Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

જો મોદી વડોદરાથી ચૂંટણી લડશે તો કોંગ્રેસ તેમની સામે રિતેશ દેશમુખને મેદાનમાં ઉતારશે

કોંગ્રેસ વડોદરાના એક પણ દાવેદારને મેન્ડેટ નહીં આપે

નવી દિલ્હી તા. ૨૩ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની વડોદરા બેઠક પરથી ચૂંટણી લડશે તો તેમની સામે કોંગ્રેસ મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર બોલીવુડના સ્ટાર રીતેશ દેશમુખને ચૂંટણી લડાવનાર હોવાની શકયતા છે.

વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી લોકસભાની વડોદરા બેઠક પરથી ચૂંટણી લડી ચૂકયા છે અને જંગી બહૂમતિથી વિજય હાંસલ કરીને વડા પ્રધાન બન્યા હતાં. જો કે તે સમયે તેઓએ વારાણસી બેઠક યથાવત્ રાખી હતી અને વડોદરા બેઠક ખાલી કરી હતી. ગઈ ચૂંટણી વખતે મોદી બે બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યુ હતુ, આગામી મે મહિનાના અંત સુધીમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં મોદી વડોદરા, ઉત્તર પ્રદેશના વાસાણસી અને ઓરીસ્સાની પુરી એમ ત્રણ બેઠક પરથી કોઈ બે બેઠક પરથી ચૂંટણી લડવાના હોવાનુ કહેવાય છે. વડોદરા બેઠક પર મોદી ફરી ચૂંટણી લડવાના હોવાના ભણકારાને લઈને રાષ્ટ્રીય કોંગ્રેસ તે દિશામાં એકશનમાં આવ્યુ છે.

મોદી વડોદરાથી ચૂંટણી લડશે તો આ વખતે કોંગ્રેસ વડોદરાના એક પણ દાવેદારને મેન્ડેટ નહીં આપે, પરંતુ આ વખતે બોલીવુડ સ્ટાર અને પૂર્વ મુખ્યમંત્રીના પૂત્ર રીતેશ દેશમુખને વડોદરા બેઠક પરથી ચૂંટણીમાં ઊભા રાખનાર હોવાનુ જાણવા મળે છે. આ વખતે કોંગ્રેસના વડોદરા લોકસભાના પ્રભારી એવા દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને શહેરની પાંચ વિધાનસભાના પ્રભારી રાજેન્દ્ર પરમારે લકડીપુલ ખાતેના કોંગ્રેસ કાર્યલય ખાતે બેઠક કરી હતી. જેમાં ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોનેે કહ્યુ હતુ કે, વડોદરા બેઠકમાં ૧૬૦૦ જેટલા બુથ છે અને એક બુથમાં ૧૦ જનમિત્ર બનાવો પછી ટિકિટ માંગજો. એમને એમ ટિકિટ માંગવા આવી ન જતા તેવી સૂચના આપી દીધી હતી. જેને લઈને દાવેદારોમાં ચિંતાનુ મોજૂ ફરી વળ્યુ હતું.(૨૧.૩)

રીતેશ દેશમુખને ચૂંટણી લડાવવા પાછળ કોંગ્રેસનું ગણિત શું છે?

૧.  રીતેશ દેશમુખ બોલીવુડ-મરાઠી ફિલ્મોના સ્ટાર છે અને શહેરમાં મરાઠીઓની વસતી ૩૦ ટકાથી વધુ છે.

૨.  રીતેશ દેશમુખને સૌ મતદારો જાણે છે, એક ફિલ્મ સેલીબ્રીટી હોવાના નાતે મતદારો પાસેથી મત માંગવા સહેલા રહેશે.

૩.  લોકલ દાવેદારને ટિકિટ અપાય તો ફિકસીંગ થઈ શકવાની શકયતા

૪.  બોલીવુડ સ્ટાર ચૂંટણી લડે તો ગ્લેમર ફેલાય અને સભાઓ ભરચક થવાની ગણતરી

 

(10:28 am IST)