Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

લગ્નના આઠ વર્ષે પતિએ પત્નીનો હિંદુ ધર્મ અપનાવ્યો

અલિગઢનો મુસ્લિમ યુવક હિંદુ ધર્મથી પ્રભાવિત થયો : પ્રેમ લગ્ન કરનાર કાસિમ નામ બદલી કરમવીરસિંહ બન્યો

અલીગઢ, તા. ૨૨ : યુપીના અલીગઢમાં એક યુવકે લગ્નના આઠ વર્ષ બાદ ધર્મ પરિવર્તન કર્યું છે. યુવકે હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા, અને પત્નીના ધર્મથી પ્રભાવિત થયા બાદ હિન્દુ સંગઠનોની મદદથી તેણે ઈસ્લામ છોડી હિન્દુ ધર્મ અપનાવ્યો છે. ધર્મ બદલતાની સાથે યુવકે પોતાનું નામ પણ કાસિમ ખાનમાંથી બદલીને કરમવીર સિંહ કરી દીધું છે. યુવકે જણાવ્યું હતું કે તેને ધર્મ બદલવા માટે કોઈએ મજબૂર નહોતો કર્યો. પોતાની મરજીથી તેણે ફેસલો લીધો છે.

કાસિમે જણાવ્યું હતું કે આઠ વર્ષ પહેલા તેની મુલાકાત ૨૪ વર્ષની અનીતા કુમારી સાથે થઈ હતી. કાસિમના પિતાએ વર્કશોપ માટે અનીતાનું ઘર ભાડે લીધું હતું. બંને વચ્ચે થતી મુલાકાત ધીરે-ધીરે પ્રેમમાં પરિણમી હતી અને ૨૦૧૨માં તેમણે એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે, અનીતાના પરિવારજનો લગ્નથી રાજી નહોતા.

લગ્ન બાદ દંપતીએ વધુ એક લગ્ન સમારંભનું આયોજન કરી હિન્દુ વિધિથી ફેરા લીધા હતા. ત્યારબાદ અનીતાના પરિવારે અલીગઢ છોડી દીધું હતું અને તેઓ દિલ્હી રહેવા ચાલ્યા ગયા હતા. હાલ અનિતા અને કાસિમને બે બાળકો છે, જેમાં દીકરીનું નામ કાસિફા જ્યારે દીકરાનું નામ અયાઝ છે.

ઉત્તર પ્રદેશમાં લાગુ કરાયેલો ધર્માંતરણ વિરોધી વટહુકમ ૨૦૨૦ ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. તેવામાં કાસિમે મુસ્લિમ ધર્મ છોડી હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. કાસિમનું કહેવું છે કે તેને હવે સુરક્ષા જોઈએ છે, કારણકે તેને ડર સતાવી રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે તેણે જિલ્લાતંત્ર પાસે સુરક્ષા માગી હતી, પરંતુ ત્યાંથી કોઈ જવાબ નહોતો મળ્યો. તેણે સરકારને ફરી પોતાને સુરક્ષા આપવા માટે અનુરોધ કર્યો હતો. કાસિમની પત્ની અનીતાએ જણાવ્યું હતું કે લગ્ન બાદ તેને કોઈ પ્રકારનું દબાણ કે હિન્દુ રિતરિવાજોનું પાલન ના કરવા માટે ક્યારેય નહોતું કહેવાયું. એક હિન્દુ સંગઠનની મદદથી કાસિમે હિન્દુ ધર્મ અપનાવ્યો છે, અને તેના પર પણ કોઈ દબાણ નહોતું કરાયું. સંગઠનના સભ્ય નીરજ ભારદ્વાજે જણાવ્યું હતું કે તેણે કાસિમનું ધર્માંતરણ કરાવ્યું છે. તેમણે કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં કાસિમનું સ્વાગત છે. રવિવારે તેના માટે આર્ય સમાજ મંદિરમાં અનુષ્ઠાન કરાયું હતું. કાસિમે ૧૫ ડિસેમ્બરે કલેક્ટર ઓફિસમાં કાયદાકીય રીતે ધર્માંતરણ માટે અરજી કરી હતી, પરંતુ પાંચ દિવસ સુધી તેનો જવાબ ના મળતા તેણે મંદિરમાં જઈ ધર્માંતરણ કરાવ્યું હતું.

(7:24 pm IST)