Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

બેંકોમાં ચાર-પાંચ ટ્રાન્ઝેકશન જ નિઃશુલ્ક તે પછી લાગશે ચાર્જ

ડિજીટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવા માટે એક સીમા બાદ રોકડ લેવડ-દેવડ પર ગ્રાહકે આપવો પડશે ચાર્જઃ તમામ બેંકોને રોકડ લેવડ-દેવડની સીમા નક્કી કરવા જણાવાયુઃ જમા ઉપાડની સંખ્યા નક્કી કરવા બેંકોને છુટ

નવી દિલ્હી તા.ર૩ : આવતા દિવસોમાં કોઇ એક મર્યાદા-સીમા બાદ રોકડ લેવડ-દેવડ ઉપર ગ્રાહકોએ ચાર્જ આપવો પડશે. નવા પ્રસ્તાવ અનુસાર બેંકોની શાખાઓમાં દર મહિને ચાર કે પાંચ રોકડ લેવડ-દેવડ કરી શકાશે તે પછી થનાર લેવડ-દેવડ ઉપર ચાર્જ ભરવો પડશે.

 

ડિજીટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવા માટે ચાર્જ લગાવવાની જોગવાઇ છે સાથોસાથ રોકડ લેવડ-દેવડની મહત્તમ સીમા પણ ર લાખ રૂ.થી વધુ ન હોવી જોઇએ. નોટબંધી બાદ કેટલીક મોટી બેંકોએ રોકડ લેવડ-દેવડની સીમા ર લાખ રૂપિયા નક્કી કરી હતી. જે ભવિષ્યમાં બધી બેંકો લાગુ કરશે.

 

આની સાથોસાથ જ ડિજીટલ લેવડ-દેવડની છુટની વ્યવસ્થા પણ બેંકો લાવશે. એવામાં માનવામાં આવે છે કે જમા-ઉપાડની સંખ્યા નક્કી કરવાની છુટ બેંકોને આપવામાં આવશે. એવુ માનવામાં આવે છે કે, તમામ બેંકોમાં રોકડ જમા ઉપાડની સંખ્યા નક્કી થવા પર ડિજીટલ અર્થવ્યવસ્થાની પહોંચ ગ્રામીણ અને દુર-દુરના વિસ્તારો સુધી પહોંચશે.

સુત્રો જણાવે છે કે તમામ બેંકોમાં રોકડ લેવડ-દેવડની સીમા નક્કી કરવા જણાવાયુ છે. પહેલા એવો વિચાર હતો કે જાહેર ક્ષેત્રની બેંકોમાં આ વ્યવસ્થા લાગુ કરવામાં આવે પરંતુ નાની અને મધ્યમ સાર્વજનિક બેંકોની સામે પરેશાની એ છે કે તેમના ગ્રાહક નાની ખાનગી બેંકોમાં ખાતા ખોલી શકે છે તે પછી સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે યોજાયેલી બેઠકમાં તમામ બેંકોમાં આ વ્યવસ્થા લાગુ કરવા સહમતી બની છે.

ગયા વર્ષે સ્ટેટ બેંક, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંકે નોટબંધી બાદ એક મહિનામાં ચાર વખતથી વધુ નાણા જમા કરાવવા કે ઉપાડવા પર ન્યુનતમ ચાર્જ લગાવવાનું શરૂ કર્યુ હતુ.

હાલ એટીએમમાં જમા-ઉપાડની સંખ્યા પ રાખવામાં આવી છે. ડિજીટલ લેવડ-દેવડને આગળ વધારવા માટે સરકારમાં પ૦,૦૦૦ રૂ.થી વધુની રોકડ લેવડ-દેવડ ઉપર ચાર્જ પર સહમતી બનતી નથી. આ ભલામણ નોટબંધી બાદ ચંદ્રબાબુ નાયડુ સમિતિએ કરી હતી જેને અભેરાઇએ ચડાવી દેવામાં આવેલ છે.

(10:41 am IST)