Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

વૈષ્ણોદેવીની આસપાસ ફરી હિમવર્ષા : પારો ગગડી ગયો

હિમાચલના ઉંચાણવાળા વિસ્તારમાં પણ હિમવર્ષા : ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં પણ કાતિલ ઠંડીનું મોજુ દિલ્હી-એનસીઆરમાં અનેક જગ્યાઓએ વરસાદ નોંધાયો

નવીદિલ્હી, તા. ૨૩ : ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતી વચ્ચે હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં સવારમાં તાપ દેખાયા બાદ બપોરે ફરી એકવાર ધુમ્મસની સ્થિતી જોવા મળી હતી. કેટલાક સ્થળ પર હળવો વરસાદ પણ થઇ રહ્યો હોવાના હેવાલ મળ્યા છે. હળવા વરસાદના કારણે ઠંડીમાં ફરી એકવાર વધારો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. હવામાન વિભાગે જાન્યુઆરી મહિનામાં વરસાદની આગાહી પહેલાથી કરી હતી. હાલમાં ઠંડીની સાથે સાથે સ્મોગના કારણે પણ લોકો પરેશાન થયેલા છે. ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં છે. જમ્મુના ઉચાણવાળા ભાગોમાં હિમવર્ષા થઇ શકે છે. આજે વિશ્વ પ્રસિદ્ધ વૈષ્ણોદેવી મંદિરની આસપાસ હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે ભારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે જનજીવન ઉપર અસર થઇ છે. હિમાચલ પ્રદેશના ઉંચાણવાળા ભાગોમાં પણ હિમવર્ષા થઇ છે. સિમલાના નારકંદામાં હિમવર્ષા થઇ છે. આ મહિનાની શરૂઆતમાં જ જમ્મુ કાશ્મીરના લડાખ પ્રદેશમાં લેહ પારો માઈનસ ૧૫.૬ સુધી પહોંચી ગયો હતો. જ્યારે શ્રીનગરમાં આજે ૧.૨ ડિગ્રી માઇનસમાં તાપમાન નોંધાયું હતું. ગુલમર્ગમાં માઇનસ ૪.૯ ડિગ્રી પારો રહ્યો હતો. હિમાચલના ઉંચાણવાળા વિસ્તારમાં પણ સ્થિતિ કફોડી બનેલી છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે જનજીવન ઉપર પ્રતિકુળઅસર થઇ છે. હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે. સ્થિતિમાં હાલ સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. દિલ્હી અને એનસીઆરમાં હવામાનમાં પલટો આવતા વરસાદ થયો છે. જેથી તાપમાનમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ૫-૧૦ વચ્ચે નોંધાયું છે. યુપીમાં ૧૫૦થી વધુના મોત ઠંડીના કારણે થઇ ચુક્યા છે.

 

(7:49 pm IST)