Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

હવે દીવ-દમણ વચ્ચે પણ ફેરી સર્વિસ શરૂ કરાશે

છ કલાકમાં દમણથી દીવ પહોંચાશેઃ ૪૦૦ કરોડનો ખર્ચ થશે

નવી દિલ્હી તા. ૨૨ : છેલ્લા કેટલાંય વર્ષોથી દીવ-દમણ વચ્ચે ફેરી સર્વિસ શરૂ થવાની ચર્ચા હતી. હવે એવુ લાગી રહ્યું છે કે ફાઈનલી આ બંને સ્થળ વચ્ચે ફેરી સર્વિસ શરૂ થશે. દમણ અને દીવના એડમિનિસ્ટ્રેશને દમણથી દીવ અને મુંબઈથી દીવ વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવા માટે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI) ને ટેકનિકલ અને આર્થિક બાબતોને ધ્યાનમાં રાખી સર્વે કરવા જણાવ્યું છે. SCIએ ઓનલાઈન સર્વે કરીને લોકોને તેમને અનુકૂળ ટાઈમિંગ અને તેમને દમણથી દીવ તથા દીવથી દમણ જવા માટે જરૂરી સુવિધાઓ અંગે પૂછ્યુ છે.

દક્ષિણ ગુજરાત અને દમણથી દીપ વચ્ચે ઘણુ વધારે અંતર હોવાથી દક્ષિણ ગુજરાતીઓ દીવની મુલાકાતે આવતા નથી. સુરતથી રોડ દ્વારા ટ્રાવેલ કરી દીવ જવામાં ૧૫ કલાકનો સમય લાગી જાય છે. ફેરી સર્વિસને કારણે માત્ર છ કલાકમાં દીવથી દમણ પહોંચી જવાશે.

દમણ, દીવ તથા DNHના વહીવટકર્તાના સલાહકાર એસ.એસ યાદવે સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું, 'SCIએ ટેકનિકલ અને આર્થિક રીતે દમણથી દીવ અને મુંબઈથી દીવનો પ્રોજેકટ કેટલો યોગ્ય છે તે અંગે સર્વે હાથ ધર્યો છે. આ રિપોર્ટ અમને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં મળશે. અમને આશા છે કે આ સ્ટડી રિપોર્ટ પોઝિટિવ હશે. અમે દીવ અને દમણમાં ટૂરિઝમ વધારવા માટે ફેરી સર્વિસ શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છીએ.'

સૂત્રોના જણાવ્યા મુજબ એડમિનિસ્ટ્રેશન ફેરી સેવા માટે કેટરમરેન એટલે કે મોટા હોડકા જેવી બોટ્સ લાવવાનું વિચારી રહ્યું છે. આ બોટમાં ૧૨૦ જેટલા લોકો બેસી શકે તેવી સુવિધા હશે. SCI દ્વારા રિપોર્ટ સબમિટ થાય પછી દમણ, દીવ તથા મુંબઈમાં ફેરી સર્વિસ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભુ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવશે. દમણ-દીવના વહીવટી તંત્રએ SCI સાથે મેમોરેન્ડમ સાઈન કર્યો છે. આ પ્રોજેકટનો ખર્ચ આશરે ૪૦૦ કરોડ રૂપિયા થશે.

યાદવે જણાવ્યું કે, 'અમે દરિયામાં દમણથી દીવના અંતરને લઈને થોડી ચિંતામાં છીએ. બંને શહેરો વચ્ચે દરિયાઈ માર્ગે ૧૪૦ કિ.મીનું અંતર છે અને ફેરીથી પહોંચતા છ કલાક લાગે છે. અમારે સર્વિસ શરૂ કરતા પહેલા ટેકનિકલ દૃષ્ટિએ આ પ્રોજેકટ કેટલો અમલમાં મૂકી શકાય તેમ છે તે અંગે તપાસ કરવાની બાકી છે.'

છેલ્લા કેટલાય સમયથી દમણ-દીવ વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવાની વાત ચાલી રહી છે. વડાપ્રધાન મોદીએ તેમની ચૂંટણી પ્રચારની રેલી દરમિયાન આ ફેરીનો ઉલ્લેખ કર્યો પછી જ અહીંના અધિકારીઓ ફેરીનું કામ પૂરુ કરવા માટે હરકતમાં આવ્યા છે. આ સર્વિસને કારણે ટૂરિઝમને જોરદાર બૂસ્ટ મળી શકે તેમ છે. આથી સરકારે આ પ્રોજેકટને વધારે વર્ષો ખેંચવો ન જોઈએ. આ સર્વિસ શરૂ કરવી કોઈ રોકેટ સાયન્સ નથી. સારા પ્લાનિંગ અને સમયસર તેના અમલીકરણથી આ સર્વિસ શરૂ કરવી આસાન છે.

(6:27 pm IST)