Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

બે અપક્ષોને મનાવી ૧૦૧ની સંખ્યા કરવા ભાજપના પ્રયાસો

લુણાવાડાના રતનસિંહ અને મોરવા - હડફના ખાંટને મનાવવાના ચાલતા પ્રયાસો

નવી દિલ્હી તા. ૨૨ : વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ત્રણ અપક્ષ ઉમેદવારો પૈકીના બે અપક્ષ ઉમેદવારે મનાવી પોતાના ૧૦૧ ધારાસભ્યોની સંખ્યા કરવા માટે  ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે.  મહીસાગર જિલ્લાની લુણાવાડા બેઠક પરથી ચૂંટાયેલા રતનસિંહ રાઠોડ અને પંચમહાલ જિલ્લાની આદિવાસી અનામત બેઠક મોરવા-હડફ પરથી ચૂંટાયેલા ભૂપેન્દ્રસિંહ ખાંટ ભાજપમાં જોડાઇ જાય એવાં ચક્રો ગતિમાન થયેલાં છે. ચૂંટાયેલા ત્રણેય અપક્ષોને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું અને કોંગ્રેસે ત્રણેય બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા નહોતા. હવે ચૂંટણી પરિણામ બાદના સંજોગોમાં આ ત્રણ પૈકીના બેને ભાજપમાં સમાવવા માટેની વ્યૂહરચના ગોઠવવામાં આવી છે. રાજકીય વર્તુળોમાંથી મળતી જાણકારી મુજબ આ ઓપરેશનનું સંચાલન રાજયના એક વગદાર નેતાની દોરવણી હેઠળ અને તેમના કેટલાક વિશ્વાસુઓ મારફતે કરવામાં આવી રહ્યું છે. આ પૈકીના રતનસિંહ રાઠોડ પોતાના જ્ઞાતિસમાજના કેટલાક અગ્રણીઓને વિશ્વાસમાં લીધા પછી ભાજપમાં જોડાવાનું પગલું ભરે એવી શકયતા છે. આ રતનસિંહ રાઠોડ ૩૨૦૦ મતથી ભાજપના ઉમેદવારને હરાવીને વિજેતા બન્યા છે. જયારે મોરવા-હડફના ભૂપેન્દ્રસિંહ ખાંટ ૪૩૬૬ મતથી ભાજપ સામે વિજેતા બનેલા છે. રાજયની નવી ૧૪મી વિધાનસભાની વિધિવત રચના થાય તે પહેલાં ચૂંટાયેલા બે અપક્ષોને ભાજપમાં લાવવાની ગોઠવણ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ચૂંટણીમાં  ૯૯થી વધુ બેઠકો ન જીતી શકનાર ભાજપે પોતાના ધારાસભ્યોની સંખ્યા ૧૦૦ને ઓળંગવા માટે હવે એડી-ચોટીનું જોર લગાવવા માંડ્યું છે.  ૯૯ બેઠકો મેળવવાથી નાક કપાયાની સ્થિતિ ઊભી થઇ હોવાથી નવી વિધાનસભામાં પોતાના સંખ્યાબળને ૧૦૦ કે ૧૦૧ના આશ્વાસનરૂપ આંકડા સાથે નવી સરકાર રચવાનો વ્યૂહ ભાજપની નેતાગીરી દ્વારા રચવામાં આવ્યો છે અને હવે પોતાના શુભેચ્છક બનેલા રાજયના એક બાહોશ અને પહોંચેલા નેતાને તેને માટેની કામગીરી સોંપાઇ હોવાનું કહેવાય છે.

(11:29 am IST)