Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

પદ્માવત ફિલ્મ નિહાળવા કરણી સેનાના કાલવીનો ઇન્કારઃ ૨૫મીએ ભારત બંધ રહેશેઃ જનતા કર્ફયુ

ફિલ્મ સામેનો વિરોધ ચાલુઃ રજુ થશે ગંભીર પરિણામો આવશેઃ ગઇકાલે ફિલ્મ નિહાળવાની હા પાડયા બાદ આજે કરણી સેનાનો યુ-ટર્નઃ સેન્સર બોર્ડે પણ ૩ લોકોને ફિલ્મ બતાવી હતી છ લોકોને નહીઃ કુછ જયાદા હો જાય તો બાપુ માફ કરના : કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્રસિંહ કાલવી ગુજરાતમાં : સાબરમતી આશ્રમ થઈ રાજભા ઝાલા સાથે પોરબંદર પહોંચ્યા ભણશાળી નાટક કરે છે : રિલીઝ પહેલા ફિલ્મ બતાવવાની ખાત્રી તે ભૂલી ગયા છેઃ કાલવીજીની 'અકિલા' સાથે વાતચીત

રાજકોટ તા. ૨૩ : રાજપુત કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રસિંહ કાલવીએ પદ્માવત ફિલ્મ નિહાળવાનો ઇન્કાર કરી દીધો છે. સોમવારના દિવસે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કર્યા બાદ કાલવીએ કહ્યુ હતુ કે તેઓ પદ્માવત ફિલ્મ નિહાળવા માટે તૈયાર છે. આજે તેમણે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં કહ્યુ હતુ કે, ફિલ્મ સામેનો અમારો વિરોધ ચાલુ છે. અમે ફિલ્મ નહી નિહાળીએ. રપમીએ ભારત સજ્જડ બંધ રહેશે અને જનતા કર્ફયુનો માહોલ સર્જાશે.

કાલવીએ કહ્યું કે, 'પદ્માવતને લઈને યુપી પણ બધા રાજયોની જેમ ચિંતિત છે. જયારે પદ્માવતી નામથી આ ફિલ્મ સામે આવી અને વિરોધ શરૂ થયો તો  યોગીજીએ સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો હતો. હવે અમે પદ્માવતી નહીં, પદ્માવતનો વિરોધ કરી રહ્યા છીએ. તેને રોકવા માટે અંતિમ હથોડો ચાલવો જોઈએ. હવે તે સીએમ યોગી જ બતાવશે કે તે આ ફિલ્મને લઈને કેવા પગલાં ઉઠાવશે. અમારું કામ અપીલ કરવાનું હતું.'

પરંતુ આજે કાલવીએ સ્પષ્ટ કહ્યુ હતુ કે તેઓ ફિલ્મ નિહાળનાર નથી. કાલવીએ અકિલા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે ભણશાળી ગ્રુપ તરફથી પત્ર આવ્યો હતો પરંતુ તે વિશ્વાસઘાત સમાન હતો. તે ઇચ્છતા હતા કે અમે ફિલ્મ નિહાળવા માટે ઇન્કાર કરીએ. તેઓ આજે પોરબંદરમાં છે. સેન્સર બોર્ડે પણ માત્ર ત્રણ લોકોને ફિલ્મ દર્શાવી હતી. છ લોકોને ફિલ્મ દર્શાવવામાં આવી ન હતી. કાલવીએ કહ્યું છે જો ફિલ્મ રજૂ કરાશે તો ગંભીર પરિણામનો સામનો કરવો પડશે. કાલવીએ કહ્યુ હતુ કે અમે કહીએ છીએ ઓછુ અને કરીએ છીએ વધારે. 

આ ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે ત્યારે કરણી સેના અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં કરણી સેનાના નેતા લોકેન્દ્રસિંહ કાલવીએ ગઇકાલે કહ્યું હતું કે, તેઓ ફિલ્મને જોવા માટે તૈયાર છે. અમે કયારેય એવું કહ્યું નથી કે, અમે આ ફિલ્મની નિહાળીશું નહીં. ફિલ્મ નિર્માતાએ એક વર્ષ અગાઉ અમને ખાતરી આપી હતી કે તેઓ અમારા માટે ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરશે. ભણશાલી પ્રોડકશને ૨૦મી જાન્યુઆરીએ શ્રી રાજપૂત કરણી સેના અને રાજપૂત સભા જયપુરને પત્ર લખીને ફિલ્મ નિહાળવા માટે કહ્યું હતું અને એવી ખાતરી પણ આપી હતી કે, ફિલ્મમાં રાજપૂત સમાજની ગૌરવ ગાથા દર્શાવવામાં આવી છે. જો કે આજે ફિલ્મનો વિરોધ જારી રાખવાની જાહેરાત કરી હતી.

