Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

કોંગ્રેસ હજુય માથું ખંજવાળે છેઃ સુરતમાંથી મળનાર વોટ ગયા કયાં?

કોંગ્રેસના નેતાઓ ચિંતન કરવામાં લાગ્યા : સુરતમાં ફિયાસ્કો કેમ થયો?: જીએસટી - નોટબંધી પણ કામ ન લાગ્યાઃ અલ્પેશ, જીજ્ઞેશથી ખાસ ફાયદો ન થયો

નવી દિલ્હી તા. ૨૨ : પાટીદાર આંદોલનનો જુવાળ એટલો જબરજસ્ત હતો કે, આ ચૂંટણીમાં સુરતમાં ભાજપની બેઠકો ઘટશે તેવો કોંગ્રેસને કોન્ફિડન્સ હતો. જોકે, પરિણામ કંઈક અલગ જ આવ્યું છે. કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર પાછળ જવાબદાર કારણોનું હાલ મનોમંથન કરવામાં લાગી છે. પક્ષનું માનવું છે કે, પક્ષ વિરોધી પ્રવૃત્ત્િ। તેમજ જુનાને બદલે નવા ચહેરાઓને ટિકિટ અપાતા કેટલીક બેઠકો ગુમાવવી પડી. પક્ષના નેતાઓ પણ બે દિવસથી અશોક ગેહલોતની આગેવાનીમાં ચિંતન બેઠક કરી રહ્યા છે.

એમ મનાતું હતું કે, પાટીદાર આંદોલનનો કોંગ્રેસને આ ચૂંટણીમાં સીધો ફાયદો થશે. જોકે, સુરતમાં પાટીદારોનો ગઢ ગણાતી બેઠકોમાં પણ કોંગ્રેસની હાર થઈ છે, અને ૧૬ બેઠકોમાંથી પક્ષ માત્ર ૧ જ બેઠક જીતી શકયો છે. કોંગ્રેસની સમજમાં એ વાત હજુ નથી આવી રહી કે, સુરતમાં તો હાર્દિકના કાર્યક્રમોમાં જોરદાર ભીડ ઉમટતી હતી, તો પછી તે ભીડ વોટમાં કેમ પરિવર્તિત ન થઈ?

પાટીદાર આંદોલન જ નહીં, જીએસટી અને નોટબંધીને કારણે પણ આ ચૂંટણીમાં ભાજપને ફટકો પડશે, અને તેનો ફાયદો પોતાને મળશે તેવી કોંગ્રેસની ગણતરી હતી. જોકે, તે પણ ખોટી પડી છે. જોકે, કેટલાક નેતાઓ માની રહ્યા છે કે, સુરતમાં પક્ષનું સંચાલન જે રીતે થઈ રહ્યું છે તેના કારણે પક્ષની વિરુદ્ઘમાં ચૂંટણીનું પરિણામ આવ્યું. કો-ઈનચાર્જ હર્ષ શાકલ્પને પણ હાર માટે જવાબદાર ઠેરવાઈ રહ્યા છે.

એટલું જ નહીં, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી પણ પોતાની બેઠકો જીતવા સિવાય પક્ષને કશોય ફાયદો કરાવી શકયા નથી. એક તરફ, કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્ત્િ।ને ગંભીરતાથી લઈ રહી છે. માંડવી બેઠક પરથી પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલ તેમજ મહુવા બેઠક પરથી પૂર્વ કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરી કઈ રીતે હાર્યા તેનું કારણ શોધવા પણ મંથન થઈ રહ્યું છે.

ચિંતન બેઠકમાં એવું પણ સૂચન કરાયું છે કે, સ્થાનિક નેતાઓ નિષ્ક્રિય રહેતા શકિતસિંહ અને તુષાર ચૌધરી હાર્યા છે. ભરતસિંહ સોલંકીએ તો પક્ષ વિરોધી પ્રવૃત્ત્િ।માં જે કસૂરવાર ઠર્યું તેની સામે કડક પગલાં લેવાની પણ ચિમકી આપી દીધી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત બનાવવા પણ કોંગ્રેસે અત્યારથી જ પ્રયાસ શરુ કરી દીધા છે.

કેટલાક નેતાઓ દ્વારા ઈવીએમને બદલે બેલેટ પેપર દ્વારા વોટિંગ કરાવાય તેવું પણ સૂચન અપાયું છે. સોલંકીએ જણાવ્યું કે, ઈવીએમ સાથે ચેડાં શકય છે કે નહીં તે જાણવા માટે કેટલાક એકસપર્ટ્સની મદદ લેવાશે. બીજી તરફ, હાર માટે જવાબદાર કારણોનો રિપોર્ટ બનાવીને ૨૩મીએ ગુજરાત આવી રહેલા રાહુલ ગાંધીને તે સુપ્રત કરવામાં આવશે.

(3:54 pm IST)