Gujarati News

Gujarati News

News of Saturday, 22nd December 2018

રાહત : ૩૩ પ્રોડકટ પર GSTનો દર ઘટાડવા નિર્ણય

રોજબરોજના ઉપયોગમાં આવતી ચીજ-વસ્તુઓ સસ્તી કરવા જીએસટી કાઉન્સીલનો નિર્ણયઃ ૨૬ પ્રોડકટને ૧૮ ટકામાંથી ૧૨ ટકાના સ્લેબમાં લાવવામાં આવીઃ ૭ પ્રોડકટને ૨૮ ટકાના સ્લેબમાંથી ૧૮ ટકાના સ્લેબમાં ખસેડવામાં આવી

નવી દિલ્હી, તા. ૨૨ :. નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં શરૂ થયેલી જીએસટી પરિષદની આજની બેઠકમાં પ્રજાને રાહતો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બપોરે આ લખાય છે ત્યારે મળતી વિગતો અનુસાર કાઉન્સીલે રોજબરોજના ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ પરનો જીએસટીનો દર ઘટાડવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ કુલ ૩૩ પ્રોડકટ પર જીએસટીનો દર ૧૮ ટકામાંથી ઘટાડીને ૧૨ ટકા અને ૫ ટકા રાખવામાં આવ્યો છે. જે પૈકી ૨૬ પ્રોડકટને ૧૮ ટકાના સ્લેબમાંથી ૧૨ ટકાના સ્લેબમાં લાવવામાં આવી છે. જ્યારે ૭ પ્રોડકટને ૨૮ ટકાના સ્લેબમાંથી ૧૮ ટકાના સ્લેબમાં ખસેડવામાં આવી છે.

 

અગાઉના અહેવાલ અનુસાર આ બેઠકમાં લકઝરી વસ્તુઓ અને તમાકુ-સિગારેટને છોડી રોજીંદી બધી વસ્તુઓને ૧૮ ટકા અથવા તેનાથી પણ ઓછા જીએસટી દરમાં લાવી શકાશે. આ વસ્તુઓમાં કોમ્પ્યુટર, પાવર બેંક, યુપીએસ, ઓટોમોબાઈલ ટાયર, એસી, ડીજીટલ કેમેરા, વોશીંગ મશીન અને પાણીના હીટર સહિત અન્ય વસ્તુઓ છે જેના પર હાલ જીએસટી ૨૮ ટકા લાગે છે.

 

દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શરૂ થયેલી બેઠકમાં પરિષદ સિમેન્ટના દરો ઓછા કરવાનો નિર્ણય પણ કરી શકે છે. સૂત્રો જણાવે છે કે સિમેન્ટને ૧૮ ટકાના ૧૨ લાવી શકાય છે. સિમેન્ટ પર ૨૮ ટકા જીએસટીના કારણે કાળાબજારમાં વધારો થઈ રહ્યો છે. એટલે દર ઘટાડવાથી ફેર પડશે અને વેચાણના આંકડા વધવાથી સરકારને થઈ રહેલુ નુકશાન સરભર થઈ જશે. સુત્રો અનુસાર સિમેન્ટમાં કાળાબજારના કારણે સરકારને ૭૦૦૦ કરોડનું નુકસાન થાય છે.

સૂત્રો અનુસાર, આવાસ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પરિષદની બેઠકમાં નિર્માણાધીન આવાસ પર જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાના પ્રસ્તાવ પર પણ ચર્ચા થઈ શકે છે. આ પ્રસ્તાવ સાથે બિલ્ડરોને ઈન્પુટ ટેક્ષ ક્રેડીટની સુવિધા બંધ કરવા પર પણ ચર્ચા થઈ શકે છે કેમ કે બિલ્ડરો ઘર ખરીદનારાઓને ઈન્પુટ ટેક્ષ ક્રેડીટ નથી આપતા અને પોતે તેનો ફાયદો ઉઠાવે છે, એટલે તેને બંધ કરવો એ જ યોગ્ય મનાઈ રહ્યુ છે.

આ ઉપરાંત થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સને પણ ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકાના દરમાં મુકી શકાય છે. સાથે જ ઈ-વે બિલને વધુ મજબુત કરવા માટે આરએફઆઈડી ટેકનિકને અમલી બનાવવા ઉપર પણ ચર્ચા થશે.

(4:27 pm IST)