Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

આવી રહ્યું છે કન્ઝયુમર બીલઃ બદલી દેશે લોકોની લાઇફ

ખૂબ મહત્વનું છે કન્ઝયુમર પ્રોટેકશન બીલઃ ખોટી રીતે ગેરમાર્ગે દોરનારની ખેર નથી

નવી દિલ્હી તા. ૨૨ : કેન્દ્રીય કેબિનેટે કન્ઝયુમર પ્રોટેકશન બિલ ૨૦૧૭ને મંજૂરી આપી દીધી છે. જેમાં સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર આ બિલને સંસદના હાલ ચાલુ શિયાળુ સત્રમાં લાવી શકે છે. સંસદ દ્વારા મંજૂરી મળ્યા બાદ આ કાયદો બની જશે. હવે સવાલ એ છે કે શું આ બીલ આવવાથી સામાન્ય લોકોને ફાયદો થશે???

આ બીલ અંતર્ગત ખોટા દાવાઓ કરતી કંપનીઓ ઉપરાંત તેને એડવાર્ટાઇઝ કરવાવાળા સેલિબ્રિટિઝ પર પણ કાર્યવાહી કરી શકાશે. આ બીલ અંતર્ગત દંડ અને સજા બંનેની જોગવાઈ છે. એટલે કે હવે ગ્રાહકના હાથમાં પ્રોડકટની યોગ્યતા પારખવાનો અધિકાર હશે. તેમજ ખોટા દાવાઓ અને ખોટી લોભામણી જાહેરાતો વિરુદ્ઘ ગ્રાહક કાયદેસરતા પૂર્વક પગલા ભરશે.

આ બીલમાં સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરિટી બનાવવાની પ્રસ્તાવ છે. આ ઓથોરિટી બધા જ પ્રકારની ફરિયાદો પર ધ્યાન રાખશે અને કાર્યવાહી કરશે. નવું બીલ ગ્રાહકોના હિતોની સુરક્ષા કરશે. આ સાથે જ બ્રાન્ડ અને તેની એડ કરતા સેલિબ્રિટીની જવાબદારી પણ નક્કી થશે અને ગેરમાર્ગે દોરતા સાબિત થવા પર કાર્યવાહી પણ થશે.

આ બિલ અંતર્ગત ૧૦ લાખ સુધીનો દંડ અને ૨ વર્ષની જેલની સજા છે. આ નવું બીલ ડાયરેકટ સેલિંગ કરતી કંપનીઓ પર પણ લાગુ પડશે. ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર સરકાર કડક પગલા લઈ શકશે.

જો કોઈ બ્રાન્ડ અથવા પ્રોડકટ ભ્રામક પ્રચાર કરતા હશે તો તેની વિરુદ્ઘ કાર્યવાહી થશે. તે અંતર્ગત બ્રાંડા એમ્બેસેડર બનનાર વ્યકતી પણ જવાબદાર ગણવામાં આવશે. તેના માટે રુ. ૧૦ લાખથી ૫૦ લાખ સુધીનો દંડ અને ૨-૫ વર્ષ સુધી જેલની સજા.

કેન્દ્ર સરકારે આ સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરિટીની રચના અમેરિકા અને યૂરોપના દેશોમાં હાલ કાર્યરત ઓથોરિટીના આધારે કર્યું છે. આ ઓથોરિટી પાસે મેગી જેવી મામલે નિર્ણય સંભળાવવાનો અધિકાર હશે. જેમાં વધારે પ્રમાણમાં નુકસાનકર્તા લેડનો મુદ્દો ઉઠ્યો હતો. તેમજ ફૂડ પોઇઝનિંગ જેવા મામલે આજીવન કારાવાસની પણ જોગવાઈ કરવામાં આવી છે.

ગ્રાહક આ ઓથોરિટી પાસે પોતાની ફરીયાદ દાખલ કરી શકે છે. જેમાં તેણે જણાવવું પડશે કે કયા આધારે પ્રોડકટ માટે કરવામાં આવેલ દાવાઓ ખોટા છે. ફરીયાદ મળ્યા બાદ ઓથોરિટી સમગ્ર મામલે તપાસ કરશે. તેમજ જે તે પ્રોડકટ સાથે સંકળાયેલ કંપની અને સેલિબ્રિટીને પણ તપાસ હેઠળ આવરી લેવામાં આવશે. જો કોઈ કંપની અથવા સેલિબ્રિટી દોષિત સાબિત થશે તો તેની વિરુદ્ઘ કાર્યવાહી કરવાનો અધિકાર પણ આ આથોરિટી પાસે હશે. તેમજ તે કંપનીનું લાઈસેન્સ રદ્દ કરી શકશે અને પ્રોડકટને રીકોલ કરવાનો આદેશ પણ આપી શકશે.(૨૧.૨૯)

(3:37 pm IST)