને ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની ફોટો જોવા મળતી હતી. આપને જણાવી દઈએ કે, પોતાની પ્રોડકટ સાથે જોડાઈ રહેવા માટે નીરવ મોદીએ બે વેબસાઈટ બનાવી હતી, જોકે હવે તે બન્ને વેબસાઈટ બંધ બતાવે છે.

પંજાબ નેશનલ બેન્ક સાથે સાડા અગિયાર હજાર કરોડ રુપિયાની ઠગાઈમાં નીરવ મોદીનું મુખ્ય સુત્રધાર તરીકે નામ સામે આવ્યા બાદ તેની પ્રોડકટની બ્રાન્ડ એમ્બેસેડર હોવાને કારણે અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પણ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. જે અંગે પ્રિયંકા ચોપરાની ટીમે નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, નીરવ મોદીએ તેને જાહેરાતના રુપિયા ચુકવ્યા નથી, જે અંગે તેને લીગલ નોટિસ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

નીરવ મોદીના PNB કૌભાંડ બાદ એવી માહિતી પણ સામે આવી રહી છે કે, હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી PNB સાથેનો તેનો કોન્ટ્રાકટ પુરો કરી શકે છે. મહત્વનું છે કે, વિરાટ કોહલી પંજાબ નેશનલ બેન્કના બ્રાન્ડ એમ્બેસેડર છે.

(10:02 am IST)