Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

2G બાદ કોંગ્રેસ માટે વધુ એક 'આદર્શ' ખુશખબરી

હાઇકોર્ટે આદર્શ સોસાયટી કૌભાંડ કેસમાં કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ પર કેસ ચલાવાની મંજૂરી આપનાર રાજ્યપાલના આદેશને નકારી દીધો છે

મુંબઇ તા. ૨૨ : ૨જી કૌભાંડમાં કોર્ટના નિર્ણયની રાહત મહેસૂસ કરી રહેલા કોંગ્રેસ માટે બીજા એક મોટા સમાચાર બોમ્બે હાઇકોર્ટમાંથી આવ્યા છે. હાઇકોર્ટે આદર્શ સોસાયટી કૌભાંડ કેસમાં કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ પર કેસ ચલાવાની મંજૂરી આપનાર રાજયપાલના આદેશને નકારી દીધો છે.

હાઇકોર્ટના નિર્ણય બાદ ચૌહાણે કહ્યું કે રાજયપાલનોઆદેશ સંપૂર્ણરીતે રાજકારણથી પ્રેરિત અને પક્ષપાતપૂર્ણ હતા. તેમણે ફરી એકવખત પોતાને નિર્દોષ ગણાવ્યા. ચૌહાણે કહ્યું કે કોર્ટનો વિસ્તૃત આદેશ વાંચ્યા બાદ જ તેઓ આ કેસમાં આગળની કોઇ ટિપ્પણી કરશે. આપને જણાવી દઇએ કે આ મંજૂરી મહારાષ્ટ્રના રાજયપાલએ સીબીઆઈને ૨૦૧૬માં આપી હતી. ચૌહાણના વકીલ એ કોર્ટમાં કહ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૧૬માં રાજયપાલ સી.વિદ્યાસાગર રાવ એ પુરાવાના આધાર પર નહીં, પરંતુ બદલાયેલ રાજકીય માહોલના લીધે મંજૂરી આપી હતી.

આપને જણાવી દઇએ કે ચૌહાણ પર આદર્શ સોસાયટીમાં પોતાના સંબંધીઓને બે ફલેટ આપવાની અવેજમાં સોસાયટીને વધુ એફએસઆઇ (ફલોર સ્પેસ ઇન્ડેકસ) આપવાનો આરોપ હતો. તેના પર એ પણ આરોપ હતો કે જયારે તેઓ રેવન્યુ મિનિસ્ટર હતા, તેમણે ગેરકાયદેસર રીતે બિન સૈનિકોને ૪૦ ટકા વધુ ફલેટ આપવાની મંજૂરી આપી હતી. સીબીઆઈની એફઆઇઆરમાં તેમનું નામ પણ સામેલ હતું, પરંતુ ડિસેમ્બર ૨૦૧૩માં તે સમયના રાજયપાલ કે.શંકરનારાયણએ ચૌહાણ પર કેસ ચલાવાની મંજૂરી આપવાની ના પાડી દીધી હતી.

જો કે માર્ચ ૨૦૧૫માં હાઇકોર્ટે ચૌહાણની એ માંગ માનવાની ના પાડી દીધી હતી કે તેમનું નામ આ કેસમાંથી કાઢી દેવામાં આવે કારણ કે રાજયપાલે પણ મંજૂરી આપવાની ના પાડી દીધી છે. ત્યારબાદ સીબીઆઇએ ફરી એકવખત રાજયપાલનો સંપર્ક કર્યો અને ફેબ્રુઆરી ૨૦૧૬માં રાજયપાલ એ ચૌહાણ પર કેસ ચલાવાની મંજૂરી આપી દીધી.

(3:54 pm IST)