કાલવીએ કહ્યુ હતુ કે રાજ્ય સરકારો આ ફિલ્મની રજૂઆતને લઇને વધારે ચિંતાતુર  છે. તેમનુ કહેવુ છે કે ફિલ્મ રજૂ થવાની સ્થિતીમાં રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ભાંગી પડશે. ગુજરાતમાં મલ્ટીપ્લેકસ વાળા ફિલ્મ દર્શાવવાનો ઇન્કાર કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે તેઓ ઇચ્છે છે કે જનતાની ભાવનાને લઇને તમામ લોકો નિર્ણય કરે. સિનેમાહોલવાળા આ ફિલ્મને દર્શાવવા માટે ઇન્કાર કરે તેમ અમે ઇચ્છીએ છીએ.

અત્રે નોંધનીય છે કે કરણી સેનાના સમર્થકોએ દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન કરીને પદ્માવત ફિલ્મની રજૂઆતનો વિરોધ કર્યો છે. જુદા જુદા રાજ્યોમાં તોડફોડ કરવામાં આવી ચુકી છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને તેના અગાઉના ચુકાદાની સમીક્ષા કરવા માટે અને તેમાં સુધારો કરવા માટે અપીલ કરી છે. જેની આજે સુનાવણી થઇ રહી છે. ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે.

ફિલ્મ પદ્વાત ગુરૂવારે ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવશે કે કેમ તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત હજુ આવ્યો નથી.

તો સુપ્રીમ કોર્ટે ફિલ્મને ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવા માટેની લીલીઝંડી આપ્યા બાદથી રાજપુત સમુદાયમાં નારાજગી સતત વધી રહી છે. વિરોધ વધુ તીવ્ર બને અને સ્થિતિ ગંભીર સર્જાય તેવા સંકેત વચ્ચે ૧૬૦૦૦ રાજપૂત મહિલાઓએ જો આ ફિલ્મ બતાવાય તો જૌહર કરવાની જાહેરાત કરી છે તેથી ગંભીરતા ખૂબ વધી જાય છે.

 કરણીસેનાના સૂત્રધાર લોકેન્દ્રસિંહ કાલવીએ આજે સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૨૫મીએ દેશભરમાં શાંતિપૂર્વકનો બંધ રહેશે. તે દરમિયાન જનતા કર્ફયુ જેવું વાતાવરણ જોવા મળશે અને લોકો જ પદ્માવત ફિલ્મ સામે લોકોનો રોષ પ્રગટ કરશે. તેમણે જણાવ્યું હતું કે આજે હું મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર જઇ રહ્યો છું, જ્યાં હું બાપુને નમન કરી મારી લડત અહિંસક અને અસ્મિતા માટેની છે તેવું  પ્રતિત કરાવીશ.

તેમણે કહ્યું હતું કે, અમે ૨૫મીએ જનતા કર્ફયુનું એલાન કર્યું છે. ગુજરાત, રાજસ્થાન, યુ.પી., હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોના મલ્ટીપ્લેક્ષ માલિકોએ પદ્માવત ફિલ્મ નહીં દર્શાવવાનો નિર્ણય લીધો છે. આ બારામાં હું ચાર જેટલા મુખ્યમંત્રીઓને પણ મળ્યો છું, તેઓએ પણ આ બારામાં પોતાનું સમર્થન આપ્યું છે.

કરણીસેનાના પ્રમુખ કાલવીએ વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મ નિહાળવા માટે મને ફિલ્મના સર્વેસર્વા સંજય લીલા ભણશાલીનો પત્ર આવ્યો હતો પરંતુ મારી માંગણી છે કે, પેહલા એ છ લોકોને તેઓ ફિલ્મ બતાવે જેમણે તેને મંજૂર કરેલ છે. સેન્સર બોર્ડના ત્રણ સભ્યોએ જ આ ફિલ્મ જોવાની મનાઇ કરી હતી.

એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અમને આશા છે કે ૨૫મીના ભારત બંધના એલાન દરમિયાન કયાંય પણ હિંસા નહીં થાય અને લોકો સ્વયંભુ જ બંધ પાળી પોતાનો રોષ વ્યકત કરશે.

કાલવી આજે પૂ. મોરારીબાપુ અને પૂ. રમેશભાઇ ઓઝાને પણ મળી રહ્યા છે

રાજકોટ : અખિલ ભારતીય કરણીસેનાના અધ્યક્ષ લોકેન્દ્રસિંહજી કાલવી આજે પૂ. મોરારીબાપુ અને પૂ. રમેશભાઇ ઓઝાને પણ મળી રહ્યા છેઃ તેઓ ગુજરાતમાં સાબરમતી-પોરબંદર આવ્યા છેઃ સંભવતઃ અંબાણીબંધુઓ ઉપર આ ફિલ્મ રિલીઝ ન થાય તે માટે દબાણ લાવવા કહેશે

(2:46 pm IST)