Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

સલમાન દર કલાકે ૮૧ લાખ કમાય છેઃ વાર્ષિક આવક ર૩ર કરોડ

ફોર્બ્સ ઇન્ડિયાએ વર્ષ-ર૦૧૭ની ટોપ-૧૦૦ની યાદી જાહેર કરીઃ શાહરૂખ ખાન ૧૭૦ કરોડની કમાણી સાથે બીજા તો કોહલી ૧૦૦ કરોડ સાથે ત્રીજા ક્રમે : ફોર્બ્સની યાદીમાં બોલીવુડ અને ક્રિકેટ જગતની હસ્તીઓની બોલબાલાઃ ૪૬ કલાકારો અને ૧પ ક્રિકેટરોના નામઃ અક્ષય ચોથા, તેંડુલકર પાંચમાં, આમીર છઠ્ઠા, પ્રિયકા સાતમાં, ધોની આઠમાં, ઋત્વિક રોશન નવમાં અને રણવીરસિંહ કમાણીમાં દસમાં ક્રમે

નવી દિલ્હી તા.રર : ફોર્બ્સ ઇન્ડિયાએ વર્ષ-ર૦૧૭ના ટોપ-૧૦૦ સેલીબ્રીટીની યાદી જારી કરી છે જે અનુસાર બોલીવુડના સુલતાન એટલે કે સલમાન ખાનની કમાણીના મામલે સતત બીજા વર્ષે નંબર-વન છે. સલમાન ખાને વિરાટ કોહલી અને બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનને પણ પાછળ છોડી દીધા છે. સલમાનખાન રોજના ૧૯.૪૪ કરોડ કમાય છે એટલે કે એક કલાકમાં તે ૮૧ લાખ કમાય છે.

ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે સલમાનખાને રૂ.ર૩ર કરોડની વાર્ષિક કમાણી કરી છે. જયારે શાહરૂખખાનની કમાણી ૧૭૦ કરોડ રૂપિયાની છે. લીસ્ટમાં બોલીવુડ અને ક્રિકેટ જગતની બોલબાલા છે જેમાં ૪૬ કલાકારો અને ૧પ ક્રિકેટરો છે. કુલ ૧૭ મહિલા સેલીબ્રીટીઝે તેમા જગ્યા બનાવી છે જેમાં બેટમીન્ટન ખેલાડી પી.વી.સિન્ધુ, દિપીકા પાદુકોણ અને અનુષ્કા શર્મા પણ છે.

ટોપ-૧૦ સેલીબ્રીટીની વાત કરીએ તો સલમાન અને શાહરૂખ બાદ ત્રીજા ક્રમે ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી છે તેની કમાણી ૧૦૦ કરોડની છે જયારે અક્ષયકુમાર ૯૮ કરોડની કમાણી સાથે યાદીમાં ચોથા ક્રમે છે તો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ૮ર કરોડની કમાણી સાથે પાંચમાં સ્થાને છે. આમીરખાન ૬૯ કરોડની કમાણી સાથે છઠ્ઠા તો પ્રિયંકા ચોપડા ૬૮ કરોડની કમાણી સાથે ૭માં ક્રમે છે. ધોની ૬૪ કરોડ સાથે ૮મા, ઋત્વિક રોશન ૬૩ કરોડ સાથે ૯માં અને રણવીરસિંહ ૬ર કરોડની કમાણી સાથે ૧૦મા ક્રમે છે.

સલમાન ખાનને ર૦૧૬માં ધુમ મચાવી હતી. સુલતાન ફિલ્મે પ૯૦ કરોડની કમાણી કરી હતી તો આ વર્ષે જુનમાં ટયુબલાઇટ રીલીઝ થઇ હતી તેણે પણ ર૧૧ કરોડની કમાણી કરી હતી. ટયુબલાઇટ ફિલ્મ ન ચાલી છતાં સલમાન કમાણીમાં નંબર વન છે તો શાહરૂખ ખાન ગયા વર્ષે પ૧ કરોડની કમાણી કરી હતી અને શાહરૂખ રોજ ૪૬ લાખ રૂપિયા કમાય છે.

(3:47 pm IST